પંચમહાલ જિલ્લામાં યોજાયેલી સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીની આવતીકાલે મતગણતરી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

પંચમહાલ જિલ્લામાં જિલ્લા/ તાલુકા પંચાયત અને ગોધરા-શહેરા નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણી- ૨૦૨૧ માટેની મતગણતરી આવતીકાલે તા.૦૨/૦૩/૨૦૨૧ના રોજ સવારે ૯-૦૦ વાગ્‍યાથી દરેક તાલુકા મથકોએ વિવિધ ૯ સ્‍થળોએ યોજાશે. જે પૈકી પંચમહાલ જિલ્લાની ગોધરા નગરપાલિકા ચૂંટણીની મતગણતરી ગદુકપુર ખાતેની પોલીટેકનીક કોલેજ ખાતે અને શહેરા નગરપાલિકાની મતગણતરી શહેરાની શ્રીમતિ એસ.જે.દવે હાઇસ્કુલ ખાતે યોજાશે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતગણતરી તાલુકામથકોએ યોજાશે, જેમાં મોરવા હડફમાં સરકારી વિનયન કોલેજ (હ) ખાતે, શહેરામાં મોડેલ સ્કૂલ કાંકરી ખાતે, જાંબુઘોડામાં મોડલ સ્કુલ રામપુરા ખાતે, ઘોઘમ્બામાં કન્યા સાક્ષરતા નિવાસી શાળા ખાતે, હાલોલમાં શ્રીમતી એમ એન્ડ વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે, કાલોલમાં એમ.એમ.ગાંધી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તેમજ ગોધરામાં સેન્ટ આરનોલ્ડ હાઇસ્કુલ, અમદાવાદ હાઇવે ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.
પંચમહાલ જિલ્લામાં તા.૨૮/૨/૨૦૨૧ના રોજ સવારે ૭-૦૦ થી સાંજના ૬-૦૦ વાગ્‍યા સુધીમાં જિલ્લા પંચાયતની ૩૮ પૈકી ૩૪ બેઠક માટે ૬૩.૬૪ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ગોધરા નગરપાલિકાના ૪૪ બેઠકો માટે ૬૨.૯૮ ટકા તેમજ શહેરા નગરપાલિકાની ૨૪ બેઠકો માટે ૭૬.૮૭ ટકા મતદાન થયું હતું. તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાનના આંક જોઈએ તો ગોધરા તાલુકા પંચાયતમાં ૩૪ બેઠકો માટે ૬૧.૦૩ ટકા, કાલોલની ૨૨ બેઠકો માટે ૬૬.૮૨ ટકા, હાલોલની ૨૩ બેઠકો માટે ૬૯.૪૩ ટકા, ઘોઘમ્બાની ૨૫ બેઠકો માટે ૬૪.૯૬ ટકા, જાંબુઘોડાની ૧૬ બેઠકો માટે ૭૫.૧૩ ટકા, મોરવા હડફની ૨૪ બેઠકો માટે ૫૯.૯૩ ટકા અને શહેરા તાલુકા પંચાયતની ૧૯ બેઠકો માટે ૫૯.૩૦ ટકા મતદાન નોંધાયું હતું. આ તમામ માટેની મતગણતરી આવતીકાલે સવારે ૦૯.૦૦ કલાકથી શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here