રાજપીપલામાં સરદાર ટાઉન હોલ ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર અને તાલીમની કચેરી દ્વારા ”સુશાસન સપ્તાહની” ઉજવણીનો જિલ્લાકક્ષાનો યોજાયેલો કાર્યક્રમ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજ્ય સરકાર ના મંત્રી ઓ પૂર્ણેશભાઇ મોદી, નરેશભાઇ પટેલ સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લાના કુલ-૧૮ લાભાર્થીઓને પ્રતિકરૂપે રોજગાર નિમણૂંકપત્રો, એપ્રેન્ટિસશિપ
કરારપત્રો અને ઇ-શ્રમ કાર્ડ એનાયત

દેશના યુવાનોમાં ટેલેન્ટ અને હુન્નર હશે તો કોઈપણ ક્ષેત્રમાં ઝડપથી વિકાસ સાધીને આત્મનિર્ભર બની શકશે : માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી

ગુજરાતમાં  દેશ અને વિદેશના મુડી રોકાણકારો પોતાના ઉદ્યોગો સ્થાપી રહ્યા છે ત્યારે આવનાર સમયમાં પણ પ્રગતિશીલ ગુજરાત મુડી રોકાણમાં દેશનું કેન્દ્ર સ્થાન બનવા જઇ રહ્યું છે : મંત્રી નરેશભાઇ પટેલ

રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે હાથ ધરાયેલ રાજ્યવ્યાપી “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજે છઠ્ઠા દિવસે માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન,પ્રવાસન અને યાત્રાધામ વિભાગ અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગના મંત્રી નરેશભાઇ પટેલ, ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, ધારીખેડા સુગર ડેરી અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ હરેશભાઇ વસાવા, જિલ્લા કલેકટર ડી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, પ્રાયોજના વહીવટદાર બી.કે. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી એન, યુ. પઠાણ, આઈ. ટી. આઇના આચાર્ય વી. ડી. પટેલ સહિત પદાધિકારીઓ- અધિકારીઓ, લાભાર્થીઓની ઉપસ્થિતિમાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે “સુશાસન સપ્તાહની ઉજવણીના યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.

માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારતના સ્વતંત્રતાની ૭૫ મી વર્ષગાંઠ નિમિતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સરકારશ્રી દ્વારા “સુશાસન સપ્તાહની” ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશ ૧૯૪૭ માં આઝાદ બન્યો પરંતુ સાચા અર્થમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં લોકોને ખરા અર્થમાં સુશાસનની પ્રતિતી થઇ રહી છે. સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી ગરીબ, શોષિત, પીડીત અને જરૂરિયાતમંદ લોકોને આવાસ પુરા પાડીને પાતાના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું હોવાની અનુભુતિ થઇ રહી હોવાનું જણાવ્યું હતું. નલ સે જળ યોજના દ્વારા અંતરિયાળ અને છેવાડાના વિસ્તારો સુધી પીવાનું પાણી પુરૂ પાડવા ઉપરાંત શિક્ષણ, આરોગ્ય સહિત અનેકવિધ ક્ષેત્રોમાં વિકાસ સાધ્યો છે. સરકાર દ્વારા રાજ્યમાં ઉંમરગામથી લઇને અંબાજી સુધીના પટ્ટામાં વિકાસ સાધીને પ્રમાણિકતા, પારદર્શિકતા, સંવેદનશીલતાની પ્રતિતી કરાવી હોવાનું જણાવ્યું હતું. અંતરિયાળ અને છેવાડના લોકો પણ તાલુકા-જિલ્લામથકો સુધી ઝડપથી પહોંચી શકે તે માટે માતબર રકમ ફાળવીને નવા રસ્તાઓ, પુલોનું નિમાર્ણ કરાશે તેમ જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કેવડીયા ખાતે સ્ટેચ્યું ઓફ યુનિટીનું નિર્માણ કરીને સ્થાનિક લોકોને આત્મનિર્ભર બનાવવાની સાથે આવનારા સમયમાં દેશ-વિદેશના હજારો લોકો હિન્દુસ્તાનની ભૂમિમાં આવશે અને સ્થાનિક લોકોને વધુ રોજગારી પ્રાપ્ત થશે. આજના યુવાન એ આવતી કાલનું ભવિષ્ય છે. ત્યારે ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યના લોકોએ પણ વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરીને અન્ય દેશોમાં વિકાસ સાધ્યો હોવાનું જણાવ્યું હતું. ઓનલાઇન સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાજનોને ઘર આંગણે જ સરળતાથી અને ઝડપી ન્યાય મળી રહેવાની સાથે મનરેગા, મુદ્રા લોન, વાઇબ્રન્ટ સમિટ થકી હજારો લોકોને રોજગાર મળી છે ત્યારે દેશના યુવાનોમાં ટેલેન્ટ અને હુન્નર હશે તો કોઈપણ ક્ષેત્રમાં ઝડપથી વિકાસ સાધીને આત્મનિર્ભર બની શકશે તેમ પૂર્ણેશ મોદીએ ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર ના મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી એ અનેકવિધ જનહિતલક્ષી નિર્ણયો લઇને ક્રાંતિકારી પગલાં લીધા છે. ગુજરાતમાં દેશ અને વિદેશના મુડી રોકાણકારો પોતાના ઉદ્યોગો સ્થાપી રહ્યા છે, ત્યારે આવનાર સમયમાં પણ પ્રગતિશીલ ગુજરાત મુડી રોકાણમાં દેશનું કેન્દ્ર સ્થાન બનવા જઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું. સતત બદલાતી જતી ટેકનોલોજીને અનુરૂપ નવા પરિવર્તનો લાવવાની સાથે ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારે કૌશલ્ય ક્ષેત્રે ગુણવત્તાયુક્ત તાલીમને વધુ ને વધુ વેગવંતી બનાવવાનો નિર્ધાર કર્યો છે.

