ભારતીય લોક પ્રશાસન સંસ્થાન, નવી દિલ્હીના તાલીમી અધિકારીઓએ ૪૯ માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સરદાર પટેલ ની વિશ્વની અતિભવ્ય પ્રતિમાને પ્રથમ નજરે નિહાળી અભિભૂત થયા મહેમાનો

સુરતથી એકતાનગરની વિશેષ મુલાકાતે પધારેલા અધિકારીઓ સુરત મહાનગરપાલિકાના વિકાસ અને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ વિભાગોની યોજનાનો અભ્યાસ કરશે

જંગલ સફારી, આરોગ્ય વન, સરદાર સરોવર ડેમ સહિત આસપાસના પ્રકલ્પોની મુલાકાત લઈને આનંદ માણતા તાલીમી અધિકારીઓ

ભારતીય લોક પ્રશાસન સંસ્થાન, નવી દિલ્હી દ્વારા આયોજીત ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ દ્વારા ૪૯ માં એડવાન્સ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર પહોંચતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તેમનું ઉમકળાભેર સ્વાગત કરાયું હતું.

આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની મુલાકાતે પધારેલા ઉચ્ચ અધિકારીઓએ સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતુ તસ્વીરી પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી ડેમનો નજારો અને લોકમાતા નર્મદા તથા વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળાના દર્શન સાથે પ્રાકૃતિક સૌંદર્યનો હર્યા ભર્યા વનોનો નજારો મન ભરીને માણ્યો હતો.

ભારતીય લોક પ્રશાસન સંસ્થા, નવી દિલ્હીના પ્રો.ડો. અમિત સિંહે જણાવ્યું હતું કે કેન્દ્રના વિવિધ વિભાગો અને સંરક્ષણ સેવાઓના અધિકારીઓ અહીં વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલજીની પ્રતિમાના સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આવ્યા છીએ. અહીં અમને ખૂબજ ખુશી આનંદ થાય છે. પ્રથમ નજરે અમને સરદાર સાહેબની પ્રતિમાને નિહાળતા તેમની ભવ્યતા અને દિવ્યતાના દર્શન થયા છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના અનુભવ કરીએ છીએ.

વધુમાં મહેમનાઓ જંગલ સફારીની પણ મુલાકાત લીધી હતી. જંગલ સફારીની સફર માણતા કેન્દ્રીય સેવાના તાલીમી અધિકારીશ્રીઓએ વિવિધ વિભાગોની રસપૂર્વક મુલાકાત લઈને વન્યજીવોની જાળવણી, કાળજી-રખરખાવ અને ખોરાક સહિતની તમામ સુવિધાઓથી માહિતગાર થઈ ફોરેસ્ટ વિભાગની કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી. ગાઈડ તરીકે મિતેશભાઈ બારીયાએ અતિથિ વિશેષને તમામ વિભાગોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

આ વેળાએ મહેમાનોએ વ્યુ પોઇન્ટ ૧ ખાતેથી સરદાર સરોવર ડેમને નિહાળીને ગાઈડમિત્ર પાસેથી ડેમના નિર્માણ કાર્ય અને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતને આ સરદાર સરોવર ડેમથી મળતા લાભાલાભ અંગે ઝીણવટપૂર્ણ માહિતી મેળવી હતી. અને લેસર શો તેમજ નર્મદા આરતી અને રાત્રી દરમિયાન આ એકતાનગરનો રંગબેરંગી નજારો જોઈને વિભોર બન્યા હતાં.

આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રકલ્પોની મુલાકાતે પધારેલા મહેમાનોએ સરદાર સાહેબની વિશ્વની સૌથી અદભૂત અને અકલ્પનીય અતિ વિરાટ પ્રતિમાની સાનિધ્યમાં વનસ્પતિઓની ઔષધિય ઉપયોગિતાને ઉજાગર કરતા આરોગ્ય વનની પણ ખાસ મુલાકાત લઈને આરોગ્ય વનના ગુણ ઔષધિય છોડની જાત માહિતી મેળવી હતી. ડીજીટલ ઇન્ફોર્મેશન સેન્ટર, ગાર્ડન ઓફ કલર, અરોમા ગાર્ડન, ઔષધ માનવ, આલ્બા ગાર્ડન, લ્યુટીયા ગાર્ડનની પણ મુલાકાત લઇને મહેમાનો અભિભૂત થયા હતા.

સુરતથી એકતાનગરની એક દિવસીય વિશેષ મુલાકાતે પધારેલા અધિકારીઓ સુરત મહાનગરપાલિકાના વિકાસકાર્યો અને કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ વિભાગોની યોજનાનો અભ્યાસ કરીને જાત નિરીક્ષણ કરશે. ઉચ્ચ અધિકારીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને અભિપ્રાયો સરકારમાં રજૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here