છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને પાવીજેતપુર ખાતે મંત્રી બચુ ખાબડની અધ્યક્ષથામા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

બોડેલી,(છોટાઉદેપુર) ઈમ્તિયાઝ મેમણ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી અને પાવીજેતપુરના એ.પી.એમ.સી. ખાતે રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના આશય સાથે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને આત્મનિર્ભર ગુજરાત અભિયાન અંતર્ગત ખેડૂતોના કલ્યાણ માટે સહાયરૂપ બનતી સાત કૃષિલક્ષી યોજનાની સમજ માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો.

આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું કે, રાજ્યના ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે સંકલ્પબદ્ધ છે. આ માટે ખેડૂતોની મુશ્કેલીઓને સુપેરે સમજી નક્કર આયોજન અને ચોક્કસ રોડ મેપ સાથે આગળ વધી રહી છે. આ માટે અનેકવિધ યોજના અમલમાં મૂકી છે. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને પાંચ હપ્તામાં રૂ. ૨૦૦૦ લેખે કુલ રૂ. ૯૧ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ઉપરાંત કમોસમી વરસાદના પગલે પાકના નુકસાન પેટે વળતર ચૂકવવાની સાથે સી.સી.આઈ. દ્વારા ખેડૂતોની જણસોને ટેકાના ભાવે ખરીદેને ખેડૂતોને આર્થિક રીતે સશક્ત કરવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામા આવ્યા છે.
કિસાન સહાય યોજનામાં રાજ્યના નાના તથા મોટા ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. ખરીફ રૂતુના પાક માટે અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, અને કમોસમી વરસાદના પગલે ખેડૂતોના પાકના થયેલ નુકસાન ૩૩ ટકા થી ૬૦ ટકા માટે પ્રતિ હેક્ટર રૂા.૨૦,૦૦૦ની સહાય અને ૬૦ ટકા વધુના નુકસાન માટે રૂા.૨૫૦૦૦ પ્રતિ હેક્ટર માટે ૪ હેક્ટરની મર્યાદામા આ સહાય આપવામા આવશે. આ માટે ખેડૂતોએ ઓનલાઈન અરજીની આધારે સહાયની રકમ સીધી જ તેમના બેંક ખાતામા જમા કરવામા આવશે.

મંત્રી બચુ ખાબડે વધુમાં જણાવ્યુ કે, રાજ્યનો ઘણો ભૂ-ભાગ સૂકો છે. પરંતુ રાજ્ય સરકારે આ માટે ૭૫ લાખ હેક્ટર સુધી સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવી છે. જેથી રાજ્યનો ખેડૂત બારમાસી ખેતી કરતો થયો છે. આમ, રાજ્ય સરકાર અને ખેડૂતોના અથગ પ્રયાસોના પગલે ગુજરાત રાજ્ય કૃષિ વિકાસમા દેશભરમા મોખરે રહ્યુ છે. તેમણે ઉમેર્યું કે, વર્ષ૧૯૯૫-૯૬ના ર૫ વર્ષના ગાળામા બાર ગણુ ઉત્પાદન થયુ છે. એક સમયે રાજ્યનો ખેડૂત ખાતર, બિયારણ અને અન્ય કૃષિલક્ષી ખર્ચ માટે દેવાદાર બની જતો હતો. પરંતુ રાજ્ય સરકાર સતત ખેડૂતોની પડખે રહી ઝીરો ટકા વ્યાજે ખેડૂતોને ધિરાણ ઉપલબ્ધ કરાવ્યુ છે આ માટે રાજ્યના ૧૬ લાખ ખેડૂતોના રૂા.૯૦૦ કરોડ વ્યાજ પેટે બેન્કોને ચૂકવવામા આવ્યા છે.

રાજ્યના ખેડૂતોના કલ્યાણ માટે સાત યોજનાની રૂપરેખા આપતા બચુ ખાબડે કહ્યુ કે, આ યોજનાઓના માધ્યમથી પ્રાકૃતિક ખેતી, પશુપાલન, ખેતીના માટેના અદ્યતન સાધનો ખરીદવા, પાક સંગ્રહ માટેના ગોડાઉન બનાવવા અને સિંચાઈ સહિતની વ્યવસ્થામા ખેડૂતો માટે આશીર્વાદ સમી બનવાની સાથે ખેડૂતો આવક બમણી કરવાના સંકલ્પને પણ વેગ મળશે. ઉપરાંત ખેતીની સાથે પશુપાલન માટે ખેડૂતોને દેશી ગાયના પાલન પોષણ માટે પ્રતિ માસ રૂા. ૯૦૦ની સહાય ચૂકવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. તેમજ પશુઓના આરોગ્યની કાળજી લેવા માટે પશુપાલકોને ઘરબેઠા તેમના પશુઓને સારવાર મળી રહે તે માટે મોબાઈલ વેન માધ્યમથી ૧૦ ગામ દીઠ એક ફરતુ દવાખાનુ કાર્યરત કરવામા આવ્યા છે. તેમ મંત્રી બચુભાઈ ખાબડે બોડેલી અને પાવી જેતપુર ખાતે ખેડૂતોને સંબોધતા જણાવ્યુ હતુ.

આ પ્રસંગે સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા અને ધારાસભ્ય અભેસિંહ તડવીએ પ્રાસંગિક ઉદ્બબોધન કરતા કેન્દ્ર-રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓનો ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત પાવી જેતપુર ખાતે ધારસભ્ય મોહનસિંહ રાઠવા, સુખરામ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, પશુપાલન અને બાગાયત વિષયક યોજના અંગે ક્રમશ જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.એન.ભગરિયા, નાયબ બાગાયત નિયામક કુણાલ પટેલ, નાયબ પશુપાલન નિયામક વી.કે. ગરાસિયા જાણકારી આપી હતી. ઉપરાંત છોટાઉદેપુરના આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડી.એન. પટેલે પ્રાકૃતિક ખેતી વિષયક ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા-તાલુકા પંચાયતના હોદ્દાદારો-સભ્યો, કલેક્ટર સુજય મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, પ્રાંત અધિકારી, તાલુકા- તાલુકા વિકાસ અધિકારી સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here