જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પોલિયો સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ)
ઈશ્હાક રાંટા

જિલ્લાનું એક પણ બાળક પોલિયો રસીકરણથી વંચિત ન રહી જાય તે દિશામાં તૈયારીઓની સમીક્ષા કરી

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે પોલિયો સ્ટિયરિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 17મી જાન્યુઆરીથી પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત થઈ રહી હતી, જે કોવિડ-19 વેક્સિનેશનની શરૂઆત થવાના કારણે થોડા સમય માટે મુલતવી રાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ પોલિયો રસીકરણ અભિયાનની નવી તારીખો જાહેર થાય તે પહેલા પૂર્વ આયોજનની તૈયારીઓ વધુ સઘનપણે કરવાની દિશામાં માર્ગદર્શન આપ્યું હતું. તેમણે પોલિયો વેક્સિનેશન ડ્રાઈવ પૂર્વે કરવાના હાઉસ-ટુ-હાઉસ સર્વે અને વેક્સિનેશન બૂથ પર કર્મચારીઓને વ્યવસ્થા સહિતની સૂક્ષ્મ વિગતો મેળવી તૈયારીઓની સમીક્ષા કરી હતી. ઈંટોના ભઠ્ઠા જેવા સ્થળો કે જ્યાં બાળક વેક્સિનેશનથી છૂટી જાય તેવી શક્યતા વધુ હોય તેવા હાઈરિસ્ક એરિયામાં સર્વેલન્સ સઘન બનાવવા, ઘરોની એકથી વધુ વાર મુલાકાત લેવા અને જરૂર પડે કાઉન્સેલિંગ સહિતની મદદ લઈ 100 ટકા રસીકરણનું લક્ષ્ય પૂર્ણ કરવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સમગ્ર ડ્રાઈવમાં જોડાનારા કર્મચારીઓ- સુપરવાઈઝરો, કોલ્ડચેઈન પોઈન્ટ્સ, ટ્રાન્સપોર્ટેશન લોજીસ્ટીક અને ટ્રાન્સપોર્ટનું આયોજન સહિતની બાબતોની તલસ્પર્શી વિગતો મેળવી કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આયોજન કરવા સૂચના આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પોલિયો અભિયાન અંતર્ગત જિલ્લાના 25 હજારથી વધુ બાળકોને 1120 પરથી રસી આપવાનું સઘન આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જો કોઈ બૂથ પર 250થી વધુ બાળકો હોય તો જરૂર પડ્યે વેક્સીનેશન બૂથને સ્પ્લીટ કરી 2 મિની બૂથ તૈયાર કરવામાં આવશે. આ માટે જિલ્લામાં કુલ 2918 આરોગ્ય કાર્યકરો, 1238 આંગણવાડી વર્કર બૂથ પર હાજર રહી પોલિયોના ટીપા પીવડાવશે. સમગ્ર કામગીરીના સુપરવિઝન માટે 216 સુપરવાઈઝરો નક્કી કરવામાં આવ્યા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રસીકરણની સમગ્ર પ્રક્રિયામાં બાળકને સ્પર્શ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.રાઠોડ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એસ.કે. જૈન, આરસીએચઓશ્રી પી.કે. શ્રીવાસ્તવ સહિતના આરોગ્યના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here