આગામી ૨૫ વર્ષમાં દેશની એકતા અને અખંડિતતાને વધુ બળવત્તર બનાવી વિશ્વને આપણા સામર્થ્યના દર્શન કરાવીએ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

વડાપ્રધાન ની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની શાનદાર ઉજવણી

વડાપ્રધાન ઉવાચ:

*પ્રવર્તમાન વૈશ્વિક સંઘર્ષો વચ્ચે પણ ભારતની વિદેશનીતિઓ અને શ્રેષ્ઠ અમલીકરણના પરિણામે આગામી વર્ષોમાં ભારત દુનિયાની ત્રીજી આર્થિક સત્તા બનશે
• દેશની સ્થિરતા ન જોખમાય અને દેશનો પરચમ વિશ્વમાં વધુને વધુ લહેરાય એ માટે પ્રત્યેક ભારતવાસી સંકલ્પબદ્ધ બને
• કેટલાક રાજકીય સંગઠનો દેશના વિકાસને રોકવા માટે એજન્ડા ચલાવી રહ્યા છે: વિકાસયાત્રામાં તુષ્ટિકરણની રાજનીતિને તિલાંજલિ આપીએ
• સંકલ્પથી સિદ્ધિના મંત્રને ચરિતાર્થ કરી એકતાનગરનો વિકાસ વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત: છેલ્લા પાંચ વર્ષમાં ૧.૫૦ કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત
• ૧૫મી ઓગસ્ટ, ૨૬મી જાન્યુઆરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં મા નર્મદાના કિનારે ૩૧મી ઓક્ટોબરે યોજાતો રાષ્ટ્રીય એકતા દિવસ ‘રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિશક્તિ’ બન્યા
• એકતાનગર હવે ગ્લોબલ ગ્રીન વિલેજ સિટી તરીકે પ્રસ્થાપિત થયું છે.

રાષ્ટ્રીય એકતા દિવસ’ દેશભરમાં રાષ્ટ્રવાદના સંચારનો ઉત્સવ બની ગયો હોવાનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, જેમ ૧૫ મી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાતો સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ, ૨૬મી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસનો પરેડ કાર્યક્રમ યોજાય છે તેમ હવે ૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં ‘મા નર્મદા’ ના કિનારે રાષ્ટ્રીય એકતાદિવસ કાર્યક્રમના સમન્વય થકી રાષ્ટ્રીય ઉત્થાનની ત્રિશક્તિ તરીકે પ્રસ્થાપિત થયા છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવનારા ૨૫ વર્ષ ભારત માટે આ સદીના સૌથી મહત્વપૂર્ણ ૨૫ વર્ષ છે. આ ૨૫ વર્ષમાં આપણે ભારત દેશને વધુ સમૃદ્ધ અને વિકસિત દેશ બનાવવાની દિશામાં મક્કમ આયોજન કરવાના છે. અમૃતકાળમાં ભારતે ગુલામીની માનસિકતા છોડીને આગળ વધવાનો સંકલ્પ કર્યો છે. આપણે વિકાસ પણ કરી રહ્યા છીએ અને દેશના સમૃદ્ધ વારસાનું જતન પણ કરી રહ્યા છીએ.

તેમણે ઉમેર્યું કે, આજે એવું કોઈ લક્ષ્ય નથી કે જે ભારત હાંસલ કરી ન શકે, એવો કોઈ સંકલ્પ નથી કે જે ભારતીયો સિદ્ધ ન કરી શકે. છેલ્લા નવ વર્ષમાં ભારત દેશે જોયું છે કે જો પ્રત્યેક વ્યક્તિ પ્રયત્નો કરે તો કશું જ અશક્ય નથી. સરદાર સાહેબની પ્રેરણાથી આપણે તમામ ઇચ્છિત લક્ષ્યો પાર પાડીશુ. મોદીએ ગર્વ સાથે જણાવ્યું કે, પ્રવર્તમાન અનેક વૈશ્વિક સંકટો વચ્ચે આપણા દેશની સીમાઓ સુરક્ષિત છે. ગર્વ છે કે આપણો દેશ આગામી સમયમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા જઈ રહ્યો છે. ગર્વ છે કે ભારત દેશ ચંદ્રની એ ધરી પર પહોંચ્યો છે જ્યાં આજ સુધી કોઈ દેશ હજુ પહોંચી શક્યો નથી. ગર્વ છે કે આત્મનિર્ભર ભારતમાં તેજસ ફાઇટર એરક્રાફટ અને ભારતીય નૌ સેના માટે વિક્રાંત પણ પોતાના દેશમાં તૈયાર થયુ છે. ગર્વ છે કે સ્પોર્ટ્સથી માંડીને વિશ્વમાં ટોચના સ્થાન પર ભારતીય છે.

