વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાસિકના કાલારામ મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દેશવાસીઓને તમામ ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવા વડાપ્રધાનની અપીલ

વડાપ્રધાનની અપીલના પગલે નર્મદા જિલ્લામાં આવેલા નાના મોટા ધર્મ સ્થાનોમાં સ્વચ્છતા અભિયાન ચલાવાશે

જાન્યુઆરી,૨૦૨૪ ના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આયોજિત થઇ રહ્યો છે તે અનુસંધાને પ્રધાનમંત્રીએ તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા અને રાજ્યના તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા જન આંદોલન હાથ ધરવા આહવાન કરેલ છે.

આજરોજ વડાપ્રધાને નાસિક ખાતેના કાલારામ મંદિરમાં સાફ-સફાઈ કરી હતી. વડાપ્રધાને મંદિર પરિસરથી દેશવાસીઓને પણ દેશના તમામ ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાની અપીલ કરતાં નર્મદા જિલ્લામાં પણ જિલ્લા વહીવટી તંત્રે પણ સાફ-સફાઈ અભિયાન કરવા માટે કમર કસી છે.

જેના ઉપલક્ષમાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” ના સૂત્રને સાર્થક કરવા સારું તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ દરમ્યાન ગુજરાત રાજ્યના તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા તમામે તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા જન અભિયાન હાથ ધરવાનું રાજ્ય સરકાર એ નક્કી કરેલ છે. જેમાં તમામ યાત્રાધામોનું પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર જવર થતી આજુબાજુની જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવું, કચરો યોગ્ય જગ્યાએ સુવ્યવસ્થિત નિકાલ થાય તે રીતે ડસ્ટબિન તથા અન્ય વસ્તુઓનું વ્યવસ્થાપન ગોઠવવું તેનો યોગ્ય રીતે ડમ્પિંગ કરવામાં આવે તેમજ કોઈ પણ સ્થાન ઉપર કચરો બિલકુલ ન દેખાય તેની ખાસ કાળજી લેવી તથા સમગ્ર અભિયાનમાં પદાધિકારીઓ, સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંગઠનોનો સહયોગ, વિદ્યાર્થીઓનો તથા શૈક્ષણિક સંસ્થાઓનો સહયોગ લઈને આયોજન કરવા અને તમામ વર્ગોને સ્વચ્છતા અંગેની કામગીરીમાં સ્વૈચ્છિક રીતે સામેલ કરવા અને સ્વચ્છતા એ જ સેવા અંગેના પ્રચાર-પ્રસારમાં સહભાગી બનાવવા જીલ્લાના કલેકટરો ને સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવી છે.

વધુમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર.આર.રાવલે સમગ્ર સપ્તાહ દરમ્યાન સ્વચ્છતા ત્યાં પવિત્રતાનું સૂત્ર સાચા અર્થમાં સાર્થક થાય તે માટે ગામે ગામના તીર્થસ્થળોની સઘન સફાઈ થાય અને તે સારું સમાજના તમામ વર્ગોને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here