નર્મદા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આયુર્વેદ સાથે જોડાયેલી ચિકિત્સા પદ્ધતિઓને જિલ્લામાં વેગવાન બનાવવા ગ્રામીણ વિસ્તારોને મહત્વ આપવા ઉપર ખાસ ભાર મૂકતા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

નર્મદા જિલ્લામાં કાર્યરત ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીની બેઠક નર્મદા જીલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નેશનલ આયુષ મિશન અંતર્ગત નર્મદા જિલ્લામાં ડિસ્ટ્રીકટ આયુષ સોસાયટીની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલા ૧૬ જેટલા આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ચાલતી કામગીરી તેમજ જિલ્લા પંચાયતની આયુષ શાખા દ્વારા આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ના વાર્ષિક આયોજન અંગે જિલ્લા આયુષ અધિકારી શ્રીમતી ડો. નેહા પરમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતવાર માહિતી પુરી પાડી હતી.

જિલ્લા આયુષ વિભાગ દ્વારા હાલ જિલ્લામાં થઈ રહેલી કામગીરીનું અવલોકન કરી નર્મદા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ આયુર્વેદ સાથે જોડાયેલી ચિકિત્સા પદ્ધતિઓને જિલ્લામાં વેગવાન બનાવવા ગ્રામિણ વિસ્તારોને મહત્વ આપવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. સાથોસાથ જિલ્લાના વૈશ્વિક પ્રવાસન સ્થળ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવતા હોય આયુર્વેદને પ્રોત્સાહિત કરતા એકમને વધુ સક્રિયતાથી આગળ ધપાવવા અને રાજપીપળાની ફાર્મસી જે રાજ્યભરમાં વિવિધ આયુર્વેદિક દવાઓ પુરી પાડવામાં આગ્રેસર છે તેને વધુ સઘન બનાવવાની દિશામાં કાર્ય કરવા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ નર્મદા જિલ્લો બાહુલ આદિવાસી વસ્તી ધરાવતો હોય સ્થાનિક લોકો આયુર્વેદને પણ પ્રાધાન્ય આપતા હોય છે ત્યારે જિલ્લામાં આયુર્વેદને વધુમાં વધુ કેવી રીતે વિસ્તારી શકાય તે અંગે જરૂરી સૂચનો કર્યાં હતાં.

આ બેઠકમાં ડિસ્ટ્રીક્ટ આયુષ સોસાયટીની ગવર્નિંગ બોડીના સભ્યો, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ આયુષ વિભાગના તબીબો અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here