ગોધરા ખાતે PM SURAJ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

વંચિત વર્ગોને ધિરાણ માટે સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી જનકલ્યાણ (PM SURAJ) વેબ પોર્ટલનું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગ

ગોધરા ખાતે વિવિધ વિભાગના સ્ટોલ થકી સ્થળ પર લાભ સહિત લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ

PM Suraj-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત ગોધરા ભામૈયા ત્રિમંદિર, હોલ ખાતે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેણુકાબેન ડાયરાના અધ્યક્ષસ્થાને તથા પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની વિશેષ ઉપસ્થિતિમાં PM SURAJ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતીમાં પી.એમ. દક્ષ યોજના, નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેમણે વંચિત વર્ગોને ધિરાણ માટે સામાજિક ઉત્થાન તથા રોજગારલક્ષી જનકલ્યાણ (PM SURAJ) વેબ પોર્ટલને પણ ખુલ્લું મૂક્યું હતું. દેશભરના ૫૦૦ જિલ્લાઓના ત્રણ લાખથી વધુ લાભાર્થીઓ કાર્યક્રમમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીશ્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

આ પ્રસંગે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે જિલ્લા વહીવટી તંત્ર તરફથી શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિ,જનજાતિ અને સફાઈ કામદારો માટે સરકારશ્રીના વિવિધ નિગમો કાર્યરત છે. આ વર્ગો માટે નિગમો થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત સફાઈ કામદાર નિગમે ૭૮ લાખ જેટલી સહાય લાભાર્થીઓને આપી છે.તેમણે કહ્યું કે, સસ્તા દરે લોન પ્રોવાઇડ કરીને આ વર્ગના ઉત્થાન અને આત્મનિર્ભર તરફ કાર્ય કરાયા છે.

જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ તરફથી ડેરી યુનિટ, ડૉ.આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના, મહિલા સમૃદ્ધિ યોજના, માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના, મહિલા અધિકારીતા યોજના, ટર્મ લોન, વ્હિકલ લોન આપવામાં આવે છે.આ સાથે ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા બેન્કેબલ યોજના,સીધું ધિરાણ સહિત તેમણે અનેક યોજનાઓ અંગે માહિતી આપી હતી.

આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખશ્રી જયેશ ચૌહાણે વિવિધ યોજનાઓના લાભ અંગે જણાવ્યું હતું તો કાર્યક્રમમાં શાળાની બાળકીઓ દ્વારા સ્વાગત અને પ્રાર્થના ગીત તથા આભારવિધિ વિકસતી જાતિના નાયબ નિયામકશ્રી એન.સી.પટેલ દ્વારા કરાઈ હતી.વિવિધ લાભાર્થીઓએ પોતાને મળેલ લાભ અંગે પ્રતિભાવ રજૂ કર્યા હતા.

કાર્યક્રમમાં આગામી લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ સ્વીપ અંતર્ગત સાઈન બોર્ડ ઉભુ કરાયું હતું. આ સાથે વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય સ્ટોલ ઉભા કરાયા હતા.જિલ્લા કલેકટરશ્રીએ તમામ સ્ટોલની મુલાકાત લઈને માહિતી મેળવી હતી સાથે લાભાર્થીઓ સાથે સંવાદ સાંધ્યો હતો.કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ,પી.પી.ઈ કીટનું વિતરણ કરાયું હતું.લોકોએ વિવિધ સ્ટોલ ખાતેથી માહિતી અને સ્થળ પર જ લાભ મેળવ્યા હતા.આ સાથે સૌ કોઈએ સ્થળ પર ઊભા થઈને અવશ્ય મતદાન અંગે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં મોરવા હડફ ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર,ગોધરા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત, સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી વિનોદ ભગોરા,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રંજન રાઠોડ,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ,શ્રી મયંકભાઇ દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ,પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here