પંચમહાલ જિલ્લામાં ગોધરાના સાતપુલ ઉર્દૂ કુમાર પ્રાથમિક શાળા-૦૫ ખાતેના ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લેતા જિલ્લા વિકાસ અધિકારી

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

ફ્લુ પ્રકારના લક્ષણો ધરાવતા, સુપર સ્પ્રેડર્સ પ્રકારની વ્યક્તિઓને સમગ્રતયા આવરી લેવા સૂચના આપી

સ્થાનિક નાગરિકોને માસ્ક સહિતના સંક્રમણથી બચાવના પગલાઓ અંગે જાગરૂક કરવા જણાવ્યું

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની ચેઈન તોડવાના હેતુથી આક્રમકપણે ટેસ્ટિંગ હાથ ધરાઈ રહ્યું છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહે ગોધરા શહેરના ૬ વોર્ડમાં મોટા પાયે હાથ ધરાઈ રહેલ ટેસ્ટિંગ પ્રક્રિયાની સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પ્રાંત અધિકારીશ્રી ગોધરા સહિતના અધિકારીઓ સાથે સાતપુલ વિસ્તારની ઉર્દૂ કુમાર પ્રાથમિક શાળા ખાતેના ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લઈ માર્ગદર્શન-સૂચના આપ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ટેસ્ટિંગની પ્રક્રિયા સાથે સંકળાયેલ અધિકારીઓને સંબંધિત વિસ્તારમાં ટેસ્ટિંગ કેન્દ્રની શરૂઆત અંગે સ્થાનિકોને મોટા પાયે જાણ થાય અને તે રીતે મોટી સંખ્યામાં લોકો તેનો લાભ લઈ શકે તે જોવા નિર્દેશ કર્યો હતો. તેમણે મેડિકલ સ્ક્રિનિંગના માધ્યમથી શરદી, ખાંસી, તાવ જેવા ફ્લુ પ્રકારના લક્ષણ ધરાવતા, કો-મોર્બિડ, સુપર સ્પ્રેડર્સ પ્રકારના વ્યક્તિઓને અચૂકપણે આવરી લઈ તેમના ટેસ્ટ કરવા અંગે સૂચના આપી હતી. ટેસ્ટિંગ ઉપરાંત લોકો સંક્રમણથી બચવા માટે માસ્કના ઉપયોગ અંગે જાગરૂક બને તે માટે વિસ્તારના સ્થાનિક અગ્રણીઓને સક્રિય બનવા અને તંત્રને સહયોગ કરવા અપીલ કરી હતી. નગરજનોને આ પ્રસંગે અનુરોધ કરતા શ્રી શાહે જણાવ્યું હતું કે લક્ષણો ધરાવતા શંકાસ્પદ દર્દીઓનું ટેસ્ટ રિઝલ્ટ નેગેટીવ આવે તો દર્દી અને આસપાસના વ્યક્તિઓ નિશ્ચિંત બને છે અને જો પોઝિટીવ આવે તો અસરકારક સારવાર હાથ ધરી શકાય છે અને અન્ય વ્યક્તિઓને સંક્રમણનો ચેપ લાગવાથી બચાવી શકાય છે તેથી કોવિડ-૧૯ સંક્રમણનું જોખમ ધરાવતા કે લક્ષણો ધરાવતા વ્યક્તિઓએ ગભરાયા વગર અચૂકપણે ટેસ્ટ કરાવવો જોઈએ. ટેસ્ટ કરતા કર્મચારીઓ તેમજ આરોગ્ય અધિકારીઓને પણ ટેસ્ટિંગ સમયના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવા તેમજ કાળજી રાખવા જણાવ્યું હતું. જિલ્લામાં સંક્રમણનો વ્યાપ અને ઝડપ ઘટાડવા વધુ કેસો ધરાવતા વિસ્તારોમાં પરીક્ષણ કેન્દ્રોની શરૂઆત કરી મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે ૨૫મી ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી ગોધરાના સૌથી વધુ કેસો ધરાવતા પાંચ વોર્ડમાં આ પ્રકારે મોટા પાયે પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા તબક્કામાં શહેરના બાકીના ૬ વોર્ડમાં ૬ પરીક્ષણ કેન્દ્રોની શરૂઆત કરી સ્થાનિક વિસ્તારમાં સઘન મેડિકલ સ્ક્રિનીંગ કરવામાં આવી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here