છોટાઉદેપુરમાં દિવાળીના તહેવારો પુરા થતા બજારોમાં સન્નાટો… ફટાકડાના વેપારીઓને પણ રડવાનો વારો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર પંથકમાં દીપાવલી પર્વ પૂર્ણ થતાં બજારો ફરી ભારે સુમસામ જોવા મળી રહ્યા છે. ઘરાકી ન નીકળતા વેપારીઓની હાલત ભારે કફોડી બની છે.જ્યારે ફટાકડાના વેપારીઓને પણ રડવાનો વારો આવ્યો છે ચાલુ વર્ષે છોટાઉદેપુરના બજારોમાં 16 જેટલી દુકાનો લાગી હતી પરંતુ જોઈએ તેવા ફટાકડા ન વેંચતા હાલત કફોડી બની છે. એક તરફ દિવાળી સમયમાં ભારે માલ એકત્રિત કરી લીધો હોય અને તહેવારોમાં પણ ઘરાકી જોઈએ તેવી ન આવતા માલનું વેચાણ થયું નથી જેથી વેપારીઓએ રડવાનો વારો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં દિવાળીના તહેવારોમાં જીવન જરૂરિયાતની વસ્તુ તથા કપડાં, બુટચંપલ, વગેરે ખરીદવા અર્થે તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી ખરીદી કરવા અર્થે ગ્રામીણ પ્રજા આવતી હોય છે. પરંતુ નગરમાં દિવાળી સમયે પણ બજારોમાં જોઈએ તેવી રોનક જોવા મળી નહતી. અને બહારના મોટા શહેરો માથી આવતા વેપારીઓને પણ અડધા કરતા પણ ઓછો ધંધો કરીને પરત જતું રહેવું પડયું હતું. હાલમાં દીપાવલી પર્વ પૂર્ણ થતાં બજારોની પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
છોટાઉદેપુર નગર વિસ્તારમાં વેપાર કરતા વેપારીઓ જણાવી રહ્યા છેકે છેલ્લા 3 વર્ષથી બજારોમાં ભારે મંદી જોવા મળી રહી છે. બજારોમાં પહેલાના વર્ષોમાં જે ધંધો થતો હતો તે માં ભારે ઘટાડો થઇ રહ્યો છે. અને હાલના સમયમાં તો વેપાર કેમ કેમ કરવો એ પ્રશ્ન થઈ પડ્યો છે. વેપારીઓ પાસેથી લીધેલા માલ ના નાણાં કેમ કેમ ચૂકવવા એ પણ એક પ્રશ્ન છે. તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. ધંધા રોજગાર ઠંડા થઈ જતા વેપારીઓને માથે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો છે.
હાલમાં દરેક વસ્તુમાં વધતી જતી મોંઘવારી ના કારણે પ્રજા ખર્ચ કરવામાં ભારે વિચાર કરે છે. એક તરફ કોરોના સમયથી લોકડાઉન ને કારણે રોજગારીના અભાવે પ્રજાને પડેલો આર્થિક માર ની ભરપાઈ હજુ થઈ નથી. જે લોકો દેવામાં ડૂબ્યા હતા તે હજુ બહાર આવી શક્યા નથી. જ બીજી તરફ દરેક દરેક વસ્તુમાં ભાવ વધારો થતો હોય ઘર કેમ કેમ ચલાવવું એ પ્રજામાં પ્રશ્ન છે. જેના કારણે અત્યંત આવશ્યક વસ્તુ સિવાય કોઈ જાતની ખરીદી કરવાનું પ્રજા ટાળી રહી હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નગરમાં દુકાનો કરતા ફટાકડા ના વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે બે વર્ષથી ફટાકડાના ધંધામાં પણ ભારે મંદી છે. ચાલુ વર્ષે ફટાકડા ખરીદી અર્થે ઓછી સંખ્યાના ઘરાકી જોવા મળી હતી. દર વર્ષે હંગામી ધોરણે ફટકડાનો ધંધો કરતા વેપારીઓને નફાની જગ્યાએ નુકસાન વેઠવું પડ્યું હતું. નગરના બજારોમાં નિરાંતે બેઠા વેપારીઓ દેવ દિવાળી કેવી રહેશે ઘરાકી રહેશે કે નહીં તેનો વિચાર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here