નર્મદા જિલ્લાના નાગરિકોની આરોગ્ય સુવિધામાં વધુ એક ઉમેરો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

અર્બન હેલ્થ સેન્ટર સહ પોલીક્લિનિક જુની સીવીલ હોસ્પિટલ-રાજપીપળા ખાતે દર મહિનાના બીજા અને ચોથા ગુરૂવારે વિનામુલ્યે નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને સાથે રાખીને યોજાનારા કેમ્પમાં હાડકાના રોગોના અને હદય રોગના નિષ્ણાંત તબીબો સેવા પુરી પાડશે

નર્મદા જિલ્લાને ભારત સરકારના નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ જિલ્લા તરીકે જાહેર કરવામાં આવેલ છે. જિલ્લામાં સૌથી વધુ આદિવાસી વસ્તી હોય કેટલાંક અંતરીયાળ વિસ્તારના ગામો આવેલા છે. જિલ્લાના નાગરિકોને આરોગ્ય લક્ષીની ગુણવત્તા યુક્ત સેવાઓ મળી રહે તેમાટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વધુ એક નવી પહેલ કરવામાં આવી રહી છે.

આયુષ્માન ભારત, પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના(PMJAY) અંતર્ગત નર્મદા જિલ્લાની જનતાના આરોગ્ય સુખાકારીમાં વધારો થાય અને જિલ્લાના નાગરિકોને વિવિધ રોગોના સ્પેશિયાલિસ્ટ તજજ્ઞ તબીબોની સેવાઓ મળી રહે તે માટે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વડોદરાની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને સાથે રાખીને વિનામુલ્યે નિદાન અને સારવાર કેમ્પ રાજપીપલાના આંગણે દર મહિનાના બીજા અને ચોથા ગુરૂવારે અર્બન હેલ્થ સેન્ટર સહ પોલીક્લિનિક જુની સિવિલ હોસ્પિટલ-રાજપીપળા ખાતે સવારે ૧૦.૦૦ થી બપોરના ૧.૦૦ કલાક સુધી આયોજિત કરવામાં આવનાર છે. આ કેમ્પમાં ખાસ કરીને હાડકાના રોગોના નિષ્ણાંત (સાંધાના સ્પેશીયાલીસ્ટ) અને હદય રોગના નિષ્ણાંત તબીબો ઉપસ્થિત રહી સેવા આપશે.

આ કેમ્પમાં વિના મુલ્યે આરોગ્ય માર્ગદર્શન, તપાસ, લેબોરેટરી અને સારવાર સેવાઓ પુરી પાડવામાં આવશે. જો કોઈ દર્દીને ઓપરેશનની જરૂરિયાત જણાયતો PMJAY કાર્ડ ધારકોને વિનામૂલ્યો ઓપરેશન કરી આપવામાં આવશે. જેથી આ કેમ્પનો નર્મદા જિલ્લાના નાગરિકો વધુમાં વધુ લાભ લે તેવી નર્મદા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ કેમ્પનો પ્રારંભ આગામી તા.૧૦/૦૮/૨૦૨૩ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે અર્બન હેલ્થ સેન્ટર સહ પોલીક્લિનિક જુની સીવીલ હોસ્પિટલ રાજપીપળા ખાતેથી કરવામાં આવનાર હોવાનું મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી એ જણાવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here