રાજપીપલાના આંબેડકર ભવન ખાતે નર્મદા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા કૃષિમેળો યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્ય સરકારના કૃષિ અભિયાનના કારણે ખેડૂતમિત્રોના પ્રયત્નો અને સક્રિય ભાગીદારી થકી ખેડૂતોની નવી ટેકનોલોજી અપનાવતા થયા છે :- નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ

આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ ૨૦૨૩ અંતર્ગત “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” હેઠળ નાંદોદ તાલુકા કક્ષાનો મેળો અને કૃષિ પ્રદર્શન જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી ખેતીવાડી ખાતા દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે આજે નાંદોદ ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખના અધ્યક્ષસ્થાને રાજપીપલાના આંબેડકર ભવન ખાતે પ્રદર્શન કમ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ વેળાએ નાંદોદ ધારાસભ્ય શ્રીમતિ ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ભારત સૌથી વઘુ હલકા તૃણ ઘાન્ય પાકો જેવા કે નાગલી (રાગી), વરી, કોદરી, કાંગ, બંટી અને ચીણો પકવતો દેશ છે. જેમા મોટા ભાગના મિલેટ્સ પાકો આદિવાસી વિસ્તારોના જંગલોમા જોવા મળે છે. જેને વર્ષો પહેલા આપણા પુર્વજો આ ધાન્યો સંગ્રહ કરીને ઉપયોગમા લેતા હતા. આજે કેટલાંક લોકો વધુ કમાણી અને રાસાયણિક ખાતરોનો વધુ પડતો ઉપયોગ કરીને જમીનનો બગાડ જોવા મળી રહ્યો છે ત્યારે વડાપ્રાધન નરેન્દ્ર મોદી ખેડૂતમિત્રોની મિલેટ્સ ધાન્ય પાકોને ઉત્પાદન કરવા માટે આહ્વાન કરી રહ્યા છે. જેનાથી જમીનનું સ્વાસ્થ્ય અને લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે.

”રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે.” રાજ્ય સરકારના કૃષિ અભિયાનના કારણે ખેડૂતમિત્રોના પ્રયત્નો અને સક્રિય ભાગીદારી થકી ખેડૂતોની નવી ટેકનોલોજી અપનાવતા થયા છે. રાજ્યના તમામ ખેડૂતો કૃષિ મહોત્સવ થકી સરકારશ્રીની અનેકવિધ યોજનાઓ તથા ખેતી ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીની માહિતી પ્રાપ્ત કરીને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના આહ્વાનને સફળતા મળી રહી છે. વધુમાં બાળકોની તંદુરસ્તી માટે મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવેલ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવવાની રીત વિશે આંગણવાડી બહેનો દ્વારા સમજાવવામાં આવે છે.

મદદનીશ ખેતી નિયામક (તાલીમ) નર્મદા કેતનભાઇ ઠક્કરે પણ પ્રાકૃતિક ખેતીને વિસ્તારપૂર્વક સમજાવી આજના સમયની માગ આધારિત ખેતી કરવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત, જીવામૃત, બીજામૃત સહિતના ખાતરના ઉપયોગ થકી ખેતીની જમીનને ઉત્પાદક બનાવવા અંગે સમજણ પુરી પાડી હતી.

વધુમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડિયાપાડાના ઇન્ચાર્જ વૈજ્ઞાનિક વી.કે. પોશીયાએ પણ વૈજ્ઞાનિક ઢબે કૃષિ અને પરંપરાગત તૃણ ધાન્યોની કૃષિને અપનાવવા અંગે ખેડૂતોને પ્રેરિત કર્યા હતા. વધુમાં ખેતીમાં નવીન ટેકનોલોજી અને ટકાઉ વિકાસને સાધીને ખેતી ખર્ચ ઘટાડવાની રાજ્ય સરકારના સઘન પ્રયાસો અંગે સમજ પુરી પાડી હતી.

કૃષિ મેળામાં ખેડૂતોને મિલેટ્સ પાકો તથા પ્રાકૃતિક ખેતી અન્વયે તજજ્ઞો દ્વારા માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા. કૃષિ મેળામાં ખેતીવાડીમાં ઉપયોગી ખેત ઓજારો, સૂક્ષ્મ પિયત પદ્ધતિ, પ્રધાનમંત્રી કિસાન યોજના, આઈસીડીએસ, પશુપાલન વિભાગ, ખેતીવાડી વિભાગની યોજનાઓ તથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોના પ્રદર્શન સ્ટોલનું પણ યોજાયું હતું.

આ કૃષિ મેળામાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી વનીતાબેન એસ. વસાવા, તાલુકા પંચાયત સદસ્ય મુકેશભાઈ રોહિતભાઈ, GNFC માર્કેટિંગ મેનેજર-ભરૂચ, આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદ પટેલ તથા અન્ય ખેતીવાડી શાખાનાં અધિકારીઓ, CDPO શ્રીમતી મોસમબેન પટેલ અન્ય મહાનુભાવો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here