ગ્રામ પંચાયતોની ચટણીને અનુલક્ષી ચૂંટણી પ્રચાર માટે વાહનો અને લાઉડ સ્પીકરના ઉપયોગ ઉપર નિયંત્રણો લદાયા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની અંદાજિત ૧૦૮૭૯ ઉપરાંતની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલા ચૂંટણી કાર્યક્રમ અન્વયે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તાઓ, સમર્થકો દ્વારા ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે વાહનો તથા લાઉડ સ્પીકરના મોટા પાયે કરાતા ઉપયોગ પર નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા તા.૨૩ મી નવેમ્બર, ૨૦૨૧ થી તા.૨૪ મી ડિસેમ્બર,૨૦૨૧ સુધી કેટલાંક નિયંત્રણોના અમલ માટે હુકમ કર્યો છે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના ચૂંટણી હેઠળના વિસ્તારમાં લાગુ પડશે.

તદ્અનુસાર, કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જાહેર કે ખાનગી જગ્યાઓમાં સક્ષમ અધિકારીશ્રીની પૂર્વ પરવાનગી સિવાય જાહેરમાં લાઉડસ્પીકર વગાડી શકશે નહીં, કોઈપણ જાહેર સભા કે સરઘસના હેતુસર સવારે ૦૮:૦૦ કલાકથી રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો હોય તો તેને માટે સંબંધિત અધિકારીની અગાઉથી લેખિત પરવાનગી લેવાની રહેશે. આવી પરવાનગી આપતી વખતે સંબંધિત અધિકારી જાતે ખાતરી કરીને પરવાનગીને લીધે જાહેર શાંતિ જોખમાય નહીં તે સુનિશ્ચિત કરીને આવી પરવાનગી આપશે. આવી પરવાનગી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કન્ટ્રોલ) રૂલ્સ, ૨૦૦૦ ના નિયમ-૩ ને અનુરૂપ આપવાની રહેશે, ચૂંટણી પ્રચાર માટે જાહેર મંચ ઉપર અથવા વાહનો દ્વારા ફરતાં લાઉડ સ્પીકરના ઉપયોગ માટે સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી પ્રથમ લેવાની રહેશે. ફરતા વાહનમાં ગોઠવેલ લાઉડ સ્પીકર માટે ઉપયોગ કરવામાં આવતી અરજીમાં વાહનોના પ્રકાર અને રજીસ્ટ્રેશન નંબર લખવાનો રહેશે. જે વાહન માટે પરવાનગી આપી હોય તે વાહન ચાલકે પરવાનગીનો હુકમ વાહન સાથે રાખવો પડશે.

તેવી જ રીતે, સક્ષમ અધિકારી દ્વારા ફરતાં વાહનો ઉપર ગોઠવેલ લાઉડ સ્પીકરના માટે પરવાનગી પત્ર (પરમીટ) આપવામાં આવે તેમાં વાહનનો પ્રકાર અને રજીસ્ટ્રેશન નંબર લખવાના રહેશે, ફરતાં વાહનો ઉપર અથવા નિયત સ્થળે ગોઠવવામાં આવેલ કોઈ લાઉડ સ્પીકરના ઉપયોગ માટે આવી પરવાનગી પરમીટ મેળવ્યા પછી તેનો ઉપયોગ કરનારને તે વિસ્તારના પોલીસ મથકને તેમજ સબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારીશ્રીને તેમના દ્વારા મેળવેલ પરવાનગી પત્ર (પરમીટ)ની સંપૂર્ણ અને લેખિતમાં જાણ કરવાની રહેશે.

આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ – ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે. આ હુકમ અન્વયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ લેખિત ફરીયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here