ગોધરા નજીકના ગામમાં પોતાના નવજાત શિશુથી દૂર કરી ઘરેથી કાઢી મુકાયેલ મહિલાને તેનું સ્થાન પાછુ અપાવતી ૧૮૧ અભયમ

ગોધરા(પંચમહાલ)

જિલ્લામાં ૧૮૧ અભયમ હેલ્પલાઈને પતિ અને સાસરીયા દ્વારા ઘરેથી કાઢી મૂકાયેલ મહિલાને પોતાનું સ્થાન સ્વમાનભેર પાછુ અપાવ્યું હતું. ગોધરા પાસેના ગામની ૨૪ વર્ષીય પરિણીતાએ અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફરિયાદ કરી હતી કે તેનો ૧૦ દિવસનો પુત્ર તેની પાસેથી છિનવી લઈ તેને ઘર બહાર કાઢી મૂકી છે. બનાવથી દુખી થયેલી મહિલાએ પોતાનું બાળક પોતાને પાછું અપાવવા મદદ માંગી હતી. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ૨૪ વર્ષીય સરોજબેનના (નામ બદલેલ છે) લગ્ન સામાજિક રીતરિવાજ અનુસાર થયા હતા. પરંતુ તેનો પતિ વ્યસન કરી તેની મારઝૂડ કરતો હતો અને ડિલિવરીના દિવસો દરમિયાન પણ તેને હેરાન કરતો હતો. ડિલિવરી થયા બાદ ૧૦ દિવસ પછી તેને માર મારી બાળક છીનવી ઘરમાંથી કાઢી મુકતા તેણે પોતાના બાળકને અપાવવા અભયમને વિનંતી કરી હતી.

અભયમ રેસ્ક્યુ વાન સરોજબેનની સાસરીમાં પહોંચી ત્યારે તેના પતિ અને સાસુ-સસરા ભાગી ગયા હતા. જેથી અભયમ ટીમે ગામના આગેવાન અને સરપંચનો સંપર્ક કરી બનાવની જાણ કરતા વડીલો દ્વારા તેમને શોધી લાવવામાં આવ્યા હતા. જ્યાર બાદ અભયમ ટીમે બહેનના પતિને શાંતિથી સમજાવ્યા હતા કે તમારી પત્નીને ડિલિવરી થયા બાદ તેની કાળજી લેવાને બદલે મારઝૂડ કરો તે સામાજિક, નૈતિક રીતે ખોટું અને કાયદાકીય રીતે ગુનો બને છે. વળી, ૧૦ દિવસના બાળકને તેની માતાથી દૂર કરી દીધું છે તો નવજાત બાળક માતા સિવાય કેવી રીતે જીવી શકે આમ સમજાવતા તેણે પોતાની ભૂલ કબૂલી માફી માંગી હતી અને હવે પછી કોઈ દિવસ પત્નીને હેરાન નહીં કરું આમ કહી બાળક સરોજબેનને ફરી અપનાવ્યા હતા. બાળક સાથે પુનઃમિલન થતા લાગણીશીલ બનેલા સરોજબેને અભયમ ટીમનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here