શહેરા નગરમાં જનહિતના રક્ષક સમાન અધિકારીઓ સાથે અસભ્ય વર્તન કરનાર વેપારીને લોકઅપ ભેગા કરાતા અન્ય વેપારીઓમાં ફફડાટ…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

આજના કપરા સમયમાં માનવ સુરક્ષા કવચરૂપે એક માત્ર વિકલ્પ સોશિયલ ડિસ્ટન્સ છે

અસભ્ય વર્તન કરનાર વેપારીને ૨૫૦૦ રૂપિયા દંડ ફટકારવા સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી

આજે સમગ્ર વિશ્વ સહીત ભારત પણ કોરોનાના પ્રકોપથી પીડાઈ રહ્યું છે, દુનિયાનો દરેક માનવી વાયુવેગે વધી રહેલા કોરોનાના કહેરથી ભયભીત જોવા મળી રહ્યો છે. આવા કપરા સમયમાં સાવચેતી રાખવી એ દરેક માનવીની નૈતિક ફરજ છે જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે સમગ્ર દેશમાં લોકડાઉનને ત્રીજા ચરણનું સવરૂપ આપી દીધું હતું અને હાલ એના પણ અંતિમ દિવસો ચાલી રહ્યા છે. આવનાર સમયમાં લોકડાઉનનું સમયકાળ વધારવું કે પછી અમુક શરતોને આધીન આત્મનિર્ભરતા મુજબ લોકડાઉનમાં છૂટછાટ આપવી એ સરકાર દ્વારા હાલ વિચારાધીન પ્રશ્ન છે…!! પરંતુ એક વાત નો નક્કી જ છે કે આજના સમયમાં માનવ સુરક્ષા કવચરૂપે એક માત્ર વિકલ્પ સોશિયલ ડિસ્ટન્સ છે. એના વગર માનવભક્ષી એવા કોરોનાના સંક્રમણને રોકવું મુશ્કેલ જ નહિ નામુમકીન છે. તેમછતાં આજે અમુક માનવ જીવનના દુશ્મન બની ગયા હોય એવા નાસમજ લોકો સોશિયલ ડિસ્ટન્સની પરિભાષા સમજવા રાજી નથી. પોતાની સુક્ષ્મ લાલચોને પ્રાધાન્ય આપી માનવ જીવનને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. અને એવા લોકોને જયારે કોઈ કોરોના વોરિયર્સ એવા સરકારી અમલદારો સમજાવવાનો પ્રયાસ કરે છે તો તેઓ વળતા જવાબે અસભ્ય વર્તન કરતા હોય છે, આવો જ એક બનાવ શહેરા નગરમાં બનતા સમગ્ર સભ્ય સમાજમાં ફિટકારની લાગણી પ્રસરાઈ હતી.

અમારા પ્રતિનિધિ થકી મળતી માહિતી મુજબ હાલ શહેરા નગરમા કોરોનો એક પણ પોઝિટીવ કેસ નોંધાયો નથી. જેને ધ્યાનમાં લઇ જવાબદાર તંત્ર તકેદારીના ભાગરૂપે દરેક કાર્યમાં ગંભીરતા દાખવી રહ્યું છે,જ્યારે નગર વિસ્તારમા આવેલ બજારમાં કરિયાણા સહિત આવશ્યક ચીજવસ્તુઓનુ વેચાણ કરતાં દુકાનદારો દ્વારા નિયમોનું પાલન જે રીતે કરવું જોઈએ એ રીતે થતું ન હોવાથી નગરપાલિકાના ચીફ ઓફિસર અર્જુનસિંહ પટેલની આગેવાની હેઠળ એન્જિનિયર જીગ્નેશ શાહ અને તેમની ટીમ સાથે બજારમાં નીકળ્યા હતા. સિંધી ચોકડી હાઇવે માર્ગના અડીને આવેલ શીતલ દાસ કેવલરામ કરિયાણાની દુકાને નિયમોનું પાલન ના થતું હોવાને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવતા દુકાનદાર ગુસ્સે થઈ ગયો હતો અને અસભ્ય વર્તન કરતા આજુબાજુમાંથી પસાર થતા લોકો એકત્રિત થઈ ગયા હતા. નગર પાલિકા દ્વારા ૨૫૦૦ રૂપિયા દંડ ફટકારવા સાથે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. પોલીસે ચીફ ઓફિસરની ફરિયાદના આધારે ખુશ લાણી શીતલ દાસ કેવલ રામ, કિસન કેશવરામ, જયેશ ખુશ લાણી ની અટકાયત કરીને જેલના સળિયા ગણતા કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે ગોધરા અને લુણાવાડા થી અમુક દુકાનદારો દુકાન ને મંજૂરી ન હોવા છતાં ધંધા રોજગાર કરવા માટે વહેલી સવારથી આવી જતા હોય છે. ત્યારે જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરીને આવા લોકોને રોકવામાં આવે તે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here