મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માનાં અધ્યક્ષસ્થાને વન વિભાગ સહિતનાં વિભાગોની સમીક્ષા બેઠક યોજાઈ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રાજ્યકક્ષાનાં મંત્રીશ્રી કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉદ્યોગ, વન પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી (રાજ્યકક્ષા)મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ આજે પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન ગોધરા ખાતે ઉદ્યોગ અને વન વિભાગ સહિતના વિભાગોની કામગીરીની વિગતો મેળવતા સમીક્ષા હાથ ધરી હતી. પંચમહાલ ડેરી, ગોધરા ખાતે યોજાયેલ આ સમીક્ષા બેઠકમાં વિધાનસભાનાં ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડ, ગોધરાનાં ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લામાં વનનો વિસ્તાર, વન પેદાશો, વનવાસીઓની આર્થિક પ્રવૃતિઓ, સામાજિક વનીકરણ વિભાગ હેઠળ કરવામાં આવતી કામગીરી સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રીએ મેળવી હતી. તેમણે નિલગીરી અને મહુડાના વૃક્ષો વધુ પ્રમાણમાં વાવવામાં છે ત્યારે નીલગીરીનું તેલ, મહુડામાંથી કેન્ડી સહિતની અન્ય મૂલ્યવર્ધક વસ્તુઓ બનાવવાનાં એકમ શરૂ કરવા અંગે વિવિધ શક્યતાઓ ચકાસતા રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી હતી. જિલ્લાનાં વન વિસ્તારનાં સંવર્ધન, તેમાં આવેલી ટુરિઝમ સાઈટોનાં સ્થિતિ અને વિકાસ, સમસ્યાઓ બાબતમાં જાણકારી મેળવતા તેમણે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા. બેઠકમાં ડીએફઓશ્રી એમ. મીણા, ડિસીએફ (સામાજિક વનીકરણ)શ્રી ઋષિરાજ પુવાર, જિલ્લા ઉદ્યોગ મેનેજર સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here