રાજ્ય સરકારની “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનુ સરનામું” યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સમિતિઓનું કરાયેલું ગઠન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લા કક્ષાએ નિવાસી અધિક કલેકટર અને તાલુકા કક્ષાએ મામલતદાર રહેશે સમિતિના અધ્યક્ષ

યોજનાના અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા નોડલ અધિકારી તરીકે નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કરાયેલી નિમણૂંક

રાજ્ય સરકાર દ્વારા કૌટુંબિક સંઘર્ષોના નિવારણ માટે “ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું” ની યોજના અમલમાં મુકાઇ છે. આ યોજનામાં સામાજિક, ધાર્મિક અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની દરમિયાનગીરીથી કૌટુંબિક સંઘર્ષો/વિવાદોને કોર્ટની બહાર સરળતાથી નિરાકરણનો શુભ આશય રહેલો છે. જે અંતર્ગત જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિની રચના રાજ્ય કક્ષાની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી છે. સમિતિમાં અધ્યક્ષ સહિત કુલ-૭ (સાત) સભ્યોનો સમાવેશ કરાયો છે. જ્યારે આ યોજનાના અમલીકરણ અને દેખરેખ માટે જિલ્લા નોડલ અધિકારી તરીકે નર્મદા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની નિમણૂંક કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા સમિતિના નક્કી થયેલ બંધારણમાં જિલ્લા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેકટર તેમજ તાલુકા કક્ષાની સમિતિમાં મામલતદાર અધ્યક્ષસ્થાને રહેશે. આ સમિતિના સભ્યોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો અને અધિવકતા (અગ્રણી) ઓનો સમાવેશ કરાયો છે.
“ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું” યોજનાનો રાજ્ય સરકાર નો અભિગમ જળવાય તે હેતુથી સમિતિનું ગઠન, તેની કામગીરી અને સત્તા નક્કી કરાઇ છે. સમિતિ સમક્ષ આવતા કૌટુંબિક વિવાદોના કેસમાં પક્ષકારોને સ્થાનિક કક્ષાએ સમજાવટથી વિવાદોનો વધુમાં વધુ નિકાલ થાય તે મુજબની કામગીરી કરવામાં આવશે. સાથોસાથ પક્ષકારોની પારિવારીક અને વ્યક્તિગત પ્રતિષ્ઠા તેમજ માન મર્યાદા જળવાઇ રહે તે મુજબની કામગીરી સમિતિ દ્વારા કરવામાં આવશે. આ યોજના અંતર્ગત પારિવારીક સંબંધો સુદ્રઢ બને અને કૌટુંબિક વિવાદોનું નિરાકરણ આવે તે હેતુ પક્ષકારો સાથે યોગ્ય કાઉન્સલીંગ કરીને કેસોનો નિકાલ કરવાનો શુભ આશય રહેલો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here