પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કોરોના મુક્ત થયેલા દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા માટે અપીલ

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

જિલ્લાના પ્રથમ બે પ્લાઝમા ડોનર દ્વારા રેડક્રોસ હોલ ખાતે પ્લાઝમા ડોનેટ કરાયા

કોરોના વોરીયર્સ તબીબો પ્લાઝ્મા ડોનેશન ક્ષેત્રે પણ અગ્રમોરચે

નોવેલ કોરોના વાયરસને મ્હાત આપી સાજા થયેલા દર્દીઓ પોતાના પ્લાઝમા થકી અન્ય કોરોના દર્દીઓને સાજા થવામાં મદદરૂપ થઈ શકે તે માટે પ્લાઝમા ડોનેટ કરતા હોય છે અને આ પ્લાઝમા થેરાપી ઘણા દર્દીઓને સાજા કરવામાં ઉપકારક સાબિત થઈ છે. આજે પંચમહાલ જિલ્લામાં પણ બે વ્યક્તિઓ દ્વારા સીસીપી સિસ્ટમ અંતર્ગત પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા હતા. આ પ્લાઝમા ડોનર પંચમહાલ જિલ્લાના સૌ પ્રથમ પ્લાઝમા ડોનર હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે. શાહ તેમજ ગોધરા ધારાસભ્ય શ્રી સી કે રાઉલજીની ઉપસ્થિતિમાં ગોધરાના બે તબીબો ડો સંતોષ જમનાણી અને ડો મયુર પટેલ દ્વારા પોતાના પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યા હતા.

ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજીએ બંને તબીબોના આ કાર્યને વધાવી લેતા અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ઘણા સંકુલ કેસોમાં પ્લાઝ્મા થેરાપી અસરકારક નીવડી છે અને પંચમહાલ જિલ્લાના સાજા થયેલા દર્દીઓ પોતાના પ્લાઝમા ડોનેટ કરવા આગળ આવ્યા તે કોરોના સામેની લડાઈમાં એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ પુરવાર થશે. બંને તબીબોના આ પરોપકારી પગલાને અનુસરી અન્ય દાતાઓને આગળ આવવા તેમણે અપીલ કરી હતી.

જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ. જે. શાહે તબીબો દ્વારા કરાયેલ પહેલને પ્રશંસનીય ગણાવતા સાજા થયેલા અન્ય દર્દીઓને પણ ડોનેશન માટે આગળ આવવા આગ્રહ કર્યો હતો..જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે પ્લાઝમા થેરાપી વેન્ટિલેટર પરના દર્દીઓને સાજા કરવામાં અકસીર નીવડી છે. પ્લાઝમા ડોનેશનથી અશક્તિ આવતી નથી અને આ પ્રકારની વાતો પ્રત્યે ધ્યાન ન આપતા અન્ય દર્દીઓને સાજા કરવામાં મદદરૂપ થવા આગળ આવવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here