આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આરોગ્ય રાજ્યમંત્રીસુશ્રી નિમિષાબેન સુથારનાં વરદહસ્તે મોરવા હડફ ખાતે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરાયું

મોરવા(હ),(પંચમહાલ) ઈશહાક રાંટા :-

મોરવા અને આસપાસના વિસ્તારના નાગરિકોએ ડાયાલિસીસ માટે દૂર નહીં જવુ પડે જરૂર પડ્યે 3 બેડની ક્ષમતા વધારીને 8 બેડની કરાશે, મોરા અને લુણાવાડા ખાતે પણ ડાયાલિસીસ સેન્ટરોની શરૂઆત કરાશે

દરેક આદિજાતિ-અંતરિયાળ વિસ્તારોમાં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરાશે : આરોગ્ય રાજ્યમંત્રીસુશ્રી નિમિષાબેન સુથાર

સામુહિક આરોગ્ય કેન્દ્ર, મોરવા હ઼ડફ ખાતે પીએમજેએવાય-માં કાર્ડ, મેગા હેલ્થકેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારનાં વરદ હસ્તે આજે સામુહિક આરોગ્ય કેન્દ્ર, મોરવા હડફ ખાતે ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમજેએવાય- મા કાર્ડ, મેગા હેલ્થ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ પદેથી સંબોધન કરતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી શ્રીમતી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે મોરવા હડફ ખાતે નવીન ડાયાલીસીસ સેન્ટરનું ઉદઘાટન રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં પણ શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ડાયાલિસીસ સેન્ટર શરૂ થતા મોરવા અને આજુબાજુનાં વિસ્તારના લોકોને ડાયાલિસીસ માટે હવે ગોધરા કે દૂરનાં સ્થળોએ જવાની જરૂર નહીં તેમજ ભવિષ્યમાં જરૂર પડ્યે હાલનાં ત્રણ બેડની ક્ષમતા વધારીને કુલ 8 બેડની કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. કિડની ફેલ્યોરના દર્દીએ અઠવાડિયામાં બે-ત્રણ વાર ડાયાલિસિસ કરાવવાની જરૂર પડતી હોવાથી દૂરનાં સ્થળોએ જવા માટે પડતી તકલીફને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોઈપણ વિસ્તારના દર્દીએ 25-30 કિલોમીટરથી વધુ દૂર ના જવું પડે તે રીતે ડાયાલિસીસ સેન્ટરો શરૂ કરશે. આ સેન્ટર રાજ્યનું એકસઠમું અને આદિવાસી વિસ્તારોમાં નવમું ડાયાલિસીસ સેન્ટર છે તેમ જણાવતા રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દરેક આદિવાસી વિસ્તારમાં આ પ્રકારે ડાયાલિસિસ સુવિધા ઉભી કરવામાં આવશે. મોરા સામૂહિક કેન્દ્ર અને લુણાવાડા ખાતેની નવી હોસ્પિટલમાં પણ ટૂંક સમયમાં ડાયાલિસીસ સેન્ટરની શરૂઆત કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
જિલ્લામાં 95% નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ગયો છે ત્યારે બાકી રહેલા લોકોને ઝડપથી વેક્સિનો બીજો ડોઝ લેવા તેમજ આરોગ્ય વિભાગને વેક્સિનેશનની કામગીરીમાં સહયોગ આપવા તેમણે અનુરોધ કર્યો હતો. સ્ટ્રેસભર્યા જીવનનાં કારણે હાઈ બીપી, ડાયાબિટીસ સહિતનાં લાંબા ગાળે નુકસાનકારક નીવડતા બિનચેપી રોગોનું પ્રમાણ વધ્યું છે ત્યારે નિરામય અભિયાન અંતર્ગત આવા રોગોનાં સ્ક્રીનિંગ અને સારવારનો લાભ લેવા તેમણે અપીલ કરી હતી. આ ઉપરાંત, ગરીબ-જરૂરિયાતમંદ વર્ગને 2000થી વધુ પ્રકારની 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવાની સવલત ધરાવતી પીએમજેએવાય-મા કાર્ડ યોજનાનો વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લે અને જરૂરતમંદોને લેવડાવે તેવો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુશાસન સપ્તાહ દરમિયાન કરોડો રૂપિયાના લાભ લાભાર્થીઓને પહોંચતા કરીને સરકારે સ્વ. અટલજીને સાચી શ્રધ્ધાંજલિ પાઠવી છે.
કિડની હોસ્પિટલનાં ડાયરેક્ટર ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું હતું કે આ સેન્ટર સ્ટેટ ઓફ આર્ટ ડાયાલિસીસ મશીનો ધરાવે છે. તેમણે કિડની ફેલ્યોર થવાના કારણો અને તેનાથી બચાવનાં ઉપાયો અંગે વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી તેમજ પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડે પ્રાસંગિક સંબોધન કર્યા હતા. કાર્યક્રમ અગાઉ આરોગ્ય રાજ્યમંત્રીશ્રીએ ડાયાલીસીસ સેન્ટરની મુલાકાત લઈને ડાયાલિસિસનો લાભ લઇ રહેલા દર્દીઓ સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત સીડીએચઓ ડો. મિનાક્ષીબેન ચૌહાણે તેમજ આભાર વિધી આરસીએચઓ ડો. પી.કે.શ્રીવાસ્તવે કરી હતી.
કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હેલ્થ આઇડી કાર્ડ, પીએમજેએવાય મા કાર્ડ, વ્હીલચેર, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, નિરામય હેલ્થ આઈડી કાર્ડ, તેમજ પોષણ સહાય કીટોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાલોલના ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ, જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, ઈન્ચાર્જ કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, પ્રાંત અધિકારીશ્રી જયકુમાર બારોટ, તેમજ આરોગ્ય વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here