પંચમહાલ જિલ્લાના કાલોલ અને ગોધરા ખાતે સિટી સિવિક સેન્ટરનું મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઈ- લોકાર્પણ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કલેકટર સહિત જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સુવિધાઓના ‘વન સ્ટોપ સેન્ટર’ ને ખુલ્લા મુકાયા

જિલ્લાની બંને શહેરોની અંદાજે ૧.૨૦ લાખ વસ્તીને આ સેન્ટર થકી નિ:શુલ્ક લાભ મળશે

પંચમહાલ જિલ્લાના કાલોલ અને ગોધરા ખાતે આજરોજ બે સિટી સિવિક સેન્ટરને ખુલ્લા મુકાયા છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના પાલનપુર ખાતેથી રાજ્યના ૨૨ જેટલા સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કર્યા હતા,તેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ અને ગોધરા ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમાર અને જનપ્રતિનિધિઓશ્રી ફતેહસિંહ ચૌહાણ,સી.કે.રાઉલજી તથા વિવિધ પદાધિકારીઓ અને મહાનુભાવોની હાજરીમાં બંને સેન્ટરનું તકતી અનાવરણ કરીને ખુલ્લા મુકાયા હતા.નગરપાલિકાઓના સહયોગથી કાલોલ ખાતે ફાયર સ્ટેશનના પ્રથમ માળે જયારે ગોધરામાં જહુરપૂરા શાકમાર્કેટ પાસે આ બંને સેન્ટર કાર્યરત થયા છે.

આ તકે કાલોલ ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણે કાલોલ ખાતે આ સેન્ટરને ખુલ્લું મૂકીને કમ્યુનિટી હોલ ખાતે આયોજીત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, તાત્કાલિક મુખ્યમંત્રી અને વર્તમાન દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી સરકારશ્રી તરફથી મળતી તમામ યોજનાઓ ઑનલાઇન થઈ છે.સીટી સિવિક સેન્ટરનો લાભ અને સુવિધાઓ ઘર આંગણે મળી રહેશે તેમ કહીને સરકારશ્રીનો આભાર માન્યો હતો.

ગોધરાથી ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ જણાવ્યું હતું કે, દરેક જરૂરી વ્યક્તિને આ સેન્ટરનો લાભ મળી રહે તે જરૂરી બને છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓનું યોગ્ય અમલીકરણ થાય તેમ જણાવ્યું હતું.

કાલોલ ખાતે જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે, સરકારી કચેરીઓ અધ્યતન થાય,નાગરિકોને તમામ સુવિધાઓ મળી રહે તેવા હકારાત્મક અભિગમ સાથે આગળ વધવા જિલ્લા વહીવટી તંત્ર પણ કટિબદ્ધ છે.

આ તકે ઉપસ્થિત સૌકોઈએ બનાસકાંઠા જિલ્લાથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સિટી સિવિક સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ ખાતે શરુ થનાર નાગરિક સુવિધા કેન્દ્રથી બંને શહેરોની અંદાજે ૧ લાખ ૧૦ હજારથી વધુ વસ્તીને આનો સીધો લાભ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરી વિસ્તારોમાં, શહેરની વસ્તીની માંગને પહોંચી વળવા સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે. ગુજરાતમાં ૦૮ મહાનગરપાલિકાઓ અને ૧૫૭ નગરપાલિકાઓ છે. મહાનગરપાલિકાઓમાં શહેરીજનોની સુવિધા માટે સીટી સિવિક સેન્ટરની સુવિધાઓ ઉપલબ્ધ છે, પરંતુ નગરપાલિકાઓમાં પણ આવી સુવિધાઓની તાતી જરૂરિયાત હતી. શહેરીકરણમાં ઝડપી વૃદ્ધિને કારણે નગરના રહેવાસીઓની સુવિધા માટે તથા શહેરોની ઉભી થયેલી માંગને પહોંચી વળવા માટે નગરપાલિકા વિસ્તારોમાં ‘સિટી સિવિક સેન્ટર’ની સ્થાપના કરાઈ છે.

આ સેન્ટરો ખાતે મિલકત વેરો, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા નોંધણી, લગ્ન નોંધણી, જન્મ/મરણ પ્રમાણપત્ર, પાણી/ ગટર જોડાણની અરજી, હોલ બુકિંગ, ફરિયાદ નોંધણી, બાંધકામની રજાચિઠ્ઠી, ફાયર એન.ઓ.સી. અરજી, સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમ ફી જેવી નગરપાલિકાઓ દ્વારા આપવામાં આવતી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિરાકરણમાં ન્યૂનતમ સમય જાય તે સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો ધ્યેય છે.

આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં વધુ ૬૬ નગરપાલિકાઓમાં રૂ. ૩૩.૦૦ કરોડના ખર્ચે સીટી સિવિક બનાવવામાં આવનાર છે.

જિલ્લામાં આયોજીત આ કાર્યક્રમમાં કાલોલ નગરપાલીકા ચીફ ઓફિસરશ્રી ડી.સી.પટેલ,ગોધરા નગરપાલીકા ચીફ ઓફિસરશ્રી આર.એચ.પટેલ,બંને નગરપાલિકાના પ્રમુખશ્રી/ ઉપપ્રમુખશ્રી તથા સભ્યશ્રીઓ,જિલ્લા અગ્રણી અશ્વિનભાઈ પટેલ, મામલતદારશ્રીઓ,તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here