પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના અલવા તેમજ ગોધરા તાલુકાના ટીમ્બા ખાતે સેગ્રેગેશન શેડનું લોકાર્પણ કરાયું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત હાથ ધરાયેલી કામગીરી

જિલ્લાના કુલ ૧૨૬ ગામોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરાશે

પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકાના અલવા  અને ગોધરા તાલુકાના ટીમ્બા ગામ ખાતે આજે સ્વચ્છ ભારત મિશન  (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપન માટે સેગ્રેગેશન શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. પ્રાથમિક તબક્કે જિલ્લાનાં કુલ ૧૨૬ ગામોમાં ઘન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપનની કામગીરી હાથ ધરવાનું આયોજન છે, જેમાં શરૂઆતમાં દર મહિને જિલ્લાના ૮-૧૦ ગામોમાં આ પ્રકારના શેડ કાર્યરત કરવામાં આવશે. ટીમ્બા ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી વલય વૈધ અને  જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખશ્રી ગોપાલભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે તેમજ કાલોલના અલવા ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ ડીઆરડીએના જિલ્લા કો-ઓર્ડિનેટર શ્રી કમલ આચાર્ય સહિતના મહાનુભાવો દ્વારા આ શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.   આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી વલય વૈદ્યે જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોને દિન પ્રતિદિન વધતા જતા કચરાની સમસ્યાથી છૂટકારો અપાવતી તેમજ કચરામાંથી કમાણીની તકનું સર્જન કરતી આ પહેલ   સ્વચ્છતા ક્ષેત્રે ગેમ ચેન્જર સાબિત થઈ રહેશે. કચરાના એકત્રીકરણથી છૂટા પાડવા સુધીના તબક્કા વિશે રસપૂર્વક માહિતી લેતા આ કામગીરીમાં જોડાનારા સફાઈ કર્મચારીઓ સહિતના કર્મચારીઓને પોતાની સલામતી જળવાઈ રહે તે રીતે અસરકારક કામગીરી કઈ રીતે કરવી તે વિષયક તાલીમ આપવા તેમણે સૂચના આપી હતી. ગામ લોકો પણ આ અભિયાનમાં એટલા જ સક્રિય રીતે સામેલ થાય તે માટે પ્રયાસો કરવા પણ તેમણે જણાવ્યું હતું. ટીમ્બા ગામે આ શેડ અંતર્ગત 3 લાખથી વધુના ખર્ચે 9 જેટલા પાકા અને માટીના પિટ (ખાડા)નું તેમજ પ્લાસ્ટિક સંગ્રહ માટે એક ઓરડીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ડોર ટુ ડોર ક્લેકશન માટે એક પુશકાર્ટ, બે બાયસિકલ કાર્ટ તેમજ સૂકો-ભીનો કચરો અલગ-અલગ લેવા માટે ડસ્ટબિન્સ સહિતના સાધનો પણ ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવવામાં આવ્યા છે. સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામજનોએ આ યોજનાની શરૂઆત થતા આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ટીમ્બા ગામે તાલુકા પંચાયત સભ્ય શ્રી ગૌરવ ભાઈ પટેલ, સરપંચશ્રી સહિતના સ્થાનિક આગેવાનો તેમજ તલાટીશ્રી, સ્વચ્છ ભારત મિશનના બ્લોક કો-ઓર્ડિનેટરસુશ્રી માલવિકાબેન સિસોદીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

કઈ રીતે કામ કરે છે આ સેગ્રેગેશન શેડ ?

આ યોજના અંતર્ગત ઘન કચરા વ્યવસ્થાપનની કામગીરી માટે સેગ્રેગેશન શેડનું નિર્માણ કરવા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામ પંચાયતને આર્થિક સહાય આપવામાં આવે છે. શેડમાં સૂકા કચરા અને ભીના કચરા માટે પિટ (ખાડા) બનાવવામાં આવે છે. ગામના કચરાનું ડોર ટુ ડોર કલેકશન હાથ ધર્યા બાદ સૌથી મોટા એક ખાડામાં તેને સૂકાવા માટે રાખવામાં આવે છે. સુકાઈ ગયા બાદ બીજા ખાડામાં ટ્રાન્સફર કરી તેમાંથી પ્લાસ્ટિક અલગ કરવામાં આવે છે. કાચ સહિતનો નોન બાયોડિગ્રેડબલ કચરો પણ અલગ કરવામાં આવે છે. બાયોડિગ્રેડબલ કચરા માટે અલગ ખાડા કરવામાં આવ્યા છે. જ્યાં તેમાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવશે. પ્લાસ્ટિકનો કચરો તાલુકા સ્તરે નક્કી થયેલી એજન્સી દ્વારા ખરીદવામાં આવશે જેથી પંચાયતને આવક થશે. આ ઉપરાંત ઉત્પન્ન થતા વર્મી કંપોસ્ટ ખાતરનો ઉપયોગ પંચાયત નક્કી કરે તે પ્રમાણે સ્થાનિક ખેડૂતોને કે એજન્સીને વેચાણ કરવામાં આવશે. આ રીતે ગ્રામ્ય સ્તરે ઉત્પન્ન થતા કચરાથી સ્થાનિક જમીનને નુકસાન થતું અટકશે, કચરાથી પ્રદૂષણ ફેલાતું અટકશે, ખાતર મેળવી શકાશે તેમજ રોજગારી અને આવક ઉત્પન્ન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here