પંચમહાલ જિલ્લાનાં બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે અગત્યનુ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આઈ-ખેડૂત પોર્ટલ પુનઃ એકવાર અરજી કરવા માટે ખુલ્લુ મૂકાયું

બાગાયતી ખેડૂતો સહિતના લાભાર્થીઓ વિવિધ ઘટકોમાં લાભ મેળવવા અરજી કરી શકશે

વૈશ્વિક મહામારીની પરિસ્થિતિમાં રાજયનાં બાગાયતી ખેતી કરતા ખેડૂતો વર્ષ 2021-22 માટે બાગાયતી ખાતાની વિવિધ યોજનાઓનાં લાભોથી વંચિત ન રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ફરીવાર આઇ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં પણ સામાન્ય જાતિના ખેડુતો અને ઓબીસી ખેડુતો માટે આઇ-ખેડૂત પોર્ટલ તા.૦૧/૧૧/૨૦૨૧ થી ૧૫/૦૧/૨૦૨૧ સુધી ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન કાચા મંડપ, પાકા મંડપ, મસાલા પાકો, છુટા ફુલ, મીની ટ્રેક્ટર(૨૦પીટીઓ સુધી), પાવર નેપસેપ સ્પ્રેયર (૧૨-૧૬લી), શાકભાજી પાકોમાં હાઇબ્રીડ બિયારણ વગેરે જેવા ઘટકોમાં સબસીડીનો લાભ મેળવવા માટે અરજી કરી શકાશે. આ ઉપરાંત એસ.સી. અને એસ.ટી ખેડુતો માટે તા.૧૬/૧૧/૨૦૨૧ થી ૩૦/૧૧/૨૦૨૧ સુધી પોર્ટલ અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ સમયગાળા દરમિયાન મસાલા પાકો, છુટા ફુલ, મીની ટ્રેક્ટર(૨૦પીટીઓ સુધી), શાકભાજી પાકોમાં હાઇબ્રીડ બિયારણ, ટુલ્સ ઇક્વિપમેન્ટ અને સોર્ટિંગ ગ્રેડિંગના સાધનો (વજન કાંટો, તાડપત્રી, પ્લાસ્ટિક કેરેટ) વગેરે જેવા ઘટકોમાં સબસીડીનો લાભ મેળવવા માટે અરજી કરી શકાશે. વધુમાં જણાવવાનુ કે તા. ૩૦/૧૧/૨૦૨૧ સુધી ફળ/શાકભાજી/ફુલ વગેરેનું છુટક વેચાણ કરતા ફેરિયાઓ વિનામુલ્યે છત્રી વિતરણ માટે પોર્ટલ પર અરજી કરી શકાશે. અરજકર્તા ખેડુત મિત્રોને જણાવવાનુ કે આઈ-ખેડૂત પોર્ટલ દ્વારા ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી સાધનિક કાગળો નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નં ૯-૧૨, બીજો માળ, જિલ્લા સેવા સદન-૨, કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ, ગોધરા ટેલિફોન નં. ૦૨૬૭૨-૨૪૦૦૩૯ ખાતે સમયમર્યાદામાં રજુ કરવાના રહેશે. જેની પંચમહાલ જિલ્લાના સર્વે બાગાયતી ખેડુતમિત્રોને નોંધ લેવા નાયબ બાગાયત નિયામક-ગોધરા પંચમહાલની એક અખબારી યાદીમા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here