બોડેલીના કુંદનપુરનું સિંચાઈ તળાવ ૫૫.૪૦ ટકા પાણીથી ભરાયું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લાનું સૌથી મોટા સિંચાઈ તળાવ કુંદનપુરમાં આ વર્ષે વરસાદના પાણીથી ૫૫.૪૦ ટકા જ ભરાયું છે.જેને લઈને ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.ગત વર્ષે વરસેલા ભારે વરસાદના કારણે કુંદનપુર સિંચાઈ તળાવની એક તરફની પાળ માં ગાબડું પડ્યું હતું.જે ગાબડાનું સિંચાઈ વિભાગ તરફથી સમારકામ કરવામાં આવ્યું હતું.આ વર્ષે તળાવમાં વધુ પાણીનો સંગ્રહ કરવો હિતાવહ નથી તેમ પણ અહીંના સ્થાનિક ખેડૂતો,રહીશો માની રહ્યા છે.પરંતુ કુંદનપુર,ફેરકુવા,મણિનગર સહિતના ગામોમાં પશુધનની સંખ્યા પણ વધુ હોવાથી ઉનાળાની શરૂઆતથી જ આ ગામોમાં કુંદનપુર સિંચાઈ તળાવમાં પાણી સુકાતા બૂમો ઉભી થાય છે.જેને ધ્યાને લઈને ખેડૂતો,પશુપાલકો અને રહીશોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે.આ ગામોના પ્રજાજનોની માંગ છે કે ઉનાળાના ત્રણ થી ચાર મહિના માટે કુંદનપુર સિંચાઈ તળાવમાં ૩ કિલોમીટરના અંતરે આવેલ નર્મદા મુખ્ય કેનાલમાં મશીનથી લિફ્ટિંગ મારફતે તળાવમાં પાણી ભરી આપવામાં આવે તો ઉનાળામાં આ ગામોમાં પાણીની સમસ્યામાંથી કાયમી ઉકેલ મળે તેમ છે.તેવું આ ગામોના ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે.હાલ તો કુંદનપુર સિંચાઈ તળાવમાં પાણીની આવક ૫૫.૪૦ ટકા થવા પામી છે.જેનાથી આવનારા દિવસોમાં જો વરસાદ નહિ વરસે તો સિંચાઈ તળાવ આધારિત ખેતીમાં પિયતની ખેડૂતોને મુશ્કેલી ઉભી થાય તેવા એંધાણ સર્જાશે તેવું ખેડૂતોને લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here