ધાર્મિક નગરી સિદ્ધપુરમાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવે ભવ્ય શોભાયાત્રા નીકળી

સિદ્ધપુર,(પાટણ)આશિષ કુમાર પાધ્યા :-

શોભાયાત્રામાં ૧૫૫૧ ફૂટ લાંબા રાષ્ટ્ધ્વજ શોર્યયાત્રા એ અનેરું આકર્ષણ જમાવ્યું

ઐતિહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સનાતની હિન્દુ સમાજના ઈષ્ટદેવ, હિન્દુ ધર્મના ઉપાસક,રક્ષક એવા ચિરંજીવી ભગવાન શ્રી પરશુરામજીનો જન્મોત્સવ અક્ષયતૃતીયા ના પાવનદિવસે ભક્તિ ભાવપૂર્ણ રીતે ઉજવાયો હતો.સમસ્ત સિદ્ધપુર હિન્દૂ સમાજના સનાતની ધર્મપ્રેમીઓ ઉત્સાહભેર આ શોભાયાત્રામાં જોડાયા હતા.પરશુરામ ભગવાનના બિન્દુસરોવરના નિજમંદિર થી વહેલી સવારે મહાપૂજા,આરતી,
મંત્ર પુષ્પાંજલિ કર્યા બાદ દાદાની પ્રતિમાને કલાત્મક રથમાં બિરાજમાન કરી યુવાનો બાઈક પર બેસી અંબાવાડી ખાતે આવ્યા હતા.ત્યાંથી દાદાની ભવ્ય શોભાયાત્રા શહેરના રાજ માર્ગો ઉપર ફરી હતી.જેનું શ્રી પરશુરામ સેનાએ ભવ્ય આયોજન કર્યું હતું.શોભા યાત્રા રૂટ દરમિયાન ભાવિક ભક્તોએ ઠેરઠેર સ્વાગત-પૂજન-પુષ્પવર્ષા કરી દાદા ના વધામણાં કરી દર્શનનો લ્હાવો લઈ ધન્યતાની અનુભૂતિ કરી હતી.શોભા યાત્રામાં સમગ્ર સનાતની હિન્દૂ સમાજની એકતાના દર્શન થયા હતા.ભગવાન શ્રી પરશુરામજીએ સિધ્ધપુરની પાવનભૂમિમાં તેમની માતાનું પિંડદાન કરી માતૃઋણમાથી મુક્તિ મેળવી હતી.આ શોભા યાત્રામાં સૌપ્રથમ વખત ૧૫૫૧ ફૂટ લંબાઈ અને ૧૦ ફૂટ પહોળાઈ ધરાવતા રાષ્ટ્રધ્વજ સાથે નીકળેલી સનાતની હિન્દુ પરશુરામ શોર્યયાત્રાએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું.શોભાયાત્રામાં જોડાયેલા લોકોને અસહ્ય ગરમીમાં રાહત મળે તે માટે અનેક સ્થળોએ ઠંડી છાસ આઈસ્ક્રીમ,શરબત,પાણીનું વિતરણ કરાયું હતું.શોભા યાત્રામાં ડીજે અને બેન્ડની સુરાવલીના તાલે લોકો ઝૂમતા-ઝૂમતા ઉત્સાહભેર જોડાયા હતા.તેમજ જય જય પરશુરામ અને હર હર મહાદેવના ગગનભેદી નારાઓથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.સમગ્ર શોભાયાત્રામાં સિદ્ધપુર ડીવાયએસપી સી.એલ. સોલંકી,ઈ.પીઆઈ પી. એસ.ગૌસ્વામી સહિત પોલીસ તેમજ હોમગાર્ડ, જીઆરડી જવાનો સહિત મહિલાકર્મીઓ દ્વારા પ્રશંસનીય બંદોબસ્ત કામગીરી કરવામાં આવી હતી.શોભાયાત્રાના વિરામ બાદ પી.જે.ગલ્સહાઈસ્કૂલ ખાતે ભોજનપ્રસાદ રાખવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here