ધોરાજી ખાતે આયોજિત “વિશ્વાસથી વિકાસ યાત્રા”માં ૧.૭૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, ૭૧.૪૮ લાખના ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા

ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-

ગુજરાતનાં છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાકીય લાભો પહોંચાડવા માટે ડબલ એન્જિન સરકાર કટિબદ્ધ  – શ્રી જયેશભાઈ રાદડિયા

ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લામાં સામાજિક અને આર્થિક પ્રગતિ ઉજાગર કરવા વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લાના પ્રાંત કક્ષાના કાર્યક્રમનું આયોજન ધોરાજી, ઉપલેટા, જામકંડોરણાના સંયુકત ઉપક્રમે ધોરાજીના નગરપાલિકા હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પહોંચાડીને તમામ લોકોનો સર્વાંગી વિકાસ કરવા માટે ડબલ એન્જિન સરકાર કટિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. જુદા જુદા વિભાગો દ્વારા મંજુર થયેલા ગ્રામ્ય-શહેરી વિકાસના કાર્યોની કામગીરી વહેલી તકે શરૂ થાય તે માટે સુચારૂ આયોજન અને જરૂરી કાર્યવાહી ઝડપભેર થઈ શકે તેવા પ્રયત્નો કરવા અધિકારીઓને તેમણે આહવાન કર્યું હતું વિકાસ ઉત્સવના આ પ્રસંગે ઉપલેટા તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ ચંદ્રાવાડિયાએ પણ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે ધોરાજી તાલુકાના કુલ રૂ. ૯૮.૯૭ લાખ, ઉપલેટા તાલુકાના રૂ. ૧૭.૫૦ લાખ, જામકંડોરણા તાલુકાના કુલ રૂ. ૫૪.૯૦ લાખના વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત તથા ધોરાજી તાલુકાના કુલ રૂ. ૩૮.૦૮ લાખ, ઉપલેટા તાલુકાના કુલ ૧૩.૨૦ લાખ, જામકંડોરણા તાલુકાના કુલ રૂ. ૨૦.૨૦ લાખના નવનિર્મિત વિકાસના કામોનું ઈ-લોકાર્પણ તથા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત તૈયાર થયેલ ધોરાજી, ઉપલેટા તથા જામકંડોરણાના આવાસ યોજનાના લાભાર્થી પરિવારોને આવાસની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત આમંત્રિતો દ્વારા દીપ પ્રાગટ્યથી થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ધોરાજી પ્રાંત અધિકારી શ્રી જયેશ લીખીયાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ગુજરાતની વિકાસયાત્રાને ઉજાગર કરતી ફિલ્મ “વિશ્વાસથી વિકાસ યાત્રા” ઉપસ્થિત સર્વે મહાનુભાવો તથા નગરજનોએ રસપૂર્વક નિહાળી હતી.
આ અવસરે જામકંડોરણા તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિરેનભાઈ બાલધા, ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખશ્રી નીતાબેન ચાવડા, શ્રી કિશોરભાઈ રાઠોડ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, નગરપાલીકાના પ્રમુખશ્રીઓ અને સદસ્યશ્રીઓ, રાજકોટ સહકારી ડેરીના પૂર્વ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ રાણપરિયા, અગ્રણીશ્રી શ્રી અંજનાબેન ભાસ્કર, શ્રી ભાનુબેન બાબરીયા, સામજિક આગેવાનો સહિત ધોરાજી મામલતદારશ્રી એમ.જી.જાડેજા, જામકંડોરણા મામલતદારશ્રી શ્રી કે.બી.સંઘાણી, ઉપલેટા મામલતદારશ્રીશ્રી એમ.ટી. ધનવાણી, તાલુકા વિકાસ અધિકારશ્રીઓ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓ લાભાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here