વધુમાં નરેશ પટેલે ઉમેર્યું હતું કે, આજનો યુગ એ સ્પર્ધાત્મકનો યુગ છે. તેમાં ટકી રહેવા માટે દરેક યુવાનોએ જે નીત-નવાં પરિવર્તનો આવી રહ્યાં છે. તેના વિશે સતત માહિતી મેળવતા રહેવાની શીખ આપી હતી. પ્રધાનમંત્રી એ રાજ્ય અને દેશ આત્મનિર્ભર બને તે દિશાના પ્રયાસો હાથ ધર્યા છે, ત્યારે આપણે સહુએ કોઇપણ કામમાં નાનમ ન અનુભવીને તેને જીવનનું લક્ષ બનાવવાની હિમાયત કરી હતી. યુવાનોમાં કૌશલ્યવાન બહાર આવે તેમજ યુવાનોને રોજગારીના અવસર તેમના જ ક્ષેત્રમાં ઉપલબ્ધ બને તે માટે દરેક જિલ્લા મથકોએ આઇ.ટી.આઇ ની સ્થાપના કરવાની સાથે કોરોના માહામારીના સમયમાં પણ સરકારે અનેકવિધ પગલાં ભરીને લોકોને મદદ કરી હોવાનું જણાવ્યું હતું.

સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેયીજીના સુશાસનના સિધ્ધાંતોને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી આગળ ધપાવી રહ્યા છે. જેના મીઠા ફળો આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યા હોવાથી સુશાસનની લાગણી અનુભવી રહ્યાં છે. શાળા પ્રવેત્સવ, કન્યા કેળવણીની સાથે આઈ. ટી. આઈ જેવી સંસ્થાઓ ઉભી કરીને યુવાનોને રોજગારી પુરી પાડીને આત્મનિર્ભરતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે ત્યારે વનબંધુ યોજના, પ્રધાનમંત્રી સન્માન નિધિ જેવી વિવિધ યોજનાઓ જરીયાતમંદો લોકો માટે આશિર્વાદ રૂપ બની હોવાથી આદિવાસી સમાજની કાયાપલટ થઇ હોવાનું જણાવ્યું હતું.

માર્ગ મકાન મંત્રી પૂર્ણેશભાઇ મોદી, મંત્રી નરેશભાઇ પટેલ, સંસદસભ્ય મનસુખભાઇ વસાવા સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા પ્રતિકરૂપે રોજગાર નિમણૂંકપત્રો ૫, એપ્રેન્ટિસશિપ કરારપત્રો ૫, ઇ-શ્રમ કાર્ડ-૫ ની સાથોસાથ નોંધારાના આધાર પ્રોજેક્ટ હેઠળ ૩ લાભાર્થીઓને ઇ-શ્રમ કાર્ડ સહિત કુલ-૧૮ જેટલા લાભાર્થીઓને રોજગાર નિમણૂંકપત્રો, એપ્રેન્ટિસશિપ કરારપત્રો અને ઇ-શ્રમ કાર્ડ એનાયત કરાયાં હતાં.

આ પ્રસંગે સુશાસન ઉજવણીના રાજ્યકક્ષાના યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સહુ કોઇએ નિહાળ્યું હતું. આ પ્રસંગે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટને લગતી ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતુ પ્રારંભમાં શ્રમ આયુક્ત અધિકારી મિતેશભાઇ મેવાલિયાએ તેમના સ્વાગત પ્રવચનામાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here