નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ખૂંટાઆંબા ગામે ‘વન સેતુ ચેતના યાત્રા’ નું આગમન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

વન વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી બાંધવો અને વન કર્મીઓ વચ્ચે નવી ચેતના જાગૃત થાય અને સેતુ બંધાય તેવો આ યાત્રાનો હેતુ – રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઇ પટેલ

યાત્રાના સ્વાગત પ્રસંગે આદિવાસી ઢોલ નગારાના તાલે મહાનુભાવો પરંપરાગત સ્વાગત કરાયું

ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રાનો નવસારી જિલ્લામાં ઉનાઈથી ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શુભારંભ થયો હતો. આ યાત્રા બીજા દિવસે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં ખૂંટાઆંબા ગામે પહોંચતા જિલ્લાના અગ્રણીઓ, જન પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર સહિત ગ્રામજનો દ્વારા રથ અને પધારેલા મહાનુભાવોનું પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું.

આ પ્રસંગે વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ વિભાગના રાજય મંત્રી મુકેશભાઇ પટેલ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, ૧૪૮-નાંદોદ મતવિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, નાયબ વન સંરક્ષક નિરજકુમાર અને મિતેશભાઇ પટેલ, નાંદોદના પ્રાંત અધિકારી કેતુલ ઈટાલિયા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખૂંટાઆંબા ગામે ‘વન સેતુ ચેતના યાત્રા’નો જિલ્લામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે મંત્ત્રી મુકેશભાઇ પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે, આ વન સેતુ ચેતના યાત્રાનો ઉદ્દેશ્ય દરેક લોકોને વન સાથે જોડવાનો છે. વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સને ૨૦૨૩-૨૪ ના વર્ષમાં રૂ.૪૭,૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. આદિમજુથના લોકોને પીએમ જનમન યોજના થકી વંચિત પરિવારોને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને જિલ્લા વહીવટી તંત્રની આગેવાની હેઠળ કરવામાં આવ્યું છે. આદિવાસી પ્રજા દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોચાડવા વેચાણ માટેની સુદ્રઢ વ્યવસ્થાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે એમ તેમણે ઉમેયું હતું.

સ્વચ્છતાના આગ્રહી વડાપ્રધાન દ્વારા ગત ૧૪થી આગામી ૨૨મી જાન્યુઆરી સુધી તમામ તિર્થ સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશરૂપે ઉપાડી છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ સૌ કોઇને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવા મંત્રીએ અપીલ કરી હતી. અને જણાવ્યુ હતું કે, શ્રી રામ ભગવાન સાથે આપણા સૌની આસ્થા જોડાયેલી છે. ૫૦૦ વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોઇ આગામી ૨૨મીએ રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં દિવાળી જેવા મહોત્સવની ઉજવણી કરવાની છે, એમ ઉપસ્થિત સૌને તેમણે અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રશ્મિતાબેન વસાવા, નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વનિતાબેન વસાવા, અગ્રણી અનિરુદ્ધસિંહ ગોહિલ, હરેશભાઈ વસાવા, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ અને ગામના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લા વન વિભાગે આ કાર્યક્રમને સુપેરે પાર પાડવા ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here