કાલોલ નગરમાં નગરના રાજા એવા વિનાયક ગૃપના ગણેશજીનું ભવ્ય શોભાયાત્રા સાથે શાહી આગમન…

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

૩૧ ઓગસ્ટને બુધવારે ગણેશ ચતુર્થીથી ગણેશોત્સવનો આરંભ થનાર હોય તેની પૂર્વ તૈયારીઓ ભાગરૂપે કાલોલ શહેર અને તાલુકાના ગામેગામમાં ગણેશોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, જે મધ્યે કાલોલ નગરમાં પાછલા ઘણા વર્ષોથી નગરના રાજા મનાતા વિનાયક ગૃપના ગણેશજીની મૂર્તિનું રવિવારે સાંજે પધરામણી કરવામાં આવી હતી. જેથી નગરમાં પધરામણી કરતા ગણેશજીના ભવ્ય સ્વાગત માટે વિનાયક ગૃપ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરીને વધામણી કરવામાં આવી હતી. આ શોભાયાત્રામાં નગરના વિવિધ ગણેશ મંડળોએ પણ જોડાઈને ભવ્ય શોભાયાત્રાના લાઈટ ડેકોરેશન અને ડીજેના તાલ સાથે કાલોલ બજારના મુખ્ય માર્ગો પર શાહી આગમન કરીને પોતાના પંડાલ સુધી પહોંચાડયા હતા. જોકે નગરના મોભી જેવા મંગલમૂર્તિના મંગલમય આગમન ટાણે આખું શહેર તથા આજુબાજુના ગામના યુવાનોએ ભવ્ય હર્ષોલ્લાસ અને નાચગાન સાથે વધાવતા આખી શોભાયાત્રાએ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને પાલિકા ભવનના ચોક ખાતે ભવ્ય નાચગાન સાથે અબીલ ગુલાલ અને ફૂલ પાંદડીઓની છોડો ઉછાળીને ભવ્ય ગણેશોત્સવનો આગાજ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here