પંચમહાલ જિલ્લામાં સુશાસન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી

ગોધરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

મહાનુભાવોના હસ્તે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજનાના વિવિધ લાભાર્થીઓને સહાય વિતરણ કરાયું

આજે દેશભરમાં ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી અટલબિહારી વાજપેયીના જન્મદિવસ નિમિતે સુશાષન દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરા તાલુકામાં શહેરા નગરપાલિકા હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટરશ્રીએ સરકાર દ્વારા કાર્યરત કિસાન કલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપતા આ યોજનાઓની સફળતા માટે વધુમાં વધુ લાભાર્થીઓને તેમનો લાભ ઉઠાવવા આગ્રહ કર્યો હતો. જિલ્લાના ૨ લાખથી વધુ ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૦૦ કરોડથી વધુ રકમનું ચુકવણું ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર મારફતે કરવામાં આવ્યું છે, ત્યારે આવી લાભકારી યોજનાઓનો લાભ છેવાડાના દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે સક્રિયપણે સહકાર આપવા જણાવ્યું હતું. કોરોના સંક્રમણનો ભય ટળ્યો નથી ત્યારે માસ્ક અને સામાજિક અંતર સહિતની સાવચેતીઓનું પાલન ચુસ્તપણે કરવા જિલ્લા સમાહર્તાશ્રીએ અનુરોધ કર્યો હતો. જિલ્લામાં કોરોના સંક્રમિતોની સારવાર અર્થે ઉપલબ્ધ સંસાધનો અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે વેક્સિન ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે. કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગતની વિવિધ યોજનાઓ માનવ ગરિમા યોજના સિલાઈ મશીન, કડિયા કામની કીટ, સુથારી કામ કીટ, શ્રેષ્ઠ પશુપાલકના એવોર્ડ, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ અગાઉ, કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી જે.ડી. ચારેલે ઉપસ્થિતજનોને આવકારતા સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં ઇ-સેવાસેતુ અને કોરોના અંગેની ફિલ્મનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ જ શ્રેણીમાં જિલ્લાના અન્ય તાલુકાઓ, ગોધરા તાલુકામાં ધારાસભ્યશ્રી સીકે રાઉલજીની ઉપસ્થિતિમાં ત્રિમંદિર, ભામૈયા ચોકડી ખાતે, મોરવા હડફમાં પૂર્વ ધારાસભ્યસુશ્રી નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં સરકારી પ્રાથમિક શાળા, મોરવા ખાતે, હાલોલમાં પૂર્વ સાંસદશ્રી રામસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ખાતે, કાલોલમાં જલારામ મંદિર ખાતે ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણની ઉપસ્થિતિમાં, ઘોઘંબા તાલુકામાં સ્વામિનારાયણ મંદિર, કણબી પાલ્લી ખાતે પૂર્વ ધારાસભ્યશ્રી ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં તેમજ જાંબુઘોડા તાલુકામાં મહાત્મા ગાંધી ભવન ખાતે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કેતુબેન દેસાઈની પ્રેરક ઉપસ્થિતમાં અને જિલ્લાના ઉચ્ચ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓની હાજરી સાથે આ ઉજવણી કાર્યક્રમ યોજાયા હતા. શહેરા ખાતેના કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખસુશ્રી સ્નેહબેન શાહ, એપીએમસી ચેરમેન શ્રી જશુભાઈ, મામલતદારશ્રી મેહુલ ભરવાડ, તાલુકા વિકાસ અધિકારી સુશ્રી અંકિતા ઓઝા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ અને ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here