27 નવેમ્બર સોમવારે દેવદિવાળીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવશે

એકતાનગર, (નર્મદા( આશિક પઠાણ :-

28 નવેમ્બર મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો બંધ રહેશે

પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇ 27 નવેમ્બરના રોજ એટલે કે સોમવારે દેવદિવાળી અને ગુરૂનાનક જયંતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) મુલાકાતીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન તમામ પર્યટન સ્થળોએ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, SoU ખાતે દર સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય હાથ ધરાય છે, જેથી તે દિવસે પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવતો નથી. પરંતુ 27 નવેમ્બરના રોજ સોમવારના દિવસે પ્રવાસીઓની માંગણી ને ધ્યાને લઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન તમામ પ્રોજેક્ટ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 27 નવેમ્બર સોમવારના રોજ સાપ્તાહિક અવકાશને મોકૂફ રાખીને પ્રવાસીઓને પ્રવેશ આપવાનો નિર્ણય SOUADTGA તરફથી લેવામાં આવ્યો છે. તેના બદલે 28 નવેમ્બર મંગળવારનાં રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સંલગ્ન પ્રવાસીય પ્રોજેકટ પર જાહેર રજા રહેશે. આ વખતે લોકોને શનિ. રવિની સાથે સોમવારે પણ દેવદિવાળી અને ગુરૂનાનક જયંતી હોવાને લીધે ૩ દિવસની લાંબી રજા મળતી હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તેને સંલગ્ન અન્ય પ્રોજેકટો. નર્મદા ડેમ સહિતના આકર્ષણો નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.28 નવેમ્બર 2023ના રોજ મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તે દેશ-દુનિયામાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ જોવાનો આનંદ પ્રવાસીઓ ખૂબ માણે છે. દિવસેને દિવસે પ્રતિમા જોવા માટે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ એકતા નગર ખાતે આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here