નર્મદા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિઓની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

કાયદો વ્યવસ્થા, રોડ સેફ્ટી, ચાઈલ્ડ લેબર, સંકલન પ્રશ્નો અંગે જરૂરી ચર્ચા કરી પ્રશ્નોના ઝડપી નિકાલ અંગે કલેક્ટર દ્વારા અપાયેલી સૂચના

અશાંતધારા,, હથિયાર પરવાના સહિત જમીન નાં કેસો નું પરામર્શ બેઠકમાં કરાયુ

નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા પોલીસવડા, પ્રાયોજના વહીવટદાર અને સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારીઓએ બેઠકમાં ઉપસ્થિત રહીને પ્રશ્નોના કાયમી નિકાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જિલ્લા સંકલનની પ્રારંભ બેઠકમાં ભાગ ૧-૨ માં અધિકારી/કર્મચારીઓને લગતા પ્રશ્નો તેમજ એકબીજા વિભાગોને સંકલનમાં રહીને જોઈન્ટ વિઝીટ કરીને લોકોને પડતી હાલાકી અંગેના પ્રશ્નો દૂર કરવા જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી હતી. અને લોકો દ્વારા તથા જનપ્રતિનિધિઓના લેખિતમાં આવતા પ્રશ્નોનું ઝડપી અને ત્વરિત નિરાકરણ કરવા જણાવવામાં આવ્યું હતું. અને નિકાલ કરાયેલી કામગીરીની જાણ કરવા પણ વિભાગોને સૂચના આપવામાં આવી હતી.

બીજી બેઠકમાં કાયદો અને વ્યવસ્થા અંગે જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અશાંતધારામાં રજૂ કરાયેલી અરજીનો નિકાલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમની રજૂઆત અંગેનો પ્રશ્ન, તડીપાર, હથિયાર પરવાના, જમીન અંગેના પ્રશ્નો, તપાસણી નોંધણી જેવા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાયબ પોલીસ અધિક્ષક અને પ્રાંત-મામલતદાર કક્ષાએ કરેલી કામગીરી અને બાકી રહેલા પ્રશ્નોનું મોનિટરિંગ કરી ઝડપી નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવી હતી. ત્રીજી બેઠકમાં જિલ્લામાં ચાઈલ્ડ લેબર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને ફિલ્ડ વિઝીટ કરીને આ બાબત ધ્યાને આવે તો કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

નર્મદા જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી અંગેની બેઠકમાં આર.ટી.ઓ. વિભાગ દ્વારા એજન્ડા પ્રમાણે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં માર્ગો પરના બ્લેક સ્પોટ દૂર કરવા તેમજ રોડ પર સાઈન બોર્ડ, વૃક્ષ ટ્રીમિંગ, પ્લાન્ટેશન, દ્વિચક્રી વાહનો પર હેલમેટ ચકાસણી, વાહન ચાલકના ડ્રાઇવિંગ લાઇસન્સની ચકાસણી તથા નેશનલ હાઈવે પર જ્યાં અકસ્માત ઝોન જણાય ત્યાં જોઈન્ટ વિઝીટ કરીને લોકોની સલામતી અને સુરક્ષા અંગેના પગલાં ભરવા સુચના આપવામાં આવી હતી. અને સ્કૂલવાન તથા કેટલાક યુવાનો રોડ પર સ્પીડમાં બાઈક હંકારે છે, તેનાથી અકસ્માત થવાની સંભાવના હોય તેમને રોડ સેફ્ટી અંગેની સમજ અને દંડ અને લાયસન્સ રદ અંગેની કાયદાકીય કાર્યવાહી અંગે જાગૃતતા લાવવા પર ભાર મુકાયો હતો.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, નાયબ કલેક્ટર સુશ્રી પ્રતિભા દહિયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા સહિત સંબંધિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here