કોવિડ-૧૯ની ગાઇડલાઇનના પાલન સાથે ગરિમાપૂર્ણ રીતે પોલીસ હેડ ક્વાર્ટર, ગોધરા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

તસ્વીર

૧૫મી ઓગસ્ટની ઉજવણીના આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

માહિતી બ્યુરો, ગોધરાઃ પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ કોરોના સંક્રમણ સામે સાવચેતીના તમામ પગલા સાથે સ્વાતંત્ર્ય દિવસની માનભેર ઉજવણી કરવામાં આવશે. તેમણે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન ઉપસ્થિતજનો વચ્ચે સામાજિક અંતર જળવાઈ તેની વિશેષ તકેદારી રાખવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. જિલ્લા સમાહર્તાશ્રીએ ઉમેર્યુ હતું કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે પોતાની અને પરિવારની ચિંતા કર્યા વગર સમાજ અને દેશ માટે રાત દિવસ કોરોના સંક્રમણને નિયંત્રિત કરવામાં યોગદાન આપનાર પ્રથમ હરોળના કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવશે.

બેઠકમાં ધ્વજવંદન સ્થળે સેનેટાઇઝેશન, સફાઈ, પરેડ ગ્રાઉન્ડ પર પાણીનો છંટકાવ, બેઠક વ્યવસ્થા, હેન્ડ સેનેટાઇઝેશન અને માસ્કની વ્યવસ્થા, હર્ષ ધ્વની, પોલીસ પરેડ, સરકારી કચેરીઓમાં રોશની શણગારની કામગીરી, વૃક્ષારોપણ, ઓનલાઈન આંતર શાળાકીય- આંતર કોલેજ સ્પર્ધા, કોવિડ-૧૯ મહામારીમાં સેવા આપી રહેલા આરોગ્ય કર્મીઓ, ર્ડાકટર, નર્સ, પોલીસ, સફાઇ કર્મીઓ, કર્મચારીઓ સહિત કોરોના વોરીયર્સ તરીકે વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા વ્યક્તિઓનું શાલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના સમગ્ર કાર્યક્રમનું સંકલન નિવાસી અધિક કલેકટરશ્રી એલ.બી.બાંભણિયા કરી રહ્યા છે. આ કામગીરી માટે પંચમહાલ કલેક્ટરશ્રી દ્વારા અધિકારીઓને જુદી જુદી ફરજો સોંપવામાં આવી છે.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, જિલ્લાના પોલિસ વડા ડો.લીના પાટિલ, પ્રોબેશનરી આઈ.એ.એસ. શ્રી રામ બુગલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here