અરવલ્લી જિલ્લામાં ભિલોડા અને મેઘરજ તાલુકામાં આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ મેળવી રહ્યા છે શિક્ષણ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આદર્શ નિવાસી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને તમામ સુવિધાઓ સાથે પ્રાથમિક કક્ષા પછીનું શિક્ષણ આગળ ધપાવવા માટે પ્રોત્સાહન પૂરું પાડવાનો ઉદ્દેશ્ય

આદિવાસી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને રહેવા જમવાની સુવિધાઓ ઉપલબ્ધ કરવી, રહેવાની અને જમવાની વ્યવસ્થા, ચાર જોડી કપડાં, રોજબરોજની સામાન્ય જરૂરિયાતો અને ઉપયોગની વસ્તુઓ વિના મૂલ્ય ઉપલબ્ધ કરવી

રાજ્યના વિવિધ 18 જીલ્લાઓમાં આવેલી આદર્શ નિવાસી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ, ભોજન અને નિવાસ માટે 75 આદર્શ શાળાઓ કાર્યરત

શિક્ષણ એ માનવ જીવન માટે મહત્વપૂર્ણ છે.શિક્ષણ થકી માનવનું સમાજીકરણ શક્ય બને છે. કોઈપણ ચારિત્ર્યવાન સમાજના ઘડતર માટે શિક્ષણ અનિવાર્ય છે, વર્તમાન સમયમાં શિક્ષણના મહત્વને સમજીને છેવાડાના લોકોના વિકાસ અને સશક્તિકરણ કરવાના હેતુથી સરકારનો ‘સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ’કાર્યરત છે. આ વિભાગ હેઠળ સમાજના આર્થિક અને સામાજિક ઉત્કર્ષ માટે અનેક યોજનાઓ અમલી છે.
જેમાં આદર્શ નિવાસી શાળાઓમાં શિક્ષણ સાથે સર્વાંગી વિકાસ કરવાના ઉદ્દેશથી સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામા આવી રહ્યું છે.

રાજ્યની આદર્શ નિવાસી શાળાઓમાં ચાલુ શૈક્ષણિક વર્ષે ધોરણ 9થી 12માં કુલ નવ હજાર 821 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. આદિજાતી વિકાસ વિભાગના આંકડાઓ મુજબ આ વર્ષે ચાર હજાર 988 કુમાર અને 4 હજાર 833 કન્યાઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 1986થી આ યોજના અમલી છે. છેલ્લા પાંચ વર્ષમાં 48 હજાર 989 વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષમાં મેઘરજ આદર્શ નિવાસી શાળામાં ધોરણ 9 માં 24 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. તેમજ ભિલોડા આદર્શ નિવાસી શાળામાં ધોરણ ૯માં 38 અને ધોરણ 11 માં 14 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ માટેના માપદંડો મુજબ વિદ્યાર્થીઓને ગુણ કક્ષાના આધારે પ્રવેશ અપાય છે. જે વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ તે ઉત્તીર્ણ થઈને 9માં ધોરણમાં પ્રવેશ મેળવતા હોય અથવા નવી એસ.એસ.સી.માં વિજ્ઞાન વિષયમાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને 11માં ધોરણમાં પ્રવેશ મેળવતા હોય તેમને ગુણવત્તાને આધારે આ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. આદર્શ નિવાસી શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ લઈને દેશ રાજ્ય અને તેમના ગામનું ગૌરવ વધારી અને સમાજના વિકાસમાં સહભાગી બને તે માટે ખાસ ઘડતર અને કૌશલ્યનો સિંચન કરવામાં આવે છે. બાળકોના ભોજન અને સ્વાસ્થ્ય સહિત અન્ય સુવિધાઓની વિશેષ દરકાર આ નિવાસી શાળામાં લેવામાં આવે છે. શાળા તેમજ હોસ્ટેલમાં તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. પોષણક્ષમ અને વિવિધ આહાર નું મેનુ નિશ્ચિત કરવા સાથે વિદ્યાર્થીઓ માટે જમવાની ખૂબ ઉત્તમ વ્યવસ્થા છે. હોસ્ટેલમાં છાત્રોની તેમની રોજિંદી જરૂરિયાતની તમામ વસ્તુઓ નિશુલ્ક આપવામાં આવે છે. તથા સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ઉપરાંત વાલીઓ વિદ્યાર્થીઓને મહિનામાં એક વાર મળીને સમય પણ વિતાવે છે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. શારીરિક શિક્ષણના વર્ગો સાથે અન્ય રમતોની તાલીમ પણ આપવામાં આવે છે.

રાજ્યના વિવિધ 18 જીલ્લાઓમાં આવેલી આદર્શ નિવાસી શાળાઓમાં વિનામૂલ્યે શિક્ષણ, ભોજન અને નિવાસ માટે 75 આદર્શ શાળાઓ કાર્યરત છે.આ વર્ષે રાજ્યના બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ તેમજ એકલવ્ય મોડેલ રેશિડેન્સિયલ શાળાઓના આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે 667 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here