નર્મદા જીલ્લાના ઝરવાણી ગામે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” નો સમાપન કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરૂડેશ્વર તાલુકાના ૪૬ ગામોના રૂા.૮૦૬ કરોડના ખર્ચે થનાર ૧૯૯ જેટલા વિકાસ કામોનું ઇ-ખાતમુહુર્ત કરતા ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ

નર્મદા જિલ્લાના પ્રકૃતિના ખોળે વસેલું ઝરવાણી ગ્રામ પંચાયત ખાતે નાંદોદ ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ રથ યાત્રા’ નો તાલુકા કક્ષાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત રીતે સંકલ્પ રથ યાત્રા સહિત મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ડો. દેશમુખે ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી, ગ્રામજનોને ઘરબેઠા લાભ લેવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સંકલ્પ યાત્રા થકી મુખ્યત્વે આદિવાસી સમાજના ધ્યાને રાખીને એમનું જીવન ધોરણ ઉંચુ લાવવાના પ્રયાસો કરાયા છે અને પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા માટે કેન્દ્ર અને રાજય સરકારની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનો મહત્તમ લાભ લેવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. વિવિધ યોજનાઓની મહત્વતા સમજાવતા કહ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધી સિકલસેલથી લઈને અનેક રોગની વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. જેનો લાભ લેવો જોઈએ.

દુધધારા ડેરી-ભરૂચ તેમજ ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે, ગરુડેશ્વર તાલુકાનાં ૩૮ જેટલી ગ્રામ પંચાયતમાં રથ યાત્રા ફરી છે. જેના થકી ૧૭ જેટલી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે અને લોકોને લાભાન્વિત કર્યા છે.

આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે ગરૂડેશ્વર તાલુકાના ૪૬ ગામોના રૂા.૮૦૬ કરોડના ખર્ચે થનાર ૧૯૯ જેટલા વિકાસ કામોનું ઇ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

ધારાસભ્ય ના હસ્તે ગામના સરપંચ સોમાભાઇ વસાવાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે ગામના વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરાયા હતાં. સાથે ઝરવાણી શાળાના શ્રેષ્ઠ વિધાર્થીઓનું સન્માન અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતાં.

આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ આપવામાં આવી હતી. તેમજ પશુપાલન, આરોગ્ય, ખેતીવાડી, અન્ન નાગરિક પુરવઠા અને ICDS વિભાગ દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા. કાર્યક્રામના અંતે મહાનુભાવો સહિત ગ્રામજનોએ ડ્રોનનું ડેમોસ્ટ્રેશન નિહાળ્યુ હતું.

ગરુડેશ્વર તાલુકામાં આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાની પૂર્ણાહુતીમાં તાલુકા પંચાયત પ્રમુખશ માંગતાભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ વસાવા, અગ્રણી વિક્રમભાઇ તડવી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ ઝરમાબેન, ગામના સરપંચ સોમભાઈ વસાવા, ડી.આર.ડી.એ. નિયામક જે. કે.જાદવ, મામલતદાર મનીષભાઈ ભોય, તાલુકા વિકાસ અધિકારી ભાવેશભાઇ વસાવા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, શાળાના બાળકો, શિક્ષકો, ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here