કાલોલ સીએચસી ખાતે આરોગ્ય રાજ્યમંત્રીસુશ્રી નિમિષાબેન સુથારનાં વરદ હસ્તે આપકે દ્વાર આયુષ્માન અંતર્ગત PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પ કાર્યક્રમનું ઉદઘાટન…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

મંત્રીશ્રી દ્વારા લાભાર્થીઓને મા કાર્ડ, વ્હીલ ચેર, વોકર, સિલા મશીન, ન્યુ બોર્ન બેબી કીટ સહિતના લાભોનું વિતરણ કરાયું

આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રીશ્રી નિમિષાબેન સુથારના વરદ હસ્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કાલોલ ખાતે આપકે દ્વારા આયુષ્માન અંતર્ગત PMJAY-MA કાર્ડ અને મેગા હેલ્થ કેમ્પનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોતાના સંબોધનમાં આરોગ્ય રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજનો દિવસ કોરોના સામેની લડાઈમાં સીમાચિન્હરૂપ દિવસ છે. આજે રસીકરણની શરૂઆત થયાના 278 દિવસ જેટલા ટૂંકા સમયગાળામાં આપણે 100 કરોડ ડોઝ આપીને દેશવાસીઓને કોરોના સામે રક્ષિત કરવાની દિશામાં મજબૂત પ્રગતિ કરી છે. આ સિદ્ધિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરગામી વિઝન અને નેતૃત્વ તેમજ આરોગ્યકર્મીઓની અથાક મહેનતનાં પગલે શક્ય બન્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. ‘આપ કે દ્વાર આયુષ્માન’ કાર્યક્રમ વિશે બોલતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યનાં અદનાં નાગરિકને આરોગ્ય સંબંધી ખર્ચની ચિંતામાંથી મુક્તિ આપવા અને ઉત્તમ સારવારની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે સરકારે 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી આપતી PMJAY-MA કાર્ડ યોજના અમલી બનાવી છે. સમયાંતરે વધુમાં વધુ જરૂરતમંદ નાગરિકો તેનો લાભ મેળવી શકે તે દિશામાં સરકાર દ્વારા જરૂરી ફેરફારો આ યોજનામાં કરવામાં આવ્યા છે, જે અંતર્ગત હવે પરિવારદીઠ કાર્ડ ઈશ્યુ કરવાના બદલે વ્યક્તિગત રીતે કાર્ડ આપવામાં આવશે, જેથી વધુ સભ્યો ધરાવતા પરિવારના તમામ સભ્યો પણ આ યોજના હેઠળ લાભ મેળવી શકે. તેમણે જણાવ્યું હતું કે 23મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ આ અભિયાન હેઠળ દરેક જિલ્લા-તાલુકા મથકોએ મેગા કેમ્પ કરીને 2 કરોડથી વધુ આવા વ્યક્તિગત કાર્ડ ઈશ્યુ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કાર્ડધારકોને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ અનુસારની સારવાર ત્વરિત રીતે મળી રહે તે માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા સરકારી હોસ્પિટલોમાં વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. સેવાઓની ડિલિવરી વધુ અસરકારક અને લાભાર્થીઓને અનુકૂળ બનાવવા સરકારે પરિવારના બદલે વ્યક્તિદીઠ મા કાર્ડ આપવા, તબીબી સહિતના કારણોસર થમ્બ ઇમ્પ્રેશન અને આઇરિસ સ્કેનિંગ શક્ય ન હોય તેવા કિસ્સાઓમાં ઓટીપીના આધારે લાભ આપવા, આવકના દાખલો ત્રણ વર્ષ સુધી માન્ય ગણવા સહિતના જનહિતકારી પગલા સરકારે લીધા છે. ગોધરા ખાતે 325 કરોડના ખર્ચે 300 બેડની સુવિધા ધરાવતી નવી મેડિકલ કોલેજ પણ વહેલીતકે, શક્યત આ જ વર્ષે શરૂ કરવા માટે હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવતા આ કોલેજનાં ડોક્ટર-નર્સીસ માટે હોસ્ટેલ, લેબોરેટરી, લાઈબ્રેરી સહિતની સુવિધાઓ વહેલીતકે ઉપલબ્ધ કરાવી એમબીબીએસની પ્રથમ બેચ ટૂંકાગાળામાં શરૂ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને PMJAY-MA કાર્ડ, સિલાઈ મશીન, વોકર, વ્હિલ ચેર, દિવ્યાંગતાના પ્રમાણપત્રો, નિષય પોષણ સહાય યોજના અંતર્ગત રૂ. ૩૦૦૦/-ના ચેક, નવજાત બાળકો માટે ન્યુ બોર્ન બેબી વેલકમ કીટ સહિતના લાભોનું વિતરણ તેમજ ઉત્કૃષ્ઠ કામગીરી દર્શાવનાર આરોગ્ય અધિકારીઓ કર્મચારીઓને સન્માનપત્રનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ટીબી નિર્મૂલન અભિયાન અંગે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી (કેબિનેટ) ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારના વીડિયો સંદેશાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, કાલોલ ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુન સિંહ બી. રાઠોડે સ્વાગત પ્રવચન કરતા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા. કાર્યક્રમમાં કાલોલ નગરપાલિકા પ્રમુખસુશ્રી શેફાલીબેન ઉપાધ્યાય સહિતના પદાધિકારીશ્રીઓ, સીડીએચઓ ડો. મિનાક્ષીબેન ચૌહાણ, પીઆઈયુ અધિકારીશ્રી ડો. સી.સી. પટેલ, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પીએમજેએવાય ડો. કાપડિયા, ટીડીઓશ્રી સેજલબેન સંગાડા, ટીએચઓશ્રી એમ.વી.દોશી સહિતના વરિષ્ઠ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here