નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામા રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જન પ્રતિનિધિઓના પ્રશ્નોનો સરળતાથી, ઝડપી અને હકારાત્મક નિકાલ થાય, નાગરિકો માટેની સરકારની વિવિધ યોજનાઓનો સુચારૂ અમલ થાય તે સુનિશ્ચત કરવા અધિકારીઓને કલેકટર ની તાકિદ

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આજે તા.૧૫મી જુલાઈ,૨૦૨૩ના રોજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાના નાગરિકોના જનહિતના વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમાનુસાર અને નિયત સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને જિલ્લા કલેક્ટરશ્રીએ તાકિદ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, સરકાર ની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા. વધુમાં વિભાગીય અધિકારીઓને સીએમ ડેશબોર્ડની કામગીરી, નાગરિકોના પીવાના પાણીની બાબતો, જિલ્લામાં અંતરિયાળ વિસ્તારોને માળખાકીય સુવિધા અને મોબાઈલ કનેક્ટિવિટીથી જોડવા, આશ્રમશાળાના બાળકો માટેના મકાનની સુવિધા, ગામોને મુખ્ય રસ્તા સાથે જોડતા આંતરિક રસ્તા ગામોને જોડતા રસ્તાને અગ્રીમતા આપી લોકો તરફથી મળતા જનહિતના પ્રશ્નોનો સમયમર્યાદામાં સંવેદના સાથે નિકાલ કરવા પણ સૂચના આપી હતી. સાથોસથ કચેરીઓમાં પડતર કેસોનો નિકાલ, ખાનગી અહેવાલ, પેન્શન કેસ જેવી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

આ બેઠક દરમિયાન જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા ૭૪મા વન મહોત્સવની ઉજવણી અને તેના આયોજન અંગે પણ નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ(સામાજિક વનિકરણ) દ્વારા વિસતૃતમાં જાણકારી આપી હતી. આ ઉજવણી દરમિયાન નક્કી કરવામાં આવેલા ૨૪ લાખ રોપા રોપવાના લક્ષ્યાંક સામે તેને હાંસલ કરવાની પૂર્વ તૈયારી, જિલ્લામાં આવેલી નર્સરીમાંથી રોપા વિતરણ વ્યવસ્થા અને વૃક્ષ ઉછેર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શાળા કોલેજો, આંગણવાડી, સરકારી કચેરીઓ, પડતર જગ્યામાં જગ્યામાં વૃક્ષારોપણ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરશ્રીએ કરજણ કોલોની ખાતેની જગ્યામાં વિવિધ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળી અને વૃક્ષ ઉછેર અને જેટલા વૃક્ષો વાવવામાં આવે છે તેના રખરખાવ-ઉછેર પર વિશેષ ભાર મૂક્યો હતો. અને શાળાના બાળકોને પણ રોપાનું વિતરણ કરી તેઓ પોતાના ઘરની આસપાસ તેમજ ખુલ્લી જગ્યામાં જ્યાં પણ હોય ત્યાં વૃક્ષારોપણ કરવા બેઠકમાં નિર્ણય કરાયો હતો. સાથે સાથે અમૃત સરોવની આસપાસ વૃક્ષારોપણ અને ગ્રામપંચાયતો દ્વારા વધુમાં વધુ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થાય તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના વન મહોત્સવની જગ્યા નક્કી કરી સુંદર રીતે વૃક્ષ ઉછેરી જિલ્લાના જંગલમાં વધુ હરિયાળી આવે અને પર્યાવરણની જાળવણી સાચવણી પર ખાસ ભાર મૂકાયો હતો.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર(ડી.આઈ.સી.) દ્વારા સિંગલ વિન્ડો સીસ્ટમમાં જે કંઈ અરજીઓ આવે તેનો ઝડપી નિકાલ કરવા તથા જમીનને લગતી બાબતો અંગે મહેસુલ વિભાગના સંકલનમાં રહીને યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું.

સંકલન સમિતિની બેઠક બાદ કાયદો વ્યવસ્થા, રોડ સેફ્ટી અંગેની પણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. જેમાં માર્ગ મકાન વિભાગ અને નેશનલ હાઈવે પર ચોમાસાની ઋતુમાં રસ્તા પરના ખાડા પૂરવા, રોડની મરામત, તથા રોડ ઉપર સાઈન બોર્ડ અંગે જરૂરી પગલાં ભરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. નગર પાલિકા વિસ્તારમાં ઓવર લોડિંગ વાહનોના પ્રવેશ નિષેધ, શહેરના મુખ્ય માર્ગો ઉપરથી રખડતા પશુ નિયંત્રણ અને અટકાયતી બાબતો અંગે ચર્ચા કરી નાગરિકો અને વાહન ચાલકોને થતી અડચણો દૂર કરવા સહિત ટ્રાફિક નિયમન બાબતે આગોતરી તકેદારી અને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે-સ્ટેટ હાઈવે પર ભયજન વૃક્ષોનું યોગ્ય ટ્રિમિંગ, રોડ ડાયવર્ઝન સહિતની બાબતોને ધ્યાને લઈ અકસ્માત સમયે ત્વરિત રિસ્પોન્શ આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થાની બેઠકમાં હથિયાર પરવાના અંગેના પેન્ડીંગ તથા રિન્યુઅલ કેસો, કોર્ટ કેસો, અશાંત ધારો, પાસા, તડીપાર જેવા કેસો પેન્ડીંગ ન રહે તે બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં નકર પાલિકા વોર્ડની પેટા ચૂંટણીમાં પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે ચર્ચા કરાઈ હતી. સાથે ચોમાસાની ઋતુમાં ઝરવાણી અને નિનાઈ ધોધ ખાતે પ્રવાસીઓ ઊંડા પાણીમાં ન ઊતરે તે માટે સાંકળ અને સાઈનબોર્ડ લગાવવા, સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા પોલીસ અને વન વિભાગ દ્વારા થાય તે અંગે પણ બેઠકમાં ચર્ચા કરી સંબંધિત અધિકારીઓ દ્વારા સુઝાવ અને આગોતરી જાણકારી અંગે માહિતગાર કરવા લોકોને સાવધાની સલામતી અંગે દિશા નિર્દેશ કરતા બોર્ડ મૂકવા જણાવાયું હતું.
નર્મદાજિલ્લામાં બે સૂચિત પશુ દવાખાનાઓને(મોબાઈલ વાન) મંજૂરી મળી છે જેને દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ચોપડવાવ અને દેડિયાપાડાના કોકમ રૂટ અથવા ગોપાલિયા રૂટ પરના ૧૦ ગામો વચ્ચે એક ક્લસ્ટર પસંદ કરીને શરૂ કરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નીરજકુમાર અને મિતેશ પટેલ, પ્રાયોજના વહીવટદાર હનુલ ચૌધરી, સુશ્રી પ્રતિભા દહિયા(IAS- પ્રોબેશનર), નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી અને આનંદ ઉકાણી, નાયબ કલેક્ટર સુશ્રી જીજ્ઞા દલાલ, સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here