ગોધરા નર્સિંગ સ્કુલ ખાતે નવિન કોવિડ વોર્ડને ખુલ્લો મુકતા ધારાસભ્યશ્રી સી.કે. રાઉલજી…

ગોધરા,(પંચમહાલ)
ઈશહાક રાંટા

ગોધરા સિવિલ ખાતેની કોવિડ હોસ્પિટલના એક્સ્ટેન્શનના ભાગરૂપે ૧૫૦ બેડનો વોર્ડ શરૂ કરાયો, ટૂંક સમયમાં ક્ષમતા વધારીને ૨૫૦ બેડની કરાશે

હળવા લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર હાથ ધરાશે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે બેડની સંખ્યા વધારીને ૫૧૫ કરાઈ

પંચમહાલ જીલ્લામાં ગોધરા નર્સિંગ સ્કુલ ખાતે ધારાસભ્યશ્રી સી.કે. રાઉલજી દ્વારા ૧૫૦ બેડની સુવિધા ધરાવતા નવિન કોવિડ વોર્ડને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈ ગોધરા સિવિલ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલના વિસ્તરણના ભાગરૂપે નર્સિંગ સ્કૂલ ખાતે આ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આ વોર્ડમાં વધુ ૧૦૦ બેડનો ઉમેરો કરી કુલ ક્ષમતા ૨૫૦ બેડની કરવામાં આવશે. આગામી ૨ દિવસમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઓક્સિજન પાઇપની સુવિધા પણ કાર્યરત કરી દેવામાં આવશે. આ વોર્ડમાં કોરોનાના હળવા લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર કરવામાં આવશે. હાલની સ્થિતિએ ગોધરા ખાતે કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે કુલ ૨૫૦ અને તાજપુરા ખાતે અન્ય ૨૬૫ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. નવીન વોર્ડ સિવિલની સામે જ આવેલો હોવાથી સિવિલના નિષ્ણાત ડોકટર્સ, આઈ.સી.યુ. સહિતની સુવિધાઓ પણ ઝડપથી અને આસાનીથી ઉપલબ્ધ રહેશે. ધારાસભ્યશ્રીએ જિલ્લા કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, સિવિલ સર્જનશ્રી સાથે મળી વોર્ડમાં ઉપલબ્ધ કરાવાયેલ સુવિધાઓની નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલની સ્થિતિએ ૨૫૪ સક્રિય દર્દીઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here