નર્મદા જિલ્લાના તિલકવાડાના બુંજેઠા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી

તિલકવાડા, (નર્મદા) આશિક પઠાણ :-

ગ્રામજનોને વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાની સાથે ઘર આંગણે જ લાભો અપાયા

વિવિધ સ્ટોલ્સ નિદર્શન થકી યોજનાઓની જાણકારી-નવા લાભાર્થીઓની નોંધણી કરાઈ : ગ્રામજનોએ “વિકસિત ભારત” ના શપથ લીધા

નર્મદા જિલ્લામાં ૧૫ મી નવેમ્બરથી ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આજરોજ તિલકવાડા તાલુકાના બુંજેઠા ગ્રામ પંચાયત ખાતે સંકલ્પ રથ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ગામના અગ્રણીશ્રીઓ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથનું સ્વાગત કર્યું હતું. આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અગ્રણીશ્રી બાલુભાઈ બારીયાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજના સહિત વિકસિત સંકલ્પ યાત્રામાં ૧૭ જેટલી યોજનાઓ અમલમાં મુકાઇ છે, જે અંગે વિસ્તૃતમાં માહિતી આપીને તેની મહત્વતા અંગે સમજણ પૂરી પાડી હતી.

ગામના અગ્રણીશ્રી વિક્રમભાઈ તડવીએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ જણાવતા કહ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૧૭ જેટલી યોજનાઓ અમલમાં મૂકી છે. જેને છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયત્નો થઇ રહ્યાં છે, ત્યારે આ યોજનાઓનો લાભ લેવા તમામ નાગરિકોને જણાવ્યું હતું. નર્મદા વહીવટી તંત્ર દ્વારા યાત્રામાં સરાહનીય કામગીરી આવી રહી છે. જે ખૂબ જ પ્રસંશનીય છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે સંકલ્પ યાત્રા રથનું બુંજેઠા શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવાની સાથે ઉપસ્થિત સૌએ વિકસિત ભારતની પ્રતિજ્ઞા લીધી હતી. તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓથી લાભાન્વિત થયેલા લાભાર્થીઓના પ્રતિભાવોની શોર્ટ ફિલ્મ નિહાળી હતી.

‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં. ઉપરાંત પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા પ્રાકૃત્તિક ખેતી અપનાવવા સંદેશ આપતું ‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજુ કર્યું હતું.

આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. સાથે પશુપાલન, આરોગ્ય, ખેતીવાડી, અન્ન નાગરિક પુરવઠા અને ICDS વિભાગ દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા જેનું મહેમાનો સહિત ગ્રામજનોએ સ્ટોલનું નિદર્શન કર્યું હતું. આ સ્ટોલ્સ થકી નાગરિકોને વિવિધ યોજનાઓની જાણકારી આપવાની સાથે નવા લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી.

આ તકે ગામના સરપંચ શ્રીમતી કુંતાબેન તડવી, ગામના અગ્રણીશ્રીઓ, ખેતીવાડી અધિકારીશ્રી વિનોદ પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી અતુલભાઈ રાઠવા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here