કાલોલ પાલિકાના આગામી મહિલા પ્રમુખની દાવેદારી માટે ભાજપની આઠ મહિલા કોર્પોરેટરો મેદાનમાં

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

તસ્વીર

કાલોલ નગર પાલિકાના આગામી અઢી વર્ષની મુદત માટે પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી આગામી ૨૪મી ઓગસ્ટે નિશ્ચિત બનતા કાલોલ પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ પાલિકામાં ભાજપની સત્તા ધરાવે છે અને આગામી પ્રમુખના તાજ માટે સામાન્ય મહિલા અનામત સીટ હોવાથી ભાજપના સિમ્બોલ પર જીતેલી મહિલા સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાલોલ પાલિકાની હાલની બોડી ૨૮ સભ્યોની છે જેમાં ૧૪ પુરુષો અને ૧૪ મહિલા સભ્યો સંલગ્ન ભાજપ ૧૭ અને ૧૧ અપક્ષ સભ્યો ધરાવે છે. જે અંતર્ગત ભાજપ શાસિત આગામી મહિલા પાલિકા પ્રમુખની દાવેદારી મુજબ પાલિકાની કુલ ૧૪ મહિલાઓ પૈકી હાલમાં ભાજપની આઠ મહિલા સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી હતી, જે પૈકી પાછલા દિવસોમાં ભાજપના પ્રતિનિધિમંડળ સમક્ષ ભાજપના આઠ મહિલા સભ્યોના સેન્સ પણ લેવામાં આવ્યા હતા તથા મંગળવારે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડ ની બેઠક મળી જેમાં પાર્ટી દ્વારા સંભવિત નામો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. હાલમાં કાલોલમાં ટોક ઓફ ટાઉન મુદ્દો બનેલા મહિલા પ્રમુખની રેસમાં ભાજપના ટ્રેક પર વોર્ડ નંબર ૧ના મહિલા સભ્ય શેફાલીબેન અંકુર ઉપાધ્યાય અને અલકાબેન વિનોદચંદ્ર પરીખ, વોર્ડ નંબર ૨ના વૈશાલીબેન અતુલભાઈ પટેલ અને જ્યોત્સનાબેન બેલદાર, વોર્ડ નંબર ૩ના દક્ષાબેન જતીનભાઈ કાછીયા, વોર્ડ નંબર ૪ના દક્ષાબેન મકવાણા, વોર્ડ નંબર ૭ના લીલાબેન મહેન્દ્રસિંહ રાઠોડ અને પુષ્પાબેન પરીખ આમ આઠ સભ્યોએ સરકીટ હાઉસમાં કોન્સેન્સ આપી પોતાની દાવેદારી નોંધાવી ફાઇનલ રેસમાં પ્રવેશ મેળવી પક્ષના ગોડફાધરોના શરણે દોડધામ કરી રહ્યા છે. જે મધ્યે રાજયસ્તરે પક્ષીય સાથેના રાજકીય સબંધો, મેન્ડેટ મુજબ સામાન્ય મહિલા અનામત બેઠક ધરાવતા, નગરમાં સેવાભાવી વ્યક્તિત્વ, પાછલા અઢી વર્ષમાં અને લોકડાઉન દરમ્યાન નગર અને નગરજનો માટે કરેલી સેવા અને કામગીરી, સોશ્યિલ મીડિયામાં અવાજ અને શહેર વિકાસના અભિગમ મુદ્દે કુશળ લીડરશીપ સાથે સ્પષ્ટ વકતૃત્વની અને લોકો સાથે જોડાયેલા હોય તેવી છાપ ધરાવતા ઉમેદવાર તરફ પસંદગી નો કળશ ઢોળવામાં આવે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here