કાલોલમાં કોરોનાની પુનઃ રફતાર વધતા બુધવારે વધુ ૬ વ્યક્તિઓ કોરોના પ્રભાવિત બન્યા

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ શહેર અને તાલુકામાં પાછલા ચાર પાંચ દિવસથી દૈનિક બે ત્રણ કેસોને ધોરણે કોરોનાની રફતાર મંદ પડી હતી. પરંતુ તાજેતરમાં કોરોનાએ પલટવાર કરતા પાછલા ચોવીસ કલાકમાં નવા છ કોરોના કેસો ઉજાગર થયા હતા. જે અંતર્ગત કાલોલ આરોગ્ય વિભાગ દ્વારા બુધવારે તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, બે સીએચસી કેન્દ્રો અને એક ધન્વન્તરિ રથ દ્વારા શંકાસ્પદ એવા સુપર સ્પ્રેડર ગણાતા ૨૯ દુકાનદારો અને ૭ સરકારી સસ્તા અનાજની દુકાનોના સંચાલકો સાથે કુલ ૧૪૧ વ્યક્તિઓના એન્ટીજન ટેસ્ટ લેવામાં આવ્યા હતા, જે પૈકી છ વ્યક્તિઓ કોરોના પોઝીટીવ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ પોઝીટીવ કેસો ધરાવતા હોય એવા કાલોલ શહેરમાં એક રાણાવાસ, એક રાધાકૃષ્ણ સોસાયટી અને ખારીસિંગ ચણાની લારી ધરાવતા વેપારીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જ્યારે તાલુકામાં કંડાચ ગામમાં ૨ અને રામનાથ ગામમાં ૧ મળી કુલ છ કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવ્યા હતા. આ સાથે કાલોલ તાલુકામાં કોરોના કેસો વધીને કુલ ૧૬૬ થયા હતા જે પૈકી કોરોના અને નોનકોરોના મળી કુલ ૧૫ મોત, ૯૪ રિકવર અને હાલમાં ૫૭ કેસો સારવાર હેઠળ એક્ટીવ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here