છોટા ઉદેપુર જિલ્લા પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

જિલ્લાના વિકાસકાર્યો માટે ૯ કરોડના કુલ ૪૮૦ કામોને મંજૂરી આપતા પ્રભારી મંત્રીશ્રી

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકને અધ્યક્ષપદેથી સંબોધતા પ્રભારીમંત્રીશ્રી ભીખુસિંહજી પરમારે આયોજન મંડળ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ માં મંજૂર થયેલા કામોમાંથી પ્રગતિ હેઠળના કામોને પ્રાધાન્ય આપીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લાના ઉચ્ચ અને સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
જિલ્લા પ્રભારીમંત્રીશ્રીએ આયોજન મંડળની બેઠકમાં રજૂ થયેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર સમીક્ષા કરીને છોટા ઉદેપુર જિલ્લાની જાહેરજનતા માટે વિવિધ ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રૂ.૯ કરોડના કુલ ૪૮૦ કામોને મંજૂરી આપી હતી. વધુમાં તમામ વિકાસ કામોની ગુણવત્તાસભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં પ્રાયોજના વહિવટદારશ્રી સચિનકુમારે આયોજન મંડળની બેઠકની રૂપરેખા આપી હતી. આ બેઠકમાં ૧૫% વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૯ કરોડના બ્લોકપેવિંગ, સી.સી.રોડ, પાણીની પાઇપલાઇન, પાણીની ટાંકી, ગટરલાઇન, સિંચાઈ, કોઝ-વે,કમ્પાઉન્ડવોલ સ્થાનિક વિકાસને લગતા કુલ.૪૮૦ કામોને મજૂરી આપવામાં આવી હતી.જ્યારે પ% પ્રોત્સાહક જોગવાઈ હેઠળના રૂ.૧૫ લાખના કુલ ૦૬ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આમ જિલ્લામાં આયોજન મંડળની બેઠકમાં ચર્ચા વિચારણાનાં અંતે રૂ.૯કરોડના કુલ ૪૮૦ કામોને મંજૂર કરવામાં આવ્યા હતાં.
જિલ્લા આયોજન મંડળની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબહેન પટેલ,તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને નિવાસી અધિક કલેકટરશ્રી. એસ.ગોકલાણી,તમામ તાલુકાના ટીડીઓશ્રી સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here