કાલોલના શામળદેવી પંચાયતના સરપંચના અવસાન બાદ ડેપ્યુટી સરપંચના મનસ્વી વહીવટ સામે સાત સભ્યોની અવિશ્વાસની દરખાસ્ત

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ તાલુકાના શામળદેવી પંચાયતના મહિલા સરપંચનું જુલાઈ મહિનામાં અવસાન નિપજતા પાછલા દોઢ મહિનાથી પંચાયતનો વહીવટ ડેપ્યુટી સરપંચ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ દોઢ મહિનામાં ડેપ્યુટી સરપંચના વહીવટ સામે આક્ષેપો લાવી બહુમતી એવા સાત સભ્યોએ એકમત બની સોમવારે પંચાયતના તલાટી અને તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. શામળદેવી પંચાયતના નવ સભ્યો પૈકી સાત સભ્યોએ એકમત થઈને લાવેલી અવિશ્વાસની દરખાસ્તના આક્ષેપો મુજબ હાલમાં પંચાયતનો વહીવટ કરતા ડેપ્યુટી સરપંચ નામે મુકેશભાઈ વિનોદભાઈ પારઘીએ સરપંચના અવસાન બાદ સભ્યોને વિશ્વાસમાં લીધા વિના અંગતરીતે પંચાયતના નાણાંકીય વ્યવહારો ધરાવતી બેંકોમાં સહીના નમુના પોતાની રીતે બદલીને શૌચાલય યોજનામાં લાભાર્થીઓને અન્યાય કરી નાણાંકીય વ્યવહારોમાં ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. તદ્ઉપરાંત પંચાયતની યોજનાના કામો પણ મનસ્વી રીતે નિર્ણયો કરી પોતાની સરમુખત્યારશાહીનો વહીવટી અને ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરી બહુમતી સભ્યોએ ડેપ્યુટી સરપંચના વહીવટ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શામળદેવી પંચાયતની અવધી સાડાત્રણ વર્ષ જેટલી પુરી થઇ ગઇ હતી પરંતુ દુર્ભાગ્યે અચાનક સરપંચના અવસાનને પગલે ડેપ્યુટી સરપંચે ચાર્જ પોતાના હાથમાં લઈ પંચાયતના વિકાસને ભરખી જવાનો કારસો કરતા અવિશ્વાસની દરખાસ્ત લાવી આગામી દોઢ વર્ષ માટે સાત સભ્યો પૈકી વિશ્વાસુ સભ્યને ડેપ્યુટી સરપંચ તરીકે ચુંટી લાવવા માટે ચુંટણી કરાવવાની માંગ કરી હતી. જે અવિશ્વાસની દરખાસ્ત સંદર્ભે શામળદેવી ગ્રામ પંચાયતના તલાટી એસ.એ. કાજીએ અવિશ્વાસની દરખાસ્ત મળી હોવાનું અને આગામી અઠવાડિયામાં સામાન્ય સભા બોલાવી અવિશ્વાસની દરખાસ્ત અંગેની ચર્ચા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here