મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે શહેરના નામાંકિત સર્જકો દ્વારા બાપુને પુષ્પાંજલિ અપાઈ

ગોધરા,(પંચમહાલ)
પ્રવીણ ખાંટ,ગાંધીવિચારક

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 30 જાન્યુઆરી 1948 ના રોજ હત્યા થઈ હતી. આ ગાંધી નિર્વાણ દિવસ એટલે એક મહાત્માએ આપેલ પોતાના જીવનની આહુતીનો-શહીદીનો દિવસ.આ એ ગોઝારો દિવસ હતો જે દિવસે લોકોના હ્રદયમાં વસેલા મહાત્મા ગાંધીને એક પાગલ હત્યારાની ત્રણ ગોળીઓનો ભોગ બની આ ફાની દુનિયામાંથી વિદાય લીધી હતી. આ દિવસને શહીદ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.વૈશ્વિક ચેતનાના જનક એવા બાપુનું ભારતની આઝાદીમાં ખૂબ મોટું યોગદાન છે.તેમના યોગદાન અને વિચારોથી વિશ્વ આખું પરિચિત અને પ્રભાવિત છે.

નિર્મોહી અને સાદાઈના આદર્શ એવા દેશનેતા,પ્રાત:સ્મરણીય મહાન વિભૂતિ મહાત્મા ગાંધીજીની પુણ્યતિથિએ શહેરના કવિઓ વિનુ બામણિયા (સર્જક,પરિવેશ સામયિકના સંપાદક) પ્રવીણ ખાંટ (સર્જક,’આપણે’ અને ‘સંગાથ’ સામયિકના સંપાદક) બાબુ પટેલ (બાળ સાહિત્યના જાણિતા સર્જક અને સમાજસેવક) તેમજ અન્ય કવિઓએ રાષ્ટ્રપિતા બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ આપી બે મિનિટનું મૌન પાળી ગાંધીજીના બલિદાન દિવસને યાદ કરી તેમના વિચારો અને ચેતનાને વંદન કર્યા હતા.

સત્ય અને અહિંસાના પુજારી,એક નાના જંતુની પણ હિંસા સહન ન કરી શકે તેવા શાંતિદૂતનો પ્રાણ આ દિવસે હણાયો હતો. ગાંધીજીના જીવન અને એમના રચનાત્મક કાર્યો વિશે ઘણું બધું લખાયું છે.એમના સત્ય અને અહિંસાના વિચારો આજના સાંપ્રત સમયમાં પણ એટલા જ સાર્થક જણાય છે.તેઓએ તેમના જીવનના આચાર થકી લોકશાહીના મૂલ્યો,ફરજો અને અધિકારોને સરસ રીતે સમજાવ્યા છે.ગાંધીવિચારની અસર વૈશ્વિક લેવલે દિશા આપનારી સાબિત થઈ છે.તેઓ સાચા અર્થમાં વૈશ્વિક મહાપુરૂષ હતા.

ગાંધી નિર્વાણ દિને અવિનાશ વ્યાસના શબ્દોમાં

“ઝૂકી પડ્યો ઊંચો હિમાલય,લજ્જાથી શરમાઈ ગયો,
ઘરનો દીવો કોઈ ઘરના માણસના હાથે બુઝાઈ ગયો.

ગાંધીવિચાર મૂલ્યો આજના સમયની તાતી જરૂરિયાત છે. ગાંધીજી હંમેશા સત્ય શોધક રહ્યા છે.તેઓ માત્ર કોઈ એક વ્યક્તિનો નહીં સર્વનો ઉદય ઈચ્છતા હતા.સમાનતામાં માનતા હતા.વિશ્વશાંતિનો માર્ગ ગાંધી વિચારોમાં રહેલો છે.આવનારી પેઢી ગાંધીવિચારને સમજે તે માટે ગાંધીવિચારો ઘર ઘર સુધી પહોંચે તે ખૂબ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here