શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા “આઝાદીનો અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ પ્રકલ્પો હાથ ધરવામાં આવશે

ગોધરા,(પંચમહાલ) ઇશગક રાંટા :-

આઝાદીની લડતમાં ભાગ લેનારા લડવૈયાઓના બલિદાનથી જિલ્લાના દરેક ગામને અવગત કરવા પ્રયાસ હાથ ધરશે વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી વિસ્તારના ૬૨૦થી વધુ ગામડાઓમાં ધ્વજવંદન કાર્યક્રમો હાથ ધરવામાં આવશે

પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ, માન. કુલપતિશ્રીની અધ્યક્ષતામાં “આઝાદીના અમૃત મહોત્સવ” સંદર્ભે વિવિધ પ્રકલ્પોના આયોજન બાબતે જરૂરી વિચાર-વિમર્શ માટે તા.૨૯/૦૭/૨૦૨૧ ના રોજ યુનિવર્સિટી ખાતે એક બેઠકનું આયોજન હાથ ધરવામાં હતું. આ બેઠકમાં એન.સી.સી. ની ૩૦ બટાલીયનના કમાન્ડીંગ ઓફિસર કર્નલ કિરીટ નાયર, એન.એસ.એસ. વિભાગના કો-ઓર્ડીનેટર પ્રા. નરસિંહભાઈ પટેલ, સંલગ્ન કોલેજોમાં કાર્યરત એન.એસ.એસ. અને એસ.સી.સી. ના ઓફિસર તથા સંલગ્ન કોલેજોમાં કાર્યરત ઈતિહાસ વિભાગના વરિષ્ઠ પ્રાધ્યાપકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિશ્રીએ “આઝાદીનો અમૃત મહોત્સવ” અભિયાન વિષે વિસ્તૃત સમજ આપતા જણાવ્યું હતું કે આગામી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ આપણી આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તે સંદર્ભમાં આપણા વડાપ્રધાનશ્રી દ્વારા “આઝાદીનો અમૃત મહોત્સવ” અભિયાનનો પ્રારંભ કરેલ છે. જેના મુખ્ય હેતુઓ આઝાદીની ચળવળના જે સ્વતંત્રતા સેનાનીઓને ઈતિહાસમાં પૂરતી જગ્યા મળી નથી, પૂરતી ઓળખ મળી નથી તેમની જીવનગાથાને પણ આપણે લોકો સુધી પહોંચાડવાની છે. આપણા દેશનું કોઈપણ સ્થળ એવું નહીં હોય કે જ્યાં ભારત માતાના કોઈ દિકરા- દિકરીએ યોગદાન આપ્યું ના હોય, બલિદાન આપ્યું ના હોય. આ સૌના બલિદાન અને આ સૌના બલિદાનની પ્રેરક વાતો જ્યારે દેશની સામે આવશે ત્યારે તે પણ સ્વયં ખૂબ મોટી પ્રેરણાનો સ્રોત બની રહેશે. આ રીતે આપણે દેશના દરેક ખૂણે ખૂણે, દરેક વર્ગનું યોગદાન પણ દેશની સામે લાવવાનું છે. ઘણા એવા લોકો પણ હશે કે જે પેઢીઓથી કોઈને કોઈ મહાન કામ દેશ અને સમાજ માટે કરી રહ્યા હશે. તેમની વિચારધારાને, તેમના વિચારોને પણ આપણે આગળ લાવવાના છે. દેશને તેમના પ્રયાસો સાથે જોડવાનો છે. આ પણ, આ અમૃત મહોત્સવની મૂળભૂત ભાવના છે. વડાપ્રધાનશ્રીના વિધાનને ટાંકતા કુલપતિશ્રીએ બેઠકમાં ઉપસ્થિત સર્વેને જણાવ્યું હતું કે, ‘उत्सवेन बिना यस्मात् स्थापनम् निष्फलम् भवेत्’ એનો અર્થ એવો થાય છે કે કોઈ પણ પ્રયાસ, કોઈ પણ સંકલ્પ કે ઉત્સવ વગર પૂર્ણ થતો નથી. એક સંકલ્પ જ્યારે ઉત્સવનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે તેમાં લાખો કરોડો લોકોનો સંકલ્પ જોડાઈ જાય છે. લાખો કરોડો લોકોની ઉર્જા જોડાઈ જાય છે. આપણે પણ આપણા અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનો પ્રયાસ હાથ ધરવાનો છે. આપણે આપણા વિસ્તારના જે સ્વાતંત્ર સેનાનીઓને ઈતિહાસમાં પૂરતી જગ્યા મળી નથી, પૂરતી ઓળખ મળી નથી તેમની જીવનગાથાને પણ આપણે પુસ્તક સ્વરૂપે તૈયાર કરી સમગ્ર રાષ્ટ્ર સુધી પહોંચાડવાની છે. આપણી યુનિવર્સિટીનો વિદ્યાર્થી યુનિવર્સિટી વિસ્તારના પ્રત્યેક શહેર, નગર અને ૬૨૦થી વધુ ગામડાઓમાં તા.૧૫/૦૮/૨૦૨૧ ના રોજ ધ્વજવંદન કાર્યક્રમો આયોજિત કરવાના છે અથવા એમાં જોડાવાનાં છે, જેમાં વિદ્યાર્થીઓ સ્વતંત્રતા સંગ્રામના એવા વીરો તેમજ એવા સ્થળો જે સ્વતંત્રતા સંગ્રામનો ઈતિહાસ ધરબીને બેઠા છે, જેમને ઇતિહાસમાં ઓળખ મળી નથી તેમનો પરિચય કરાવશે. સાથે-સાથે દરેક વ્યક્તિ ધ્વજ વંદન કાર્યક્રમમાં જોડાય જેથી તેમાં રહેલ રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને તેવા પ્રયાસો કરશે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આપણો એક પ્રયાસ સમાજમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવામાં પ્રેરક બની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here