બોડેલી તાલુકાના ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક મહિનાથી તબીબની કાયમી નિમણુંક ન કરાતા દર્દીઓમાં ભારે રોષ

બોડેલી, (છોટાઉદેપુર)-ચારણ એસ વી :-

બોડેલી તાલુકાના ચલામલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા એક મહિનાથી વધુ સમય વીતવા આવ્યો હોવા છતાં તબીબની કાયમી નિમણુંક ન કરાતા દર્દીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.પીએચસીમાં કરાર આધારિત તબીબોનો કરાર પૂર્ણ થતા તેઓ પરત આવતા ન હોવાથી પીએચસીનો વધારાનો ચાર્જ અન્ય પીએચસીના તબીબને સોંપતા ચાર્જવાળા તબીબ પીએચસી રામભરોસે ચલાવે છે.જેની સીધી અસર પીએચસીમાં સારવાર માટે આવતા દર્દીઓ પર પડે છે.પીએચસીમાં મુખ્ય જવાબદાર અધિકારી ન હોય તો સ્ટાફ પણ રેગ્યુલર ન આવતા આખરે સેવાનો લાભ દર્દીને મળતો નથી.હાલ ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારની બીમારીઓ ઠેર ઠેર ગામોમાં જોવા મળતી હોય છે.દર્દીઓ પીએચસી પર સારવાર માટે સમય,ભાડું ખર્ચીને આવતા હોય છે.પરંતુ પીએચસીમાં તબીબ ન હોવાથી તેઓને ના છૂટકે પ્રાઇવેટ દવાખાનાઓમાં સારવાર માટે વધુ પૈસાનો વેડફાટ કરવો પડે છે.સરકાર આરોગ્ય સેવાઓ અંગે મોટી મોટી જાહેરાતો કરે છે.પરંતુ જમીની હકીકત જોવા જઈએ તો સેવાના નામે મીંડું મળી રહ્યું છે.૨૪ કલાક ઇમર્જન્સી સેવાઓમાં તબીબ નથી આદિવાસી ગરીબ દર્દીઓ જાય તો જાય ક્યાં?હાલ ચલામલી પીએચસીમાં ઇન્ચાર્જ તબીબ માત્ર બે જ દિવસ આવી ઓપીડી ચલાવે છે.જિલ્લામાં સૌથી વધુ ડિલિવરીના કેસો પણ ચલામલી પીએચસીમાં નોંધાયા છે.ઇમર્જન્સી સેવામાં મુખ્ય તબીબ જ હાજર ન હોય તો દર્દીઓ અડધી રાત્રે કોના ભરોસે?જેવા વેધક સવાલો ગ્રામજનો ઉઠાવી રહ્યા છે.ચલામલીના યુવા આગેવાન અને એટીવીટી સભ્ય પરિમલ પટેલે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન પ્રકાશસિંહ વાસદિયાને પીએચસીમાં તબીબની જગ્યા વહેલીતકે ભરવા માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here