તેમણે કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ ભારતના સંકલ્પની તાકાત, સૌ ભારતીયોની હિંમત-પ્રખરતા તેમજ ભારતીય નાગરિકોની જીજીવિષાને આદર અને વિશ્વાસથી જોઈ રહ્યું છે. એટલું જ નહિ, ભારતની અતુલ્ય અને અજોડ યાત્રામાંથી સમગ્ર વિશ્વ પ્રેરણા લઈ રહ્યું છે.

સરદાર સરોવર ડેમનું કામ પણ છ દશકાથી અટક્યું હતુ પરંતુ સૌના પ્રયાસથી આ કાર્ય પણ આપણે પૂર્ણ કર્યુ છે. છેલ્લા ૧૫ વર્ષ પહેલા કોઈએ પણ વિચાર્યું નહતુ કે એકતાનગરનો આવો વિકાસ થશે. સંકલ્પથી સિધ્ધિનું સૌથી મોટુ ઉદાહરણ એકતાનગર છે, તેમ તેમણે ઉમેર્યુ હતુ.

દેશની જનશક્તિના પુરુષાર્થથી દેશ અને દુનિયામાં ભારતનો વિશ્વાસ વધ્યો છે એમ કહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે, કોરોના અને તે બાદ વૈશ્વિક અસ્થિરતામાં પણ ભારત દેશ સતત પ્રગતિ કરતો રહ્યો છે. વિશ્વના અનેક દેશો બેરોજગારી તથા મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભારતે જન શક્તિના સખત અને સતત પરિશ્રમથી વિકાસના નવા સોપાન સર કર્યા છે અને સમગ્ર વિશ્વમાં પરચમ લહેરાવ્યો છે.

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં ૧૩.૫ કરોડ ગરીબો ઘટ્યા છે, તેની ભૂમિકા આપતા મોદીએ કહ્યું કે, ભારતને પ્રગતિ – સમૃદ્ધિના માર્ગ ઉપર અહર્નિશ આગળ વધી રહ્યું છે. ૧૪૦ કરોડ દેશવાસીઓના પરિશ્રમ અને પ્રયત્નથી આ મહાકાર્ય થઈ રહ્યું છે. હવે આ સ્થિરતા ઉપર આંચ ના આવવી જોઈએ. તો જ આપણે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરી શકીશુ.

કોઈએ એવું કામ ના કરવું જોઈએ, જેથી દેશની એકતા અને અખંડિતતા ઉપર આંચ આવે, એવી શીખ આપતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે, આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે આપણા જવાનો, સૈનિકો પોતાનું સર્વસ્વ ખપાવી રહ્યા છે. હવે આપણે દેશની એકતા બરકરાર રાખવાની છે.

૩૭૦ કલમની દીવાલ તૂટ્યા બાદ કાશ્મીરમાં આતંકવાદના ઓછાયા ઓછા થયા છે, એમ કહેતા મોદીએ કહ્યું કે, કાશ્મીરીઓ હવે વિકાસના મુખ્ય પ્રવાહમાં આવ્યા છે. ભારત ખરા અર્થમાં એક બન્યું છે. આ બાબતે સરદાર સાહેબ જ્યાં હશે ત્યાંથી આશીર્વાદ આપતા હશે.

એકતાનગર ખાતે પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ તથા આકર્ષણની માહિતી આપતા તેમણે કહ્યું કે, એકતાનગર હવે ગ્લોબલ ગ્રીન વિલેજ સિટી તરીકે પ્રસ્થાપિત થયું છે. સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીના અવસરો ઊભા થયા છે. અહીં આવીએ એટલે પ્રકૃતિને અનુરૂપ જીવન શૈલી અપનાવવાની પ્રેરણા મળે છે. મિશન લાઇફ માટે એકતાનગર વિચાર ઉદ્દીપક કેન્દ્ર છે. છેલ્લા છ માસમાં દોઢ લાખ વૃક્ષોનું વાવેતર કરી પ્રકૃતિ સંરક્ષણનું કાર્ય થયું છે.

રાષ્ટ્રીય એકતાનું ગૌરવ ગાન કરતા મોદીએ જણાવ્યું કે, દેશના યુવાનો અને જાંબજોનો ઉત્સાહ રાષ્ટ્રીય એકતા દિવસની સૌથી મોટી તાકાત છે. આજે અહીં એક તરફ લઘુ ભારતનું દર્શન થઇ રહ્યું છે. રાજ્ય, ભાષા, પરંપરા અલગ પરંતુ અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ એકતાની મજબૂત દોરથી જોડાયેલો છે.

સરદાર સાહેબની આ ભવ્ય પ્રતિમા માત્ર પ્રતિમા નહી પણ તેમના જીવન અને એક ભારતના નિર્માણમાં તેમના યોગદાન થકી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ઝાંખી કરાવે છે. તેનાં નિર્માણમાં દેશભરના ખેડૂતોએ લોખંડ અને એકતા દીવાલ માટે માટી આપીને પોતાનું યોગદાન આપ્યું તે સતત પ્રેરણા આપે છે.

વડાપ્રધાન એ ઉમેર્યુ કે, છેલ્લા નવ વર્ષમાં ભારતે નીતિ નિર્ધારણના સખત અમલ અને બદલાવના પરિણામે સાધેલ વિકાસ માટે પ્રત્યેક ભારતવાસીઓમાં જે વિશ્વાસ બન્યો છે એ આત્મવિશ્વાસ કાયમ બની રહે અને ભારત આગળ વધતો જ રહે એવા સંનિષ્ઠ પ્રયાસો કરવા સૌ દેશવાસીઓને તેમણે અપીલ કરી હતી.

વડાપ્રધાન એ કહ્યું કે, દેશવાસીઓને સરદાર સાહેબના જીવન કવન અને તેમના ગુણોથી જાણકારી મળે એ માટે સરદાર કવીઝનું આયોજન થઈ રહ્યું છે એમાં સૌ લોકો સહભાગી બને એ જરૂરી છે. આવનારી પેઢીને સરદાર સાહેબના એકતાના મંત્રને ચરિતાર્થ કરવા માટેનો વારસો આપવા માટે સૌ એ સહિયારા પ્રયાસો કરવા રાષ્ટ્રીય એકતા દિને સંકલ્પબધ્ધ બનવું પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશના વિકાસમાં તૃષ્ટિકરણની રાજનીતિ બાધારૂપ બની રહી છે. તૃષ્ટિકરણની રાજનીતિ કરનારાઓને આતંકવાદની ભયાનકતા, વિકરાળતા દેખાતી નથી. માનવજાતના દુશ્મનો સાથે ઊભા રહેવામાં તેમને સહેજ પણ સંકોચ નથી. આવા લોકો આતંકવાદીઓ અને દેશ વિરોધી તત્વોને બચાવવાના પ્રયાસો અદાલતો સુધી કરી ચૂક્યાં છે જેનાથી દેશ કે સમાજનું કદી ભલું થવાનું નથી. આવા લોકો દેશની એકતાને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે દેશવાસીઓએ આવા તત્વોથી સાવધાન રહેવાનું છે.

દેશમાં કેટલાક રાજ્યોમાં ચૂંટણીનો માહોલ છે, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી થવાની છે, ત્યારે દેશના કેટલાક રાજકીય સંગઠનો નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે તેમ જણાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આવા રાજકીય સંગઠનો દેશ અને સમાજ વિરોધી હથકંડા અપનાવી દેશની એકતા તોડવાના પ્રયાસ કરી સ્વાર્થની રાજનીતિ કરી રહ્યાં છે. દેશ સામેના આ પડકાર સામે દેશની જનતા જનાર્દનની ભૂમિકા મહત્વની છે. આવો લોકોથી સચેત રહેવાની જરૂર છે.

મોદીએ ઉમેર્યું કે, વિકસિત ભારતનું લક્ષ હાંસલ કરવા અને દેશની એકતા બનાવી રાખવા દેશવાસીઓએ અગ્રેસર રહી દેશની એકતાને સાકાર કરવા નિરંતર યોગદાન આપી ભાવિ પેઢીને બહેતર ભવિષ્ય આપવાનો આ એક જ ઉત્તમ માર્ગ છે જે સરદાર સાહેબની એકમાત્ર અપેક્ષા હતી.

મોદીએ જણાવ્યું કે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર પટેલ દેશની આંતરિક સુરક્ષા માટે હંમેશા સતર્ક રહેતા હતા. છેલ્લા નવ વર્ષમાં દેશની આંતરિક સુરક્ષા સામે ઊભા થયેલા પડકારોને સુરક્ષા દળોએ દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપી કામયાબ થવા દીધા નથી.

તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં દેશવાસીઓએ ભીડભાડવાળા સ્થળો, તહેવારો, જાહેર સ્થળો અને આર્થિક ગતિવિધિઓના કેન્દ્રોને નિશાના બનાવી દેશના વિકાસને રોકવાના પ્રયાસો થતાં જોયા છે અને તે સમયની સરકારો પણ તપાસમાં સુસ્તી દાખવતી હતી. હવે આપને દેશને આ દોરમાં જવા દેવાનો નથી. દેશની એકતા પર હુમલા કરનારા તત્વોથી દેશવાસીઓને સતર્ક રહેવા તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેર્યું કે, આજનું ભારત નવું ભારત છે, દરેક ભારતવાસી આત્મવિશ્વાસથી ભરેલા છે, ત્યારે આ આત્મવિશ્વાસ, આ ભાવ કાયમ બની રહે અને દેશ આગળ વધે તે માટે રાષ્ટ્રીય એકતા દિવસના આ રાષ્ટ્ર ઉત્સવને પૂરા ઉત્સાહથી મનાવી જીવનમાં એકતાના મંત્રને ચરિતાર્થ કરી રાષ્ટ્રની એકતા માટે જીવનને સમર્પિત કરવા તેમણે દેશવાસીઓને અનુરોધ કર્યો હતો.

વડાપ્રધાને ૧૪૦ દેશવાસીઓ વતી સરદાર સાહેબને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પણ કરીને રાષ્ટ્રીય એકતા દિવસની અભૂતપૂર્વ પરેડ નિહાળી હતી. એકતા દિવસના શપથ લેવડાવી વડાપ્રધાન એ રૂ.૧૯૬ કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ તેમજ શિલાન્યાસ કર્યા હતા. વડાપ્રધાન એ કેવડિયા થી અમદાવાદ સુધી ચાલનાર હેરીટેજ ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાનશ્રીએ આરંભ ૫.૦ અંતર્ગત ૯૮માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધિત કર્યા હતા.

દેશના છેવાડાના ગામડા – કસબાઓ કે જેને હવે સમાંતર વિકાસના વિઝન સાથે દેશના પ્રથમ ગામડા તરીકેની ઓળખ આપી વિકાસયાત્રામાં જોડવામાં આવ્યા છે તેવા ગામડાઓમાંથી આવેલા સ્થાનિકો દ્વારા એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોતાની આગવી સંસ્કૃતિને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.

એકતા અને અખંડિતતાનું પ્રતિક એવા સરદાર સાહેબની વિરાટ પ્રતિમા ઉપર સેનાના બે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં સી.આર.પી.એફ,આસામ,આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ,મહારાષ્ટ્ર પોલીસ, BSF, NCCના પ્લાટૂન ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્રીય પોલીસ દળોના પ્રતિક સ્વરૂપે ૫૪ ફ્લેગ બેરરે ભાગ લીધો હતો. આ ઉપરાંત શ્રીનગર, સિલોંગ, કન્યાકુમારીથી એકતાનગર મોટર સાયકલ પર પહોચેલી સી.આર. પી.એફની મહિલા ડેર ડેવીલ્સ યશસ્વીનીએ માતૃભૂમિ પ્રત્યે જયઘોષ કર્યો હતો.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં યોજાયેલી આ એકતા પરેડના કાર્યક્રમમાં પરેડ ઉપરાંત ભારત ચીન સરહદના દેશના પાંચ રાજ્યોના પાંચ વાયબ્રન્ટ વિલેજના ૧૦૦થી વધુ કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોના ૩૦ નૃત્યદળોના ૪૦૦ ઉપરાંત કલાકારોએ એક ભારત શ્રેષ્ઠ ભારતની અનુભૂતિ કરાવી હતી.

ભારતીય વાયુદળની સૂર્યકિરણ એરોબેટીક ટીમ દ્વારા રજૂ કરાયેલ હવાઈ કરતબોએ લોકોમાં અનોખો રોમાંચ જગાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય સચિવ રાજકુમાર, ગુહ વિભાગના અધિક મુખ્યસચિવ મુકેશપુરી, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, કેન્દ્ર અને રાજ્ય સરકારના સચિવશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, રાજ્ય સરકારના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here