પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોરા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

મોરવા(હ) (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લાના કુલ ૫૮૨ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયની ચૂકવણી કરાઈ,૧૫૧ કામોનું ખાતમુહૂર્ત અને ૭૨ કામોનું લોકાર્પણ કરાયું

આદિવાસી સમાજની ધરોહર અને શૌર્ય ગાથાઓ વિશે આવનાર પેઢી માહિતી અને પ્રેરણા મેળવી શકે તેના અનુસંધાને આગામી સમયમાં જાંબુઘોડા ખાતે આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે.-જિલ્લા પંચાયતના પ્રમુખ

વિશ્વભરના દેશોમાં ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળનિવાસી સમુદાયોનો આર્થિક,સામાજિક,સાંસ્કૃતિક, શૈક્ષણિક,આરોગ્ય,કાયદાકીય, રાજકીય રીતે ઉત્કર્ષ થાય, તેઓ અન્ય હરોળમાં આવે તેમજ બિન આદિવાસી સમુદાય પણ તેમને હક આપવા માટે સહભાગીદાર બને તે હેતુથી આજરોજ પંચમહાલ જિલ્લામાં જિલ્લાકક્ષાની ઉજવણી આદિજાતિ વિસ્તાર મોરવા હડફના મોરા એ.પી.એમ.સી.ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને અને મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર સહિત જિલ્લા વહિવટી તંત્રની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી.
આ તકે મહાનુભાવો દ્વારા બિરસા મુંડા અને ગોવિંદ ગુરુને યાદ કરીને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી,દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.પ્રાયોજના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલ દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું.
કાર્યક્રમના અધ્યક્ષ અને જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકી દ્વારા પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે,ગુજરાતના ૧૫ ટકા વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓએ પરંપરાગત રૂઢિઓ અને સંસ્કૃતિને જાળવી રાખીને ભગીરથ કામ કર્યું છે.આજે સરકારશ્રીની વિવિધ યોજનાઓ દ્વારા આદિવાસી સમાજમાં શિક્ષણની સાથે પ્રગતિનો પંથ સાકાર થયો છે.આ સાથે તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે,પીઠોરા અને વારલી સહિત આદિવાસી સમાજની ધરોહર અને શૌર્ય ગાથાઓ વિશે આવનાર પેઢી માહિતી અને પ્રેરણા મેળવી શકે તેના અનુસંધાને આગામી સમયમાં જાંબુઘોડા ખાતે આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવશે.
આ તકે મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારે આદિવાસી સભ્યતા અને સંસ્કૃતિને યાદ કરતા
કહ્યું કે,આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.આઝાદીની ચળવળ દરમિયાન હજારો આદિવાસી વીરોએ પોતાની આહુતિ આપી છે તેને ઉજાગર કરીને તેમને માન સન્માન આપવાનું કામ સરકારે કર્યું છે.વન બંધુ કલ્યાણ યોજના, એકલવ્ય મોડેલ સ્કૂલ જેવી યોજનાઓ સહિત આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થયો છે.આ તકે તેમણે પંચમહાલ જિલ્લાના આદિવાસી નાયક સંત જોરીયા પરમેશ્વર અને રૂપસિંહ નાયકને યાદ કર્યા હતા.આજે આ આદિવાસી નાયકોના નામ પરથી જાંબુઘોડા તાલુકામાં શાળાઓ શરૂ કરાઈ છે. આ પ્રસંગે તમામ લોકોએ મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિશિષ્ઠ સિદ્ધિ ધરાવતા વિદ્યાર્થીઓ,રમતવીરો,કલાકારો તથા ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર લોકોને સન્માનપત્ર, ટ્રોફી અને સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું.મહાનુભાવોના હસ્તે ૫૮૨ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. જેમાં વનઅધિકાર અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત કુલ ૩૮ લાભાર્થીઓને અધિકારપત્રો,વેલાવાળા મંડપ સહાય યોજનાના કુલ ૨૩૮, સંકલિત ડેરી વિકાસ યોજનાના કુલ ૮૧, મકાન સહાય યોજનાના કુલ ૧૦૫, કુંવરબાઇ મામેરા સહાય યોજનાના કુલ ૪૫ તથા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી દ્વારા કુલ ૧૮ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન તથા અન્ય ૧ લાભાર્થીને વિનોવીંગ ફેન, ૧ AGR-3, નાયબ પશુપાલન નિયામક તરફથી કૃત્રિમ બીજદાનથી જન્મેલ વાછરડી સહાયના કુલ ૭ લાભાર્થીઓ અને જીટીડીસી નિગમ દ્વારા તબેલા સહાય અંતર્ગત ૧ લાભાર્થી,પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૬ લાભાર્થી,મિશન મંગલમ હેઠળ ૪ લાભાર્થીઓને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.જીલ્લાના કુલ ૧૬,૩૪૧ આદિજાતિ વિદ્યાર્થીઓને ઇ-પેમેન્ટ દ્વારા ખાતામાં રૂ.૨૭૭.૬૯ લાખની પ્રિ-મેટ્રિક શિષ્યવૃતિ તથા ગણવેશ સહાય વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી હતી.આદિવાસી બાંધવોને વિકાસની અગ્ર હરોળ અંતર્ગત જિલ્લામાં રૂ.૨૧૦ લાખના કુલ ૧૫૧ કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂ. ૧૬૪.૯૦ લાખના કુલ ૭૨ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મારી માટી,મારો દેશ કાર્યક્રમ અન્વયે સૌકોઈએ હાથમાં માટી લઈને પંચ પ્રણની પ્રતિજ્ઞા લીધી હતી.
આજના આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,પ્રાયોજના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી ડી.આર.પટેલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.ટી.મકવાણા,પ્રાંત અધિકારીશ્રી,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, ધવલભાઈ દેસાઈ,જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યશ્રીઓ,વિવિધ હોદ્દેદારો,આગેવાનો, એ.પી.એમ.સી ચેરમેનશ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here