નર્મદા જીલ્લામાં ગ્રામ વિકાસ અંતર્ગતની વિવિધ યોજનાઓ હેઠળ ૧૫ મા નાણાં પંચ હેઠળ ૨૦૨૫ સુધીમાં અંદાજે રૂા.૪ હજાર કરોડની ગ્રાન્ટ ઉપલબ્ધ કરાશે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

ચાલુ વર્ષે રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને રૂા. ૨૨૦૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી : લગભગ ૩૪ હજાર જેટલા વિકાસ કામો પૂર્ણ- સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી મનીષાબેન વકીલ

નર્મદા જીલ્લા ની સમરસ પાંચ ગ્રામ પંચાયતોને રૂા.૩ લાખ લેખે કુલ રૂા.૧૫ લાખના ચેકોનું વિતરણ : PMAY યોજના અંતર્ગત અંદાજે રૂા.૨૧૩.૬ લાખના ખર્ચે ૧૭૮ લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ : ૫૪ સખી મંડળોને રૂા.૫.૯૧ લાખના રીવોલ્વીંગ ફંડ અને ૧૦ ગ્રામ સંગઠનોને રૂા.૫૮.૮૦ લાખના કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકોનું વિતરણ

રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ધ્વારા સુશાસન સપ્તાહ ઉજવણીના અંતિમ ચરણમાં યોજાયો જિલ્લાકક્ષાનો સમાપન કાર્યક્રમ

રાજ્ય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે હાથ ધરાયેલ રાજ્યવ્યાપી “સુશાસન સપ્તાહની ઉજવણી” ના ભાગરૂપે આજે અંતિમ ચરણમાં સાતમાં દિવસે મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારીતાના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિ અધ્યક્ષ શ્રીમતી મમતાબેન તડવી, આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલાંબરીબેન પરમાર, મહિલા-બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શ્રધ્ધાબેન બારીયા અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી શાંતાબેન વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી રશ્મિકાબેન વસાવા, મહિલા અને બાળ સંરક્ષણ આયોગના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી ભારતીબેન તડવી, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોર સહિત અન્ય પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓની ઉપસ્થિતિમાં ડૉ.બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ધ્વારા આયોજિત ખાતમુહૂર્ત/લોકાર્પણ અને સહાય વિતરણના જિલ્લાકક્ષાના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મૂકાયો હતો.
મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સુશાસન સપ્તાહ થકી આ સાત દિવસોમાં દરેક વિભાગને સાંકળી અલગ અલગ દિવસોમાં વિવિધ યોજનાઓના મહત્તમ લાભો લોકોને આપ્યાં છે. વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થકી વિકાસનો નવો રાહ ચિંધ્યોં છે. નર્મદા જિલ્લામાં પણ વિકાસના કામો હાલ ખૂબ ચાલી રહ્યાં છે, ત્યારે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી દેશ અને દુનિયામાં આ જિલ્લાનું નામ અંકિત કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી આસપાસના આદિવાસી લોકો માટે રોજગારીની વિપુલ તકો ઉભી થઇ છે. કેવડીયામાં આદિવાસી બહેનો ગાઇડ અને રેડીયો જોકી બનીને હિન્દી, સંસ્કૃત, ઇગ્લીશ ભાષામાં વાત કરી સરદાર વલ્લભભાઇ પટેલનું જીવનનું વર્ણન કરે છે. ગામડામાંથી શહેર તરફ ગયેલા લોકો પાછા ગામ તરફ વળે તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

મનિષાબેન વકીલે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામ વિકાસ અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ ૧૫ માં નાણાં પંચ હેઠળ ૨૦૨૫ સુધી અંદાજે રૂા.૪ હજાર કરોડની ગ્રાન્ટ ઉપલબ્ધ કરાશે. ચાલુ વર્ષે રૂા.૨૨૦૦ કરોડની ગ્રાન્ટની રાજ્યની તમામ ગ્રામ પંચાયતોને ફાળવણી કરાઇ છે. તદઉપરાંત ૩૪ હજાર જેટલા વિકાસ કામો પણ પૂર્ણ થયા છે. આદિવાસી વિસ્તારમાં દરેક દિકરીઓ માતા-બહેનોની ચિંતા કરી કોઇ બાળક કૃપોષિત ન રહે તે માટે ખાસ ધ્યાન આપી બહેનોનો પણ પૂર્ણ વિકાસ થાય તે માટે લોકભાગીદારીથી ગામડાંઓમાં વિકાસના અનેકવિધ કામો કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. ગત સપ્તાહે ગુડગવર્નન્સનો એવોર્ડ ગુજરાતને મળ્યો છે. ગુજરાતની ૧૪ હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં ઇ-ગ્રામ સુવિધા ઉપલબ્ધ છે, જેનો મહત્તમ લાભ લેવાની તેમણે હિમાયત કરી હતી.

જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ જણાવ્યું હતું કે, સુશાસન સપ્તાહ ઉજવણી દરમિયાન રાજ્ય સરકાર ધ્વારા પ્રજાકીય સુખાકારીના અનેકવિધ કાર્યક્રમો થકી જરૂરીયાતમંદોને જરૂરી લાભો પુરા પાડ્યા છે. આગામી ૨૦૨૨ સુધીમાં દરેકને પાકુ ઘર મળે તે માટે વડાપ્રધાનશ્રીના આહવાનની પરિપૂર્તિ માટે સરકાર કટિબધ્ધ છે, ત્યારે જરૂરિયાતમંદ લોકોને આવાસ યોજનાનો લાભ લેવાની તેમણે ખાસ હિમાયત કરી હતી. મહિલા સશક્તિકરણની દિશામાં રાજ્યમાં થયેલી કામગીરીની પણ તેમણે જાણકારી આપી હતી.
આ પ્રસંગે ગુજરાત બાળ સંરક્ષણ આયોગના પૂર્વ અધ્યક્ષ શ્રીમતી ભારતીબેન તડવીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
મંત્રી શ્રીમતી મનિષાબેન વકીલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા સહિતના અન્ય મહાનુભાવોના હસ્તે રાજ્ય સરકાર ધ્વારા સમરસ યોજના હેઠળ નર્મદા જિલ્લાની સમરસ થયેલી પાંચ ગ્રામ પંચાયતોને રૂા.૩ લાખ લેખે કુલ રૂા.૧૫ લાખના ચેકોનું વિતરણ, PMAY યોજના અંતર્ગત અંદાજે રૂા.૨૧૩.૬ લાખના ખર્ચે ૧૭૮ લાભાર્થીઓના આવાસોનું લોકાર્પણ, NRLM યોજનામાં જિલ્લાના ૫૪ સખી મંડળોને રૂા.૫.૯૧ લાખ ના રીવોલ્વીંગ ફંડ અને જિલ્લાના ૧૦ ગ્રામ સંગઠનોને રૂા.૫૮.૮૦ લાખ ના કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડના ચેકોનું વિતરણ કરાયું હતું.
સુશાસન સપ્તાહ ઉજવણીના રાજ્યકક્ષાના યોજાયેલ સમાપન કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સહુ કોઇએ નિહાળ્યું હતું. આ પ્રસંગે “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ને લગતી ફિલ્મનું નિદર્શન પણ કરાયું હતું.
પ્રારંભમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એલ.એમ.ડિંડોરે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેજસ ચૌધરીએ આભારદર્શન કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here