રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નગરજનોની સુખાકારીમાં વધારો કરતા અનેક પ્રકલ્પોની રાજપીપલા નગરજનોને ભેટ આપતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા

નગરજનોના જીવનધોરણમાં સુધારો અને તેમને મળતી માળખાકીય સુવિધાઓ નર્મદા જિલ્લાના વિકાસની પારાશીશી છે

નગરમાં સાંજે હળવાશની પળોમાં ટહેલવા નીકળતા નગરજનો માટે દ્રશ્ય બદલાયું : કરજણ ઓવરાને મળ્યો નવો આકાર

ટેનિસકોટ, રાશિ નક્ષત્ર, મચ્છી માર્કેટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના લોકાર્પણ સહિત કારમાઈકલ બ્રિજ અને ભૂગર્ભ ગટર યોજના થકી ઘર જોડાણો આપવાના કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું

નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપલા નગરપાલિકાના શહેરીજનોની સુવિધાઓ અને સુખકારીમાં ઉમેરો કરતા અનેકવિધ યોજનાકીય કાર્યો તથા પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નગરજનોને શાનદાર ભેટ આપી છે. નગર પાલિકા દ્વારા સરકારી કરજણ ઓવારા ખાતે બુધવારે સાંજે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત થયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના કારણે આજે વિશ્વપટલ પર નર્મદા જિલ્લાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પ્રવાસીઓ રાજપીપલાથી પસાર થઈને જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાય છે, ત્યારે પર્યટકો શહેરની ભવ્યતાથી પરિચિત થાય તે માટે રાજપીપલાને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રજાનો વિશ્વાસ અને જન ભાગીદારી અત્યંત જરૂરી છે.

પર્યાવરણમાં થઈ રહેલા અસાધારણ બદલાવને નિયંત્રિત કરવા વડાપ્રધાન નરેન્દ્ મોદીએ વૃક્ષારોપણ પર વિશેષ ભાર મુક્યો છે, ત્યારે રાજપીપલા શહેરના બ્યુટીફીકેશનની કામગીરી સહિત રોજગારીની તકોનું નિર્માણ કરીને પ્રજાના જીવનધોરણમાં બદલાવ લાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સાંસદ વસાવાએ જણાવ્યું કે, કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાકીય લાભોની નગરજનો અને લોકોને અપાતી રૂપરેખા વર્ણવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજપીપલા શહેરના પ્રજાજનો માટે ગેસ કનેક્શન, ભૂગર્ભ ગટર, અંડરગ્રાઉન્ડ વિજળીકરણ સહિત થઈ રહેલા અનેકવિધ કાર્યો અને આયોજનોથી પ્રજાની સુખાકારી અને સમૃધ્ધિમાં દિન પ્રતિદિન વધારો થશે. સાંસદ મનસુખભાઈ વસાવાએ કરજણ ઓવારો, રાશિ નક્ષત્ર ગાર્ડન, ટેનિસ કોટ, મચ્છી માર્કેટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ તેમજ કારમાઈકલ બ્રિજ અને ભૂગર્ભ ગટર યોજનાના ઘર જોડાણો આપવાના લાખો રૂપિયાના કામો પ્રજાલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડો.દર્શનાબેન દેશમુખે રાજપીપલા શહેરમાં નાગરિકોની સુખ-સુવિધા, સુખાકારીમાં થઈ રહેલા કામોથી પ્રસન્નતાની લાગણી અનુભવી હતી. રાજપીપલા નગરપાલિકાના વિવિધ યોજનાકીય કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમમાં નગરપાલિકાઓના દક્ષિણ ગુજરાત ઝોનના પ્રાદેશિક કમિશનર ડી. ડી. કાપડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અને શહેરીજનોને સુખ સુવિધામાં વધારો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

લોકાર્પણ ના આ કાર્યક્ર્મ માં મહારાજા રઘુવીરસિંહજી , મહારાણી રૂકમણીદેવી, સ્વામી શ્રી સીધેશ્વરજી, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ, જિલ્લાના અગ્રણી નિલ રાવ, નગરપાલિકાના મુખ્ય અધિકારી રાહુલભાઈ ઢોડિયા સહિત પાલિકા સભ્યો, જિલ્લાના સંબંધિત અધિકારી, પદાધિકારી-સંબંધિત સમિતિના ચેરમેન સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here