નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના વરવાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

તિલકવાડા, (નર્મદા) આશિક પઠાણ :-

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌએ શપથ લીધા હતા : વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ-પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા

તિલકવાડા તાલુકાના વરવાડાગામે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામલોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સૌએ સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ૧૭ જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી આપતી ફિલ્મ નિદર્શન થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી સરકારની ૧૭ જેટલી લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારી છેવાડાના વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો કરી દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં આગળ આવવા સૌ નાગરિકોને હાકલ કરી હતી. સરકાર ની યોજનાનો લાભ જન જન સુધી પહોંચે તેની જાણકારી આપવા માટે આ યાત્રા ગામે ગામ ફરી રહી છે. દેશના સૌ નાગરિકોની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયાસો થકી આ યાત્રાના માધ્યમથી સરકાર લોકોના આંગણે આવી યોજનાઓની જાણકારી આપી લાભાન્વિત કરી રહી છે.

વધુમાં ધારાસભ્ય એ જણાવ્યુ હતું કે ગામડામાં રહેતા લોકો શિક્ષણ અને આરોગ્યની સુવિધાથી સંપન્ન થાય, ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી પોતાની આવક બમણી કરી શકે અને સમાજનું ઉત્થાન થાય તોજ દેશનો વિકાસ કરી શકાય જેથી તે દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ખેડૂતોને અત્યાધુનિક ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી નેનો યુરિયાનો છંટકાવ કરવા માટે સરકાર મદદરૂપ થઈ રહી છે. ત્યારે આપણે પણ સરકારની યોજનાઓની જાણકારી ગામલોકોને આપી લાભ લેવા તેમને પ્રેરિત કરી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં દેશના નાગરિક તરીકેની ભૂમિકા ભજવી દેશને દુનિયાની મહાસત્તાના સ્થાને લઈ જવામાં સહયોગી બનવા સૌને અપીલ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે “મેરી કહાની, મેરી જુબાની” અંતર્ગત વિવિધ યોજનાના વ્યક્તિગત લાભાર્થીઓએ યોજનાકીય લાભોથી તેમના જીવનમાં આવેલા આમુલ પરિવર્તનની કહાની ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરી બાકી રહી ગયેલા લોકોને યોજનાનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરપંચશ્રીને અભિલેખા પત્ર એનાયત કર્યું હતું. ઉપરાંત, વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું.

ગામનની શાળાના બાળકોએ ધરતી કરે પુકાર અંતર્ગત પ્રાકૃતિક ખેતીને અપનાવવા અને ધરતીને વિવિધ રસાયણોથી થતા નુકસાનને દૂર કરવા અંગે નુકકડ નાટક થકી પ્રેરક સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમમાં સરકારશ્રીના વિવિધ વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાયા હતા. આંગણવાડી વર્કર બહેનોએ મિલેટમાંથી તૈયાર કરેલી વાનગીઓ તેમજ મિલેટ ધાન્યનું સ્ટોલ નિદર્શન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આરોગ્ય કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી, તિલકવાડા તાલુકા પંચાયતના સભ્ય મહેશભાઈ પરમાર અને શ્રીમતી ગીતાબેન બારિયા, જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી, ગામના સરપંચ શ્રીમતી કંકુબેન વસાવા, અગ્રણી સર્વ જયેન્દ્રભાઈ પ્રજાપતિ, બાલુભાઇ બારિયા, તિલકવાડ તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવા, નાયબ, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ વસાવા, જિલ્લા ક્વોલિટી એશ્યોરનન અધિકારી ડૉ. સમતેશ્વર ચૌધરી સહિત અન્ય મહાનુભાવો, અધિકારીઓ, સંબંધિત વિભાગના કર્મીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here