પાટણ જિલ્લાના તત્કાલીન પ્રાથ. શિક્ષણાધિકારી દ્વારા આચરાયેલા બદલી કૌભાંડ ભાગ-2 બાબતે સિલસીલાબંધ વિગતો સહિત નિયામક સમક્ષ ગંભીર રજૂઆત કરાતા ખળભળાટ

સિદ્ધપુર,(પાટણ) આશિષ પાધ્યા :-

પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ આલમમાં વહીવટી કામગીરીમાં ક્યાંક ને ક્યાંક અન્યાય કરાયો હોવાની ચોંકાવનારી વિગતો ફરી સામે આવી રહી છે.પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઈ ચૌધરી વિરુદ્ધ આ અગાઉ 2 શિક્ષિકાએ ગંભીર રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.આ બદલી કૌભાંડનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં ફરી જિલ્લાના શિક્ષણ વિભાગ માં 22 શિક્ષકોનું બદલી કૌભાંડ ભાગ -2 આચરાયું હોવાની સિલસીલાબંધ વિગતો સાથેની લેખિત રજુઆત સરહદી તાલુકાના અંતરિયાળ શાળાના એક શિક્ષક દ્વારા નિયામક સમક્ષ કરવામાં આવી હોવાની હકીકતો સામે આવતા જિલ્લાના શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.અગાઉ જે લોકોને બદલીઓમાં અન્યાય સહન કરવાનો વારો આવ્યો હતો તેઓ હવે નિયામક દ્વારા ચોક્કસ ન્યાય મળશે એવી અપેક્ષા એ અન્યાય સામે અવાજ ઉઠાવવા આગળ આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
આ અગાઉ આ તત્કાલીન ડીપીઈઓ, બી.એ.ચૌધરી દ્વારા નિયમો ને નેવે મૂકી બદલી કેમ્પ વિના પણ ચોક્કસ શિક્ષકો ની બદલી કરી આપી હોવાનું તો કેટલાક શિક્ષકો ફાજલ પડતાં બદલી થતાં ઓર્ડર અટકાવી દીધાની ચોંકાવનારી રજૂઆત થઈ હતી તો વળી ફાજલ શિક્ષકો વગર ભણાવ્યે છેલ્લા 5-6 મહિનાથી જૂની શાળામાં જ હોવાની લેખિત ફરિયાદ પણ થઈ હતી.!! આથી આ સમગ્ર બાબતની શિક્ષણ નિયામક એમ.આઈ.જોશી દ્વારા સઘન અને તટસ્થ તપાસ આદરી 70 જેટલા શિક્ષકો ના નિવેદનો નોંધ્યા હતા. ત્યારબાદ આ પૈકી 52 જેટલા બદલીના આદેશો ખોટી રીતે કરાયેલા હોવાનું ધ્યાને આવતા તેને રદ કરી આવા 52 શિક્ષકોને તેમના આગાઉના મૂળ સ્થાને હાજર કરવાના હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય કેટલાય શિક્ષકો પણ અન્યાયનો ભોગ બન્યા છે. પરંતુ વહીવટ સામે અવાજ ઉઠાવ્યો નથી.તો બીજી તરફ સમગ્ર જિલ્લામાં શિક્ષકો મંજૂરી વગર બેરોકટોક અપડાઉન કરી રહ્યા હોવા છતાંય વહીવટી તંત્ર કેમ તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરતું નથી તે મુદ્દો પણ ચર્ચાની એરણે ચઢ્યો છે.
પાટણ જિલ્લામાં અગાઉ પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે બાબુભાઈ ચૌધરી ફરજ બજાવતા હતા. તેઓ રિટાયર્ડ થતાં જ કથિત કૌભાંડોની રજૂઆત માં ઘોડાપુર આવ્યું છે.આ અધિકારી દ્વારા કેટલાંક પ્રાથમિક શિક્ષક સંઘની મિલીભગતથી વધ-ઘટ બદલી કેમ્પમાં ગેરરીતિ આચરીને બદલી કૌભાંડ ભાગ-2 કરાયું હોવાં બાબતે સાંતલપુર તાલુકાના અંતરિયાળ ઝઝામ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અણદુભા જાડેજા દ્વારા લેખિત રજુઆત કરતા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો ની બદલીઓ વિવાદોના વમળમાં ફસાઈ છે.આ રજુઆતમાં આ પૂર્વ ડીપીઈઓ,બી.એ.ચૌધરી દ્વારા સરકારશ્રીના 23-5-2012 ના ઠરાવ અને વખતોવખતના સુધારા મુજબ કાયદેસરના યોજવામાં આવતા વધઘટ બદલી કેમ્પમાં પણ મોટપાયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની જણાવાયું છે.આવા કેમ્પમાં ખરેખર જે શાળા ઓમાં જેતે વિભાગ માં વધ હતી એમને વધમાં ઉપાડવામાં આવ્યા નથી. તેમજ જે શાળામાં વધ નહોતી છતા એવી શાળાના શિક્ષકોની વધમાં બદલીના હુકમો કરવામાં આવેલ છે. વધઘટ બદલી કેમ્પમાં અમુક જગ્યાઓ બોર્ડ ઉપર બતાવાયેલી નહોતી અને એવી જગ્યાઓ ઉપર કેમ્પ ની તારીખમાં પાછળથી હુકમો કરાયેલા હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો સહ રજુઆત કરવામાં આવી છે.આ તત્કાલીન કહેવાતા કૌભાંડી ડીપીઈઓ,ચૌધરી દ્વારા સંઘના હોદ્દેદારોની
શાળાઓ કે તેમના પોતાના ખોટા કામો કરીને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની હાથ ઉપર રાખી આ પ્રવૃત્તિ કરી હોવાનું જે શિક્ષક સમાજના હિતમાં ના હોવાથી ગત તા.24-11-2020 થી 01-12-2020 દરમિયાન ના બદલી કેમ્પમાં નિયમોને તોડી કરાયેલ બદલીઓ અંગે તટસ્થ તપાસ કરી દોષિતો વિરુદ્ધ દાખલારૂપ કડક કાર્યવાહી કરવામાં આવે એવી અરજ કરવામાં આવી છે.આ શિક્ષકે બે અલગ-અલગ પત્રકમાં કોની-કોની બદલી કયા-કયા નિયમો વિરુદ્ધ કરવામાં આવી છે તેની તલસ્પર્શી અને સચોટ માહિતી સાથેની ધારદાર રજુઆત કરી છે.રાજ્યના શિક્ષણ વિભાગમાં સિદ્ધાત વાદી શિક્ષણ નિયામક હોવાની છબી ધરાવતા એમ.આઈ.જોશી આ રજૂઆતની તટસ્થાપૂર્વક તપાસ કરશે એવો આશાવાદ જિલ્લાના શિક્ષકઆલમમાં સેવાઈ રહ્યો છે.ત્યારે આવનારા સમયે પાટણ જિલ્લામાં ફરી પ્રાથમિક શિક્ષક બદલી કૌભાંડ ભાગ-2 નું ભૂત ધુણશે તે ચોક્કસ છે.આ અગાઉ શિક્ષક નરેશ રાવલે રજૂઆત કર્યા બાદ સિધ્ધપુર તાલુકાની સેદ્રાણા અને મેથાણ પ્રાથમિક શાળામાંથી ડીસેમ્બર 2020 ના કેમ્પમાં વધ પડી ને તાલુકા બહાર ગયેલ 2 શિક્ષિકાઓએ નામજોગ વિગતો દર્શાવતી ફરિયાદ નિયામક,ગાંધીનગરને કરતાં હડકંપ મચી ગયો હતો.આ અગાઉ કરાયેલી રજુઆત માં ગત 1 ડિસેમ્બર 2020 ના રોજ થયેલ ફાજલ શિક્ષકોની બદલીમાં 3 ની બદલી અટકાવવામાં આવી હોવાનું કહ્યું છે.કુલ 3 શિક્ષિક મૂળ સિધ્ધપુર તાલુકામાંથી ફાજલ થઈ રાધનપુર અને સાંતલપુર તાલુકામાં બદલી થયા હતા.જોકે તેમનો ઓર્ડર અટકાવી દઈ સિધ્ધપુર તાલુકામાં જ જાળવી રાખી કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ રજુઆતમાં કર્યો હતો.આ સાથે એક શિક્ષક ને બદલી કેમ્પ વગર સાંતલપુર તાલુકામાંથી સિધ્ધપુર તાલુકામાં લાવી દેવામાં આવ્યા હોવાનું જ્યારે રાધનપુર તાલુકાની એક શિક્ષિકાને સ્વ વિનંતી થી સિધ્ધપુર તાલુકામાં લાવી દેવામાં આવ્યા હોવા પાછળ ગેરરીતિ આચરાઈ હોવાની રજૂઆત કરી હતી.આમ,રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ફરજ બજાવતી કુલ 2 શિક્ષિકા એ આ અગાઉ વધુ ગંભીર અને શંકા ઉપજાવતી રજૂઆત પણ કરી હતી. જેમાં શિક્ષક બદલીના કેમ્પ માં જે-તે સ્થળ દર્શાવેલ નહિ હોવા છતાં સાંતલપુર તાલુકાની શિક્ષિકાની બદલી સિધ્ધપુર તાલુકામાં કરી આપી તત્કાલીન ડીપીઈઓ ચૌધરીએ મનસ્વી રીતે અને પૈસાની લેવડ-દેવડ કરી કૌભાંડ કર્યું હોવાનો ગંભીર આક્ષેપ મૂકી અરજદાર બંને શિક્ષિકા બહેનોએ ન્યાયિક તપાસની માંગ કરી હતી. ત્યારે આ બદલી કૌભાંડ ભાગ-2 ની લેખિત રજૂઆતમાં દર્શાવેલ વિગતોને લઈ પાટણ જિલ્લા સહિત તમામ તાલુકાના શિક્ષણ આલમ નો માહોલ ફરી ગરમાